વાર્ષિક અહેવાલ

છેલ્લા એકાદ વર્ષથી ટ્રાવેલિંગ લગભગ નહિવત જ રહ્યું છે. અને આ બ્લોગ પોસ્ટ પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી દ્રાફ્ટમાં જ રહી છે. ટ્રાવેલિંગ ચાલુ હતું ત્યારે એવું લાગે કે લોકલ પ્રોજેક્ટ પર વધુ મજા આવશે, પણ વાસ્તવિકતા અલગ જ હોય છે. લોકલ પ્રોજેક્ટમાં (એટલે કે ન્યુ યોર્ક શહેરમાં જ કામ) મેં ધાર્યો હતો એના કરતા પણ વધુ સમય દેવો પડે છે (દિવસની લગભગ પંદર થી સત્તર કલાક), પણ છેલ્લા થોડા સમયથી એક સરસ અને ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ પર કામ કરવા મળ્યું છે

જો તમે લોકો “Too Big To Fail” વિષે જાણતાં હોવ તો તમને કદાચ ખબર હશે કે 2008ના ફાઇનૅન્શિયલ ક્રાયસિસ પછી ફેડરલ રિઝર્વ બેંકે અમેરિકાની લગભગ 6 બેન્કને દર વર્ષે કેપિટલ પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો છે, આનો સરળ અર્થ એ છે કે જો આવતી કાલે ઈકોનોમીમાં અણધાર્યા ફેર બદલ થાય તો શું બેન્ક પાસે એટલી લીકવીડિટી છે કે તેને કંઈપણ મુશ્કેલી ન પડે?

આ જેટલું સરળતાથી મેં લખ્યું છે કામ એટલું જ ગૂંચ વાળું છે, અને બધીજ બેન્ક આ કામની પાછળ વર્ષે લગભગ પાંચ મિલિયન ડોલર થી એક બિલિયન ડોલર જેટલો ખર્ચ કરે છે…એટલે જ તો વોલ સ્ટ્રીટનાં લોકો ડેમોક્રેટ્સને ધિક્કારે છે 😉 ગયા વર્ષે ફેડરલ રિઝર્વ બેંકે જૂન મહિનામાં ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કમ્પનીઓને (એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સની બહારની બેંકો જે અમેરિકન માર્કેટમાં ટ્રેડિંગ કરે તે) એંધાણ આપ્યા કે કદાચ આ વર્ષે તેમને પણ જી.એમ.એસ (ગ્લોબલ માર્કેટ શોક) બેન્ક તરીખે કેટેગરાઈઝ કરવામાં આવશે અને તેમને પણ આવો રિપોર્ટ તૈયાર કરી ફેડરલ રિઝર્વને સોંપવો પડશે. આવા સમાચારથી રાતો રાત બધી જ બેંકના રિસ્ક અને ફ્રન્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટની ઊંઘ ઉડી જાય. કારણકે જો બેન્ક આ રિપોર્ટ બનાવવામાં નિષ્ફ્ળ રહે તો તેમને ખુબજ આકરા ફાઈન લાગે અથવા તો બેન્કના અમેરિકન માર્કેટમાં ટ્રેડિંગના લાઇસન્સ પણ રદ્દ થઇ શકે.

આવી બેંકમાં રિસ્ક મુખ્ય બે ભાગનાં ચોપડે વેંચાયેલું હોય – બેન્કિંગ બુક અને ટ્રેડિંગ બુક. બેન્કિંગ બુકમાં લોન વ્યવહાર, હોલસેલ બિઝનેસ, ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી આવે, અને ટ્રેડિંગ બુકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા સ્ટોક માર્કેટમાં થતા વ્યવહારની માહિતી હોય. ટ્રેડિંગ બુકમાં મુખ્ય ભાગે બે રિસ્ક હોય – માર્કેટ રિસ્ક અને કાઉન્ટરપાર્ટી રિસ્ક. તો મને છેલ્લા એકાદ વર્ષથી આવી જ ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં ટ્રેડિંગ બુકમાં કાઉન્ટરપાર્ટી રિસ્ક જોડે કામ કરવા મળ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ જાત-જાતના રિપોર્ટ તૈયાર કરવા પડે, અને આ રિપોર્ટમાં જે તે બેંકે અલગ અલગ સિનારિયો અથવા કાલ્પનિક પરિસ્થિતિઓ બનાવી પોતાની ટ્રેડિંગ પોઝિશન સ્ટ્રેસ કરવી પડે, અને આ સ્ટ્રેસ ટેસ્ટનાં પરિણામો ફેડરલ રિઝર્વ બેન્કના વ્યાખ્યાયિત ટેમ્પ્લેટમાં સોંપવા પડે

તો અર્નસ્ટ એન્ડ યન્ગને આવી જ ફોરેન બેન્કોનો જી.એમ.એસ. રિપોર્ટ બનાવવા મદદ કરવાનું કામ મળ્યું, અને મારે પણ આવો પ્રોજેક્ટ કરવાની ઈચ્છા હતી. અમેરિકાની છ સ્થાનિક બેંકો (મોર્ગન સ્ટેન્લી, સીટી બેન્ક, જે પી મોર્ગન, વેલ્સ ફાર્ગો, બેન્ક ઓફ અમેરિકા, અને ગોલ્ડમેન સૅક્સ) આ રિપોર્ટ ઘણાં વર્ષોથી તૈયાર કરે છે, એટલે તેઓ અત્યારે ખુબ જ સુવ્યવસ્થિત રીતે કામ કરે છે અને તેમની પ્રોસેસ પણ ખુબ જ સ્ટેબલ છે. પણ જ્યારે કોઈ બેન્ક આ રિપોર્ટ પહેલી વાર બનાવે ત્યારે તે કામ અત્યંત ચેલેન્જિન્ગ હોય છે અને ડેડલાઈન ટાઇટ હોવાને કારણે તેઓને કન્સલ્ટન્ટ્સની મદદ લેવી જ પડે. મારું કામ આવી જ એક ફોરેન બેંકના જી.એમ.એસ. રિપોર્ટમાં કાઉન્ટરપાર્ટીને લાગતાં વળગતા રિપોર્ટ બનાવવામાં મદદ કરવાનું હતું. કાઉન્ટરપાર્ટીનો સરળ અર્થ એટલે કે કોઈ પણ પ્રકારની લેતી દેતીમાં આપણાં સિવાયની પાર્ટી, અને મારું કામ કાઉન્ટરપાર્ટી ડિફોલ્ટ લોસના આંકડાઓ તૈયાર કરવાનું હતું. જ્યારે કોઈ કાઉન્ટરપાર્ટી ડિફોલ્ટ/બેંકર્પટ/નાદાર થાય તો રિપોર્ટ તૈયાર કરનાર બેન્કને કેટલું નુકશાન થાય તેના આંકડાઓ તૈયાર કરવાના. આ એક લોસ નમ્બર તૈયાર કરતાં બેન્કને લગભગ 40 લોકોની ટિમ જોડે બે થી ત્રણ મહિનાની મહેનત લાગે. અને એ નુકશાનને કવર કરવા બેન્ક સક્ષમ છે કે નહિ તેના પણ પુરાવા દેવા પડે. અને કોઈ પણ કાઉન્ટરપાર્ટી અલગ અલગ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ (ડેરિવેટિવ, રીપો, રિવર્સ રીપો, સિક્યોરિટી લેન્ડિંગ બોરોઇંગ વગેરે વગેરે) પર ટ્રેડિંગ કરે. તો ફેડરલ રિઝર્વ બેન્કની સૂચનાઓ મુજબ જે રિપોર્ટ તૈયાર કરવાનો હોય તેમાં લગભગ એક એક્સેલ ફાઇલની 10 ટેબ, 25 ટેબલ, અને 450 કોલમ ભરવાની હોય. અને રિપોર્ટની સાઈઝ એટલે કે રો/રેકોર્ડની સંખ્યા બેન્કની ટ્રેડિંગ એક્ટિવિટી પર આશ્રિત હોય. એક એક ટેબલનાં રેકોર્ડની સંખ્યા 10 થી 50000 હોય શકે. આવા કોમ્પ્લેક્સ રિપોર્ટ સામાન્ય રીતે ઓટોમેટિકલી તૈયાર કરવા પડે, કારણકે જાતે રિપોર્ટ તૈયાર કરીએ તો ભૂલો પાડવાની શક્યતા વધી જાય. અને આ એક રિપોર્ટ પર આવતા આંકડાઓ બેંકના બીજા અલગ અલગ રિપોર્ટ અને ટ્રેડિંગ બુક જોડે રિકનસાઇલ થવા જોઈએ.

તો ગયા વર્ષે જે ફોરેન બેન્કમાં અમે લોકોએ કામ ચાલુ કર્યું તે લોકોને આવા કોમ્પ્લેક્સ રિપોર્ટ તૈયાર કરવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી – ટેક્નિકલ અને બિઝનેસ ચેલેન્જીસ. અર્ન્સ્ટ એન્ડ યન્ગે બીજી ઘણી બધી બેંકમાં આ કામ કર્યું હોય, તો અમને ઇન્ડસ્ટ્રી બેંચમાર્કિંગ અને એક્સપર્ટીઝ એકદમ સહેલાઇથી મળી રહે. અને સ્વાભાવિક રીતે બેન્કને કોઈ નવી સિસ્ટમ ઈમ્પ્લીમેન્ટ કરવી હોય તો ખુબ જ વધારે સમય અને પૈસા લાગે એટલે જ્યારે પણ આવી જરૂર પડે તો અમારા લોકોના મતે ટેક્ટિકલ સોલ્યુશન 😀 વધુ અસરકારક રહે, અને અમે લોકો રાતોરાત આવા રિસોર્સીઝ પણ વધુ સહેલાઇથી ભેગા કરી શકીએ. મેં આવા જ એક રિપોર્ટની બિઝનેસ રિક્વાયરમેન્ટનો ઊંડો અભ્યાસ કર્યો, અને પછી નક્કી કર્યું કે આ રિપોર્ટને લાગતી પ્રક્રિયાને ઓટોમેટ કરવાં માટે સૌથી સરળ અને ઝડપી વિકલ્પ એક્સેલ પર વીબીએ મેક્રો છે. એક્સેલ મેક્રો vs જાવા/પાયથનની ડિબેટમાં હું પડવા માગતો નથી કારણકે ટેક્નિકલ લોકોનો અભિપ્રાય અલગ જ રહેવાનો છે. ઘણાં સમય પછી પ્રોગ્રામિંગ ચાલુ કર્યું હતું એટલે થોડી ઘણી તકલીફ પડી, પણ ટીમમાં સારા એવા ડેવલપર હતા એટલે આપડી ગાડી ચાલતી રહી. અમે બનાવેલા મેક્રોથી બેન્કને ઘણો ફાયદો થયો કારણકે તે લોકોએ પોતાની લેગસી સિસ્ટમમાં કઈ ફેર બદલ ન કરવા પડે, મેક્રો સમજવા થોડા સહેલા હોય, અને કામ ઘણું ઝડપથી પાર પડે.

સ્ટ્રેસ ટેસ્ટિંગનો કોન્સેપટ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે, ભારતમાં તેનો ઉપયોગ થાય છે કે નહિ એ તો મને નથી ખબર પણ અમેરિકા અને બીજા દેશોમાં તો બેંકો રેગ્યુલેટરથી ખુબ જ ડરે છે. આવા સ્ટ્રેસ ટેસ્ટિંગમાં મુખ્ય બે ભાગ હોય છે, પહેલા તબક્કે બેન્કોએ રેગ્યુલેટરને પોતાની પોઝિશન અને હોલ્ડિંગની જાણકારી આપવી પડે, અને ત્યારબાદ એ પોઝિશન પર અલગ અલગ પ્રકારના શોક લગાડવામાં આવે. શોક એટલે કે રાતોરાત જો ઇકોનોમીમાં કોઈ ફેરબદલ થાય તો દુનિયાની કોઈ પણ કમોડિટી કે કરન્સીની કિંમત કેટલી ડિવેલ્યુએટ થાય તેનું માપ છે. આવા અલગ અલગ શોક કોઈ પણ દેશની રેગ્યુલેટરી ઓથોરિટી તૈયાર કરે અને બેન્કોએ પોતાનાં હોલ્ડિંગ પર તે શોક લગાડી પોતાની પોઝિશન કેટલી ડિવેલ્યુએટ થાય તેની માહિતી  રેગ્યુલેટરને સોંપવી પડે. અને રેગ્યુલેટર બેન્કોને પણ પોતાના શોક બનાવવા માટે આગ્રહ કરે, અને પછી બંને શોકની સરખામણી પણ કરે. આવા શોક બનાવતી વખતે અમારી ચર્ચાઓ ખુબ જ રસપ્રદ બની જતી હોય, અમે લોકો હાયપોથેટીકલ સિનારિયો પર ચર્ચા કરતા હોય કે જો કાલે સવારે આર્જન્ટિના ડિફોલ્ટ થય જાય, ચાઈનાની કોઈ બેન્ક ડિફોલ્ટ થાય, રશિયાની કોઈ કમ્પની નાદારી નોંધાવી લે તો અમારા ક્લાયન્ટની ટ્રેડિંગ બુક ઉપર તેની કેવી અસર પડે અમે લોકો તે ડોક્યુમેન્ટ કરીએ. આવા સમયે દુનિયાના અલગ અલગ દેશોનાં મેક્રોઇકોનીમક ફેક્ટરના ડેટા એનેલાયઝ કરવા પડે.

કન્સલ્ટિંગ ક્ષેત્રે તમે કોઈ દિવસ એક જ કામ ન કરતા હોવ, ક્લાયન્ટ કામ જોડે જોડે અમારે કમ્પનીમાં પણ ખુબ જ બિઝનેસ ડેવલપમેન્ટ કે પ્રેક્ટિસ ડેવલપમેન્ટના કામ કરવા પડે. સિનિયર મેનેજમેન્ટે તો ત્રણ ચાર ક્લાયન્ટનું કામ પણ જોડે કરવું જ પડે. ગયા વર્ષે હું જ્યારે આવી જ એક બેંકમાં કામ કરતો હતો ત્યારે સમાચાર મળ્યાં કે બીજી એક ફોરેન બેન્કને પણ આવી જ મુશ્કેલી છે અને તે લોકોને પણ મદદ જોઈએ છે. ત્યારે અર્ન્સ્ટ એન્ડ યન્ગના પાર્ટનરો એક પ્રપોઝલ માટે ટિમ મોબિલાઇઝ કરે અને અમે લોકો દિવસ રાત એક પ્રપોઝલ ડેક (પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન) બનાવવાનું ચાલુ કરીએ. અર્નસ્ટ એન્ડ યન્ગનો સૌથી મોટો ફાયદો મને એ લાગ્યો છે કે અહીંયા લોકો તમને ધન્ધો કરવાની છૂટ આપે છે અને સાથે સાથે ધન્ધો કે વ્યવસાય કરતા પણ શીખવે, અમે લોકો જયારે આવા પ્રપોઝલ પર કામ કરતા હોય ત્યારે કેટલા રિસોર્સ કેટલા ટાઈમ માટે ક્યાં ડિપ્લોય કરવા તે આંકડાઓ નક્કી કરવાની અમને પુરે પુરી છૂટ હોય એને અમે લોકો એન્ગેજમેન્ટ ઇકિનોમિક્સ પણ કહીએ. આવા પ્રપોઝલ પર અલગ અલગ પ્રકારના માર્જિન હોય, તો અમારે ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય કે કોઈ દિવસ એક નક્કી કરેલ આંકડાથી ઓછું માર્જિન ન આવે. એટલે અલગ અલગ ફાઇનૅન્શિયલ મોડલ પણ તૈયાર કરવા પડે. પ્રપોઝલ વાળા સમયે અમે લોકો સવારે આંઠ થી સાંજે ચાર વાગ્યા સુધી ક્લાયન્ટ સાઈટ પર કામ કરીએ, અને ત્યારે બાદ સાંજે ચાર-પાંચથી રાત્રે દોઢ બે સુધી અમારી ઓફિસ પર પ્રપોઝલ ડેક પર કામ કરીએ, અને ફરી બીજી સવારે આંઠ વાગ્યે ક્લાયન્ટ ઓફિસ પર. માત્ર ને માત્ર એક પાવરપોઈન્ટ ડેક પર જો મલ્ટી મિલિયન ડોલરના પ્રોજેક્ટો નક્કી થતાં હોય ત્યારે દરેક સ્લાઈડ પર એક એક શબ્દ અને આંકડો દસ વખત દસ અલગ અલગ વ્યક્તિઓ રીવ્યુ કરે અને પોતાના ફીડબેક આપે. ત્યાર બાદ થયુ એવું કે એ ક્લાયન્ટને અમારી ટિમ, અમારું કામ અને પ્રપોઝલ ખુબ જ ગમ્યું અને અમને લોકોને તેમના સ્ટ્રેસ ટેસ્ટિંગ પર મદદ કરવા માટે બોલાવવાનો નિર્ણય કર્યો. નવો ક્લાયન્ટ, નવી બેન્ક, નવા લોકો જોડે કામ કરી શીખવાનું જે મળે એ કદાચ બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં મેં જોયું નથી, સાથે સાથે લર્નિંગ કર્વ પણ એટલો સ્ટીપ હોય કે તમારે સતત વાંચતા અને શીખતાં રહેવું જ પડે. આ નવા ક્લાયન્ટ પર તે લોકોની ટેક્નોલોજી ટિમ ખુબ જ સ્ટ્રોંગ હતી જેથી અમારે કોઈ પ્રકારનું પ્રોગ્રામિંગ કે સિસ્ટમ ડેવલપમેન્ટ નહોતું કરવાનું અને માત્ર સબ્જેક્ટ મેટર એડવાઇઝર તરીખે કામ કરવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે ડોક્યુમેન્ટેશન પર ખુબ કામ કરવું પડ્યું.

તો ગયું વર્ષ હું લોકલ જ રહ્યો જેથી ઘરમાં મેં થોડી ઘણી વસ્તુઓ વસાવી જેમકે – લાઇફેકસની સ્માર્ટ લાઈટ, સેમસંગનું સુપર અલ્ટ્રા 4કે એચ.ડી. ટી.વી., હાર્મન-કાર્ડનના 5.1 સ્પીકર, અને યામાહાનું એચ.ડી. ઓડિયો વિડ્યો રીસીવર – એ વસ્તુ અલગ છે કે આ કોઈ ચીજો માણવાનો સમય રહેતો નથી પણ હવે ઘરે એન્ટરટેઈન્મેન્ટની મજા આવે છે 😉

આ વર્ષે મે મહિનામાં અને જુલાઈમાં ફ્રાન્સ અને ઇટલી ફરવાં જવાની ઈચ્છા છે, જો તમારી પાસે કોઈ રેકમેન્ડેશન હોય તો જરૂર થી જણાવજો. અને આ વર્ષે થોડા વધુ પણ નાના લેખો લખવાની ઈચ્છા છે, જોઈએ….

વાર્ષિક અહેવાલ

કન્સલ્ટિંગ અહેવાલ

આ પોસ્ટ જ્યારે તમે વાંચી રહ્યા હશો ત્યારે હું કોઈક કેબમાં બેઠો, ફ્લાઇટમાં ઉડતો અથવા હોટલમાં ઊંઘતો હઈશ

એકાદ વર્ષથી કોઈ પોસ્ટ લખી નથી, સમય નહતો એવું તો ન કહી શકું પણ પ્રાથમિકતાઓ અલગ અલગ હતી એટલે લખવાનું ટાળ્યું હતું.

જે લોકો મને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ફ્લિકર પર ફોલો કરતા હશે એ લોકોને તો લાગતું હશે કે પાછલું આખું વર્ષ હું લગભગ ફર્યા જ કર્યો છું, એક મેનેજમેન્ટ કન્સલટન્ટની અડધી જિંદગી કદાચ પ્લેનમાં અને બાકીની રહેલી હોટેલોમાં જ પસાર થતી હશે.

ઘણાં સમયથી આ પોસ્ટ લખવાની ઈચ્છા હતી, અને આશરે બે મહિનાથી ડ્રાફ્ટમાં પડેલો લેખ છે. પણ છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયામાં થયેલા બનાવોથી આ લેખને વેગ મળ્યો છે.

આજે અર્ન્સ્ટ એન્ડ યંગમાં કામ ચાલુ કર્યાને લગભગ એક વર્ષ પૂરું થયું છે એટલે એહવાલ થોડો લાંબો રહેવાનો. મને અસંખ્ય લોકોએ પૂછ્યું છે કે હું કામ શું કરું છું? હું દર અઠવાડિયે અલગ અલગ શહેરોમાં કેમ જાવ છું? હું કન્સલ્ટન્ટ, ફ્રિલાન્સર, કે કોન્ટ્રાકટર કહેવાઉં? અહીંયા આ લેખ જોડે તમારા સાથે થોડી ઘણી માર કામ વિષે વાત કરીશ! મુખ્ય ભાગે કન્સલ્ટિંગ બે પ્રકારના હોય છે – મેનેજમેન્ટ અને ટેક્નોલોજી. મેનેજમેન્ટ કન્સલ્ટિંગની સેવાઓ આપવામાં મેક્કિનસી, બૈન, બીસીજી જેવા પ્રખ્યાત નામો છે. એ લોકો માત્ર ને માત્ર સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જ્યારે એક્સેનચર, ડેલોઈટ, કોગ્નિઝન્ટ જેવા નામો ટેક્નોલોજીને લાગતા બધા જ કામ કરતા હોય છે. બંને કન્સલ્ટિંગના ગુણદોષ રહેવાના જ, પણ અર્નસ્ટ એન્ડ યંગ થોડી અલગ કંપની છે, અહીંયા લોકો સ્ટ્રેટેજી અને ટેક્નોલોજીની વચ્ચેના સ્પેક્ટ્રમ પર કામ કરે. જે લોકો વૈશ્વીક નાણાકીય બજાર અનુસરતાં હશે એ લોકોને બિગ ફોર વિષે માહિતી હશે. આ કંપનીઓ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ તરફથી કન્સલ્ટિંગ ક્ષેત્રમાં કઈ રીતે આવી એ જાણવામાં રસ હોય તો એનરોન સ્કેન્ડલ વિષે જરૂર વાંચવું અને જોવું, અને જો વધુ માહિતી જોઈતી હોય અને ચર્ચા કરવી હોય તો બાય મી અ ડ્રિન્ક 😉 ઓવરઓલ કન્સલ્ટન્ટ્સ એમના કામને કારણે ઘણાં ઇન્ફ્લુએનશલ હોય છે, અમે લીધેલા નિર્ણયોની સીધી અસર સાધારણ વ્યક્તિઓ પર પડી શકે છે જેની વધુ ચર્ચા હું નીચે કરીશ.

કન્સલ્ટિંગનો એકદમ સરળ અર્થ સલાહ સૂચન દેવું થાય. એન્જીનીયરીંગ ભણ્યા બાદ કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ક્ષેત્રમાં શું કરવાને કામ કરે? ઉપયોગી સોફ્ટવેર બનાવવાને બદલે કોઈ પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન શું કરવા બનાવે? જે લોકોને પ્રોબ્લેમ સોલવિંગ અને ટ્રાવેલિંગનો શોખ હોય એ લોકો માટે આ ઉત્તમ ઇન્ડસ્ટ્રી છે. દર થોડા મહિને ક્લાઈન્ટ બદલાય, કામ બદલાય, ટિમ બદલાય અને કામ કરવાની જગ્યા પણ બદલાય. કોઈ પણ કંપની ખાસ કરીને ફાઇનૅન્શિયલ કંપનીઓ કોઈ પણ મુશ્કેલીમાં ગૂંચવાય ત્યારે તે લોકો કન્સલ્ટિંગ કંપનીઓ પાસે નિવારણ માટે જાય છે. દરેક કન્સલ્ટિંગ કંપની કોઈક રોટેશનલ પ્રોગ્રામ ચલાવે જેમાં તમે લોકો જે ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તે ઇન્ડસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, ક્લાઈન્ટ કે પ્રોજેક્ટ પર કામ કરી શકો, હું પણ આવા જ એક એડવાઈઝરી કન્સલ્ટન્ટ પ્રોગ્રામનો ભાગ છું.

અમારા લોકોનું કામ મુખ્ય ભાગે ક્લાઈન્ટ સાઈટ પર હોય અને આ ક્લાઈન્ટ સાઈટ દુનિયાના કોઈ પણ શહેરમાં હોય શકે, મારી હોમ ઓફિસ ન્યુ યોર્ક શહેર કહેવાય, પણ કામ માટે સતત ઉડતા અને રખડતા રહેવું પડે. એટલી હદે ફરવાનું થાય કે તમે ક્યારે ક્યા ટાઈમ ઝોનમાં છો, ક્યાં શહેરમાં છો એ પણ ભૂલી જવાય, મારી જ વાત કરું તો છેલ્લા આંઠ દસ મહિનાથી લગભગ દર અઠવાડિયે ઘરની બહાર જ હોવ છું, આટલા સમયમાં હું લગભગ બે લાખ હવાઈ માઈલ ઉડી ચુક્યો છું, મેરિયટ અને એસપીજીના લગભગ ચાર લાખ પોઈન્ટ્સ જમા કર્યા છે. આટલા માઇલ્સ અને પોઈન્ટથી હું દુનિયાના કોઈ પણ સ્થળે લેવિશલી વેકેશન માણી શકું અને એ પણ વગર કોઈ પૈસા ખર્ચે, અને હજુ તો મને કન્સલ્ટીન્ગમા એક વર્ષ જ થયું છે! ઘણાં લોકોને ખાલી આ બાહ્ય દેખાવ અને ફ્લેશી લાઇફસ્ટાઇલ – બિઝનેસ ક્લાસની ફ્લાઇટ અને ફાઈવ સ્ટાર હોટલોમાં રહેઠાણ જ દેખાય, પણ એની પાછળની થોડી ઘણી કડાકૂટ તમારા સાથે શેર કરવા માગું છું.

લગભગ દર સોમવારે વહેલી સવારે અમારે ન્યુ યોર્ક શહેરથી ક્લાઈન્ટ સાઈટ પરની ફ્લાઇટ હોય. પાંચ કે છ વાગ્યાની ફ્લાઇટ માટે લગભગ રાત્રે ત્રણ વાગ્યે ઉઠીને તૈયાર થય, એક અઠવાડિયાનો સામાન પેક કરી, ચાર વાગ્યે કેબ બોલાવી નીકળવું પડે. એરપોર્ટ પહોંચું ત્યાં સુધી વોલ સ્ટ્રીટ જર્નલ વાંચી લેવાનું અને ઇન્ડિયા કોઈ મિત્રો કે ફેમિલી જોડે વાત કરી લેવાની. ઘણા સમયથી એક જ એરલાઇન્સ જોડે ઉડતા હોય એટલે અમને ફ્રિકવન્ટ ફ્લાયરનું સ્ટેટ્સ મળે જેથી અમે બિઝનેસ ક્લાસમાં ઉડી શક્યે અને ચેક-ઈન અને સિક્યોરિટીમાં પણ પ્રાયોરિટી મળે. નવ થી દસની વચ્ચે અમે મુકામ એરપોર્ટ પહોંચ્યે ત્યાંથી રેન્ટ કરેલી ગાડી અથવા કેબથી સીધા ઓફિસ પહોંચ્યે. આવી જ રીતે આખા અમેરિકામાંથી દર સોમવારે મારી ટીમના લોકો અલગ અલગ શહેરથી એક જગ્યાએ આવે એટલે સ્વાભાવિક રીતે અમારો સોમવાર થોડો મોડો ચાલુ થાય. ક્લાઈન્ટ સાઈટ પર અમને લોકોને કોઈ ફેન્સી કોર્નર ઓફિસ ન મળે, અમને બધાને એક કોન્ફેરન્સ રૂમમાં ગોઠવવામાં આવે. આખા અઠવાડિયાનો એજંડા, મિટિંગ, કોલ અને ટાસ્ક નક્કી કરવામાં આવે, ત્યાર બાદ બધા લોકો પોતાનું કામ કરવા લાગે.

સોમવાર સાંજે સાત આઠ વાગ્યે બધા જ લોકો પોતાની હોટલમાં ચેક-ઈન કરે અને ત્યાર બાદ ટિમ ડિનર માટે ભેગા થાય. વેજિટેરિયન હોવા છતાં મને હજુ સુધી જમવામાં ક્યાંય તકલીફ નથી પડી, પણ સ્વાભાવિક રીતે જમવા માટે વિકલ્પો થોડા સીમિત થય જાય. સોમવારથી શુક્રવાર ડિનર માટે અલગ અલગ કવીઝીનની વાનગીઓ ટ્રાય કરીએ, મારી ટીમમાં ક્યારેક થોડા ઇન્ડિયન પણ હોય. મોટા ભાગના આ ઇન્ડિયન કોઈ દિવસ ટિમ જોડે ડિનર માટે ન આવે અને પોતાની હોટલ પર ઇન્ડિયન ફૂડ સિમલેસ કે ઓનલાઇન ઓર્ડર કરી એકલા જમે. ઇન્ડિયન્સની આ મેન્ટાલીટી મને હજુ સમજાતી નથી, તે લોકો બીજા કવીઝીન ટ્રાય પણ કરવા ન માગે, અને પૂછો તો મોઢું પણ બગાડે. બધા જ દેશોની જેમ અમેરિકમાં પણ દરેક પ્રાંતે વાનગીઓ બદલાય છે, અને અહીંયા ભારત કરતા વધુ ઇન્ટરનેશનલ કવીઝીન સરળતાથી મળે છે. માનવામાં ન આવે પણ લગભગ બધા જ કવીઝીનમાં વેજિટેરિયન વિકલ્પો હોય જ છે. કમ્ફર્ટ ફૂડની વાત કરું તો મને પણ ઇન્ડિયન કવીઝીન જ ગમે પણ મને લાગે કે ધેટ ડિફીટ્સ ધ પરપઝ ઓફ ટ્રાવેલિંગ એન્ડ એક્સપ્લોરિંગ, જયારે કમ્પની તમારો બધો જ ખર્ચો ઉપાડે છે તો વાય નોટ ટ્રાય સમથિંગ ન્યુ એઝ વેલ!! કોઈ પણ શહેરમાં જઈએ ત્યારે થોડા સમયમાં ત્યાંની દરેક અપસ્કેલ રેસ્ટ્રો અને બાર અમે લોકોએ ટ્રાય કરી જ લીધા હોય. મને કોઈ દિવસ વાઈનનો શોખ ન હતો પણ ટીમ જોડે ફાઈન વાઈન માણીને શાર્ડને સારી લાગવા લાગી છે. જો તમને પણ વાઈનનો શોખ હોય તો સાર ગ્રેપ્સ ડોક્યુમેન્ટરી જરૂર જોવી! અમારા લોકોના ડિનર ટેબલ કન્વર્ઝેશન ખુબ જ રસપ્રદ હોય, અલગ અલગ બેકગ્રાઉન્ડ અને અનુભવ વાળા લોકો ભેગા થાય એટલે વાતો કોઈ દિવસ ન ખૂટે.

મંગળવાર સવારે અમે લોકો ઓફિસ સાત થી આઠની વચ્ચે પહોંચી કામ ચાલુ કરીએ. અને સાંજે ફરીથી કોઈ નવી રેસ્ટ્રો કે બાર પર ભેગા થાય. ગુરુવાર કે શુક્રવાર સુધીનો બસ આ જ કાર્યક્રમ. ગુરુવારે સાંજની ફ્લાઈટથી પાછા ન્યુ યોર્ક આવી જવાનું. બધી જ કન્સલ્ટિંગ કંપનીમાં ઓલ્ટરનેટ ટ્રાવેલનો કન્સેપટ હોય છે. જો મારે વિકેન્ડ માટે ઘરે ન જવું હોય અને અમેરિકામાં બીજા કોઈ શહેર જવું હોય તો મને ત્યાંની ફ્લાઇટ બુક કરી દેવામાં આવે, અને જો મારે ક્લાઈન્ટ સાઈટ પર જ રહેવું હોય તો પણ હું વિકેન્ડ માટે હોટલ અને ગાડી બુક કરી શકું. આવી વ્યવસ્થા નવા યુવકોને આકર્ષવા માટે જ હોય છે બાકી મેનેજર, સિનિયર મેનેજર અને પાર્ટનરતો ગુરુવાર સાંજે ઘરે જ ભાગે. આ ઓલ્ટરનેટ ટ્રાવેલને કારણે મારે પણ ઘણું સરખું અમેરિકા જોવાય ગયું. આજકાલ તો હું પણ ગુરુવારે હવે ઘરે પાછો આવી જાવ છું. આખું અઠવાડિયું બહાર રહીએ એટલે એમ પણ સોશિયલ લાઈફ જેવું કઈ રહે નહિ, એટલે વિકેન્ડમાં તો એટ લિસ્ટ લોકલ મિત્રોને મળીયે. માનવામાં ન આવે પણ અમેરિકાનું ડોમેસ્ટિક ટ્રાવેલ એકદમ બકવાસ છે, ફ્લાઇટ દર વખતે લેટ જ હોય. ધાર્યા સમય કરતા દર અઠવાળીયે એરપોર્ટ પર પાંચ થી છ કલાક ખોટી બગડે જ છે.

આ ઇન્ડસ્ટ્રીમાં ટીમવર્ક ખુબ જ મહત્વનું છે, કોઈ કામ કોઈ દિવસ એકલ હાથે ન કરવાનું હોય, બધા લોકો ભેગા મળીને જ કામ કરે અમારા લોકો વચ્ચે ખુબ જ બ્રેન્સ્ટોર્મિંગ થાય, અને અમે લોકો વાઈટબોર્ડનો ભરપૂર ઉપયોગ કરીએ. કન્સલ્ટિંગમાં બધા જ પ્રોબ્લેમ ફ્રેમવર્ક કે એક નક્કી કરેલી પદ્ધતિથી ઉકેલવામાં આવે. દરેક ક્લાઈન્ટ અને દરકે પ્રોબ્લેમ જોડે આ ફ્રેમવર્ક બદલવામાં આવે. માઈક્રોસોફ્ટ એક્સેલ અને પાવરપોઈન્ટ અમારી જીવાદોરી કહેવાય! જ્યારે એક માત્ર પાવરપોઈન્ટ ડેકથી મિલિયન કે બિલિયન ડોલરના પ્રોજેક્ટો વહેંચતા હોય ત્યારે એક એક સ્લાઇડની કિંમત હજારો કે લાખો ડોલરની હોય છે, એટલે તમારા પર અસરકારક રીતે મેસેજ તારવવા માટે પ્રેશર ખુબ જ વધી જાય. આ ઇન્ડસ્ટ્રીમાં સોફ્ટ સ્કિલ્સ જેમકે કમ્યુનીકેશન, પ્રેઝેન્ટેશન, નેટવર્કિંગ, લીડરશીપ, ક્રિટિકલ થીંકીંગ, લોજિકલ થીંકીંગનું ખુબ જ મહત્વ હોય છે.

ટ્રાવેલિંગને કારણે અમારા લોકોનું ડાઉનટાઇમ ખુબ જ વધારે હોય એટલે જેટલી કલાક અમે ક્લાઈન્ટ સાઈટ પર હોય ત્યારે વધુમાં વધુ કલાકો ખેંચી કામ કરવું પડે એટલે અમને લોકોને એવરેજ દિવસે પંદર-સોળ કલાક કામ કરવાની આદત પડી જાય છે (વોટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ? 😉 ). કન્સલટિંગમાં ટિમ ખુબ નિકટતાથી કામ કરે, અમે લોકો સિગ્નિફિકન્ટ અધર્સ (જો હોય તો!!) કરતા વધુ સમય ટિમ જોડે પસાર કરીએ છે એટલે ઇન્ટરપર્સનલ સ્કિલ અને રિલેશનશિપ બિલ્ડીંગ અત્યંત જરૂરી હોય. કન્સલ્ટિંગમાં નેટવર્કિંગ ખુબ જ મહત્વનું હોય છે, તમે ઈચ્છા ધરાવતા સ્કેટરમાં કામ કરવા માંગતા હોવ તો તમારે સતત નવા લોકોને મળતા રેહવું પડે અને કોઈકને કોઈક રીતે તેમાં ઇન્વોલ્વ થવું જ પડે અને જાતે જ પોતાનું કરિઅર તે દિશામાં વાળવું પડે. એટલે એવું માનવામાં આવે છે કે કન્સલ્ટન્ટને કાયમ માટે એક્સ્ટ્રોવર્ટ કે આઉટગોઈંગ રહેવું પડે, પણ હું એ માનતો નથી. સુઝેન કેઇનનું કહેવું છે કે ઈન્ટ્રોવર્ટસ પણ ખુબ જ પ્રભાવશાળી લીડર બની શકે છે અને આ દુનિયામાં ઈન્ટ્રોવર્ટસની પણ એટલી જ જરૂર છે! એમની લખેલી કવાઇટ જરૂર વાંચવી!

ભારતમાં જે લોકો એન્જીનીયરીંગ કરીને ટીસીએસ, ઇન્ફોસિસ જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાય છે તે લોકોએ છેલ્લા થોડા વર્ષોમાં જોયું હશે કે આવી કંપનીઓ વારે ઘડીએ જોઈનીંગ ડેટ પર ઢીલ મૂકે છે અને પાંચ છ મહિના પછી જોઈન કરાવે છે. મારા હાલના પ્રોજેક્ટ પર અમે લોકો એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કના કોસ્ટ સેવિંગ અને સ્કેલીંગ માટે થોડા ઘણાં ઓપરેશન ભારત ઓફશોર કરીએ છે. અમે લોકોએ જ્યારે આ કામ ઉપાડ્યું ત્યારે નક્કી કરવામાં આવેલું કે ભારતમાં આશરે ૨૦૦-૩૦૦ લોકોની જરૂર પડશે એટલે ત્યાંની એક ઓફિસે આટલી સંખ્યા પુરી પાડવા રિક્રુટમેન્ટ અભિયાન ચાલુ કર્યું અને આશરે ૧૦૦ લોકો રીક્રુટ થયા બાદ અમને લોકોને લાગ્યું કે ઘણાં અગત્યના કારણોસર ભારતમાં પ્રોડક્શન થોડું મોડું ચાલુ થશે, તો ફરીથી એક્સેલ પર અલગ અલગ મોડેલિંગ કરીને જોયું તો આ ૧૦૦ લોકોનું જોઈનીંગ એક મહિના પછી કરવાનું બેન્ક માટે વધુ ફાયદાકારક હતું એટલે ફટાફટ અમે ૧૦૦ રિસોર્સીસનું જોઈનીંગ વિલંબિત કરવાનો નિર્ણય લીધો, બેન્કને તો એ લોકોના પૈસા બચે એટલે મજા જ પડી જાય. પણ આ વસ્તુ મને ઘણી ખટકી કે મારા બનાવેલા માત્ર ૧૦૦ કેબીના એક્સેલ મોડલ પર મેં ૧૦૦ લોકોની જોઈનીંગ ડેટ પાછળ કરાવી!! એ ૧૦૦ લોકોની જરૂરિયાત શું હશે તે લોકોની પરિસ્થિતિ કેવી હશે એનો તો મને કોઈ દિવસ અંદાજો જ નથી આવવાનો, મારા માટે એ લોકો નમ્બર અને રિસોર્સ શિવાય કઈ નથી એવું લાગ્યું. થોડું ગિલ્ટી ફીલ થયું પણ શું કરીએ? અમારા આ નિર્ણયને ક્લાઇન્ટે ખુબ જ એપ્રીશિએટ કર્યું (શું કરવા ન કરે? એ લોકોના તો મિલિયન ડોલર બચ્યા!!)

કામમાં વ્યસ્ત રહેવાને કારણે, બીજી કોઈ વસ્તુઓ પર ધ્યાન ન આપી શકતો હતો એટલે છેલ્લા થોડા સમયથી વોટ્સેપ વાપરવાનું બંધ કર્યું છે. ઘણી શાંતિ અનુભવાય છે 😀 લખવાનું ઘણાં સમયથી ઓછું થયું છે, પણ વાંચવાનું નહિ. ફ્લાઈટમાં કોઈ દિવસ કામ નહિ કરવાનો નિર્ણય લીધો છે, જેથી વાંચવા કે ઊંઘવા પર થોડો સમય આપી શકું. પોકેટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે! દરરોજ વોલ સ્ટ્રીટ જર્નલ, હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ, જૂના અને જાણીતા ગુજરાતી બ્લોગ વાંચું જ છું. બાકી મિલ્ટન ફ્રાઇડમેન, મેલકોમ ગ્લેડવેલ, એડમ ગ્રેન્ટ, ચંદ્રકાન્ત બક્ષી, કાજલ ઓઝા વૈદ્ય અને બીજા ઘણાં લેખકોની રચનાઓ વાંચવામાં આવી છે! મુવીઝની વાત કરું તો ૨૦૧૬માં થીએટરમાં માત્ર ત્રણ-ચાર મુવી જોયા. નેટફ્લિક્સનો ભરપૂર ઉપયોગ થાય છે! સૌથી વધુ કોઈ મુવી ગમ્યું હોય તો લા લા લેન્ડ – વૉટ આ મુવી!!! કરિઅરીસ્ટ મુવી એબાઉટ કરિઅરિઝમ! જય વસાવડાએ તેના જેટલા વખાણ કર્યા છે એટલા ઓછા!!

અત્યાર માટે આટલું જ, લખતો રહીશ કન્સલ્ટિંગનાં સંવાદો ક્યારેક ક્યારેક!

કન્સલ્ટિંગ અહેવાલ

2015 ફ્લેશબેક – પેલેસ રોડ ટુ પાર્ક એવન્યુ ટુ ટાઈમ્સ સ્ક્વેર

નોંધ: પોસ્ટ થોડી લાંબી છે, પણ વાંચવા જેવી ખરા 😉

નક્કી કરેલું કે 2015માં તો નિયમિત પોસ્ટ લખવી પણ શું કરવા ન લખી શક્યો એ આ પોસ્ટ વાંચ્યા બાદ ખબર પડશે! Life is all about priorities!

  • વર્ષ 2015 ની શરૂઆત થોડા કડવા અનુભવોથી થય હતી, તો લાગ્યું કે નવું વર્ષ અત્યંત ખરાબ રહેવાનું, પણ એક અમેરિકન કલાકાર એન્ડી વેરહોલે કહ્યું છે “They always say that time changes things, but you actually have to change them yourself.” જે ખરા અંશે સાચું છે, સમય કઈ બદલતું નથી તમારે જ બદલવું પડે છે.
  • જાન્યુઆરી 2015 થી સ્ટીવંસમાં ચાલુ થયેલ સ્પ્રિંગ સેમેસ્ટર  ઘણું સારું રહ્યું, કોર્સ્વર્ક અને પ્રોફેસરો મજાનાં હતાં એટલે વધુ મજા આવી.
  • અમેરિકન ભણતર પદ્ધતિમાં ઇન્ટર્નશીપ (મુવી નહિ 😀 ) નો ઘણો મહત્વ હોય છે. કારણ કે આ ઇન્ટર્નશીપથી જ લોકોના કારકિર્દીની શરૂઆત થાય, એટલે આ તક મેળવવી ખુબ જ જરુરી છે. અલગ અલગ યુનીવર્સીટી અને અલગ મેજર માટે આ ઇન્ટર્નશીપનાં કાયદા અલગ હોય. સામાન્ય રીતે કોઈને પણ આ તક ત્રણ થી છ મહિના માટે મળે છે, અને મોટા ભાગે બધી જ ઇન્ટર્નશીપ સમર વેકેશનમાં ચાલુ થાય છે, જે લોકોને કોઈ ઓફીસમાં બેસીને કામ ન કરવું હોય એ લોકો માટે ગુગલ સમર ઓફ કોડ જેમાં કાર્તિક ભાઈ જેવા ઘણાં પ્રતિભાશાળી મેન્ટર સાથે કામ કરવા મળે. આના માટે રીક્રુટીંગ ઓક્ટોબર થી એપ્રિલ ચાલતું રહે છે.
  • મારી ઈચ્છા પહેલેથી જ કન્સલ્ટીંગ ક્ષેત્રે કામ કરવાની હતી, પણ લગભગ ફેબ્રુઆરી સુધી કોઈ પણ કંપનીએ મને ન બોલાવ્યો. ત્યારે એક હેજ ફંડ મેનેજીંગ ફર્મમાંથી કોલ આવ્યો. ટૂંકમાં સમજાવું તો હેજ ફંડ મેનેજર એટલે બહુ ઓછા લોકોથી અને વધુમાં વધુ પૈસા કમાવવા માટે ચલાવાતી ઇન્વેસ્ટમેન્ટ કંપની, આ લોકો ઘણી ખાનગી રીતે કામ કરે (for  obvious  reasons), કંપનીની વેબસાઈટ પણ એકદમ ફાલતું હોય. પણ એ લોકો ટેકનોલોજીનો પુરેપુરો ફાયદો ઉપાડે, અને વર્ષોથી વોલ સ્ટ્રીટ પર કામ કરતા જ લોકો આવા હેજ ફંડમાં હોય છે. મને જે જગ્યાથી કોલ આવ્યો તે ટોપ 10 હેજ ફંડ મેનેજરમાંથી એક હતો, અને કામ પણ સરસ હતું. પહેલું ઈન્ટરવ્યું સફળ રહ્યું, પછી બીજું અને પછી ત્રીજું, આમ કરતા કરતા લગભગ છ થી સાત રાઉન્ડ ઈન્ટરવ્યુંનાં થયા. સામાન્ય ઇન્ટર્નશીપ માટે માત્ર બે કે ત્રણ જ ઈન્ટરવ્યું થાય, એટલે મારી અપેક્ષાઓ પણ વધી અને લાગ્યું કે હવે તો વાંધો નહિ જ આવે, ત્યાં જ માર્ચ મહિનામાં ખબર પડી કે ઈન્ટરવ્યુંનાં સાત રાઉન્ડ થયા પછી તે લોકો પાસે અંતિમ યાદીમાં બે લોકો હતા, હું અને બીજી કોઈક વ્યક્તિ, અને તેઓએ આ બીજી વ્યક્તિને સિલેક્ટ કર્યો. આ સમગ્ર પ્રક્રિયા પછી નિષ્ફળતા મળી એટલે અત્યંત નિરાશા થઈ, પણ આ સાત ઈન્ટરવ્યુંમાં જ ઘણું શીખવાનું મળ્યું અને વોલ સ્ટ્રીટથી થોડો નજીક આવ્યો. સેમેસ્ટર પૂરું થવા આવ્યું અને કોઈ પણ જગ્યાએ ઇન્ટર્નશીપ મળી ન હતી, પણ મારી પાર્ટ ટાઇમ જોબ એક નાનકડા નોન પ્રોફિટ રીસર્ચ સેન્ટરમાં ચાલુ હતી, અને મારે કોઈ પણ કાળે અનપેઈડ જોબ નહોતી કરવી એટલે હું રીસર્ચ સેન્ટરમાં જ કામ કરતો રહ્યો.
  • સેમેસ્ટર પૂરું થયા બાદ એક દિવસ સોસ્યેટે જનરાલ નામક કંપનીમાં ઈન્ટરવ્યું માટે તક મળી, આ એક ફ્રેંચ બેંક છે અને તેનું ઇન્વેસ્ટમેન્ટ બેન્કીન્ગનું મથક ન્યુ યોર્ક શહેરમાં છે, કામ પાક્કું વોલ સ્ટ્રીટનું હતું. મારી ફીનેન્સ કે બેન્કિંગમાં કોઈ દિવસ જવાની ઈચ્છા હતી જ નહિ, તેમ છતાં મને બધી તકો આ જ ક્ષેત્રે મળતી હતી, જેથી કરીને ઈન્ટરવ્યું દેવાનું નક્કી કર્યું. થયું એવું કે આ ઇન્ટર્નશીપ એક હાઈ પરફોર્મિંગ સેલ્સ અને ટ્રેડીંગ ટીમમાં લાંબા સમય માટે હતી, કામ ટેકનો-ફન્કશનલ હતું, એટલે સોફ્ટવેર ડેવલોપમેન્ટ તો ખરા જ, પણ સાથે સાથે ફ્રન્ટ ઓફીસમાં કામ કરવાનું. ઈન્ટરવ્યુંના બે કે ત્રણ રાઉન્ડ પછી મને જણાવવામાં આવ્યું કે મારી પસંદગી થય છે. મોટા ભાગનું કામ યુનિક્સ અને એક્સેલ પર હતું. ઓફીસ ન્યુ યોર્ક શહેરમાં પાર્ક એવન્યુ પર.
  • ન્યુ યોર્ક શહેરના ચોથા ભાગ કરતાં પણ નાના જામનગર જેવા શહેરથી આવ્યો છુ, તો સ્વાભાવિક રીતે આ મારા માટે સૌથી મોટી તક હતી. મને એક ટોપ 10 ઇન્વેસ્ટમેન્ટ બેંકના ટ્રેડીંગ ફ્લોર પર ટ્રેડર્સ જોડે કામ કરવાની તક મળી. મારી ટીમ ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગ સપોર્ટ કહેવાતી. અમે લોકો બેંકના ડેરીવેટીવ્ઝ ટ્રેડર અને હાઇ ફ્રિકવન્સી ટ્રેડર માટે ડેડીકેટેડ લોકો હતાં. ન તો અમારે ટ્રેડીંગ કરવાનું, ન ટ્રેડીંગ માટેના સોફ્ટવેર બનાવવાના, પણ આખે આખી ટ્રેડીંગ લાઇફ સાઇકલને ટેકનીકલી અને ફંક્શનલી મોનીટર કરી એને વધુમાં વધુ સક્ષમ કરવાની. કામ ખુબ જ અઘરું હતું, અને છ લોકોની ટીમમાં હું એક જ ઇન્ટર્ન. મારા માટે એ લોકોએ થોડા પ્રોજેક્ટ ભેગા કરી રાખેલા, કામ ચાલુ થયાના થોડા દિવસ બાદ તેમને લાગ્યું કે મારી વિશ્લેષણાત્મક સ્કીલ અને ઇન્ટરપર્સનલ સ્કીલ સારી હોવાથી હું પ્રોડકશન પર વધારે ઉપયોગી થઈશ એટલે ધીરે ધીરે મને પ્રોડકશન કેસ દેવા લાગ્યા, આ કામ સૌથી અઘરું હતું કારણ કે જો તમે જલ્દી નિર્ણય ન લઇ શકો તો ટ્રેડર લોકો પૈસા ગુમાવવા લાગે અને બેન્કને ભારી ઓપ્રેશ્ન્લ લોસ થવા લાગે. ધીરે ધીરે ફીનેન્સ અને માર્કેટનું જ્ઞાન મળવા લાગ્યું, આ કામમાં રિસ્કને ઓળખવું એ સૌથી અગત્યનો ભાગ છે, કારણ કે જો અમે રિસ્કને ઓળખની ન શક્યે અને ટ્રેડર્સને છુટ્ટો હાથ આપવામાં આવે તો જીરોમ કર્વીએલ જેવા કિસ્સા બને. હા, આ કિસ્સો મારી જ બેંકનો છે પણ થોડા વર્ષ જુનો. અત્યારે આ જીરોમનો બોસ ન્યુ યોર્ક ઓફીસમાં બેસે છે, એટલે મારે તેની જોડે પણ આના વિષયે થોડી ચર્ચા થય હતી 😉
  • સપ્ટેમ્બરમાં તો મારી કોલેજ પણ ચાલુ થય. સ્ટોક માર્કેટ નવ ત્રીસે ખુલે, પણ ટ્રેડર અને સેલ્સના લોકો સવારે છ થી સાત સુધીમાં આવી જાય અને મારી ટીમ આંઠ વાગ્યે. હું ઇન્ટર્ન હોવાથી નવ વાગ્યે આવું તો ચાલે, પણ મને કામ કરવાની અને ટીમ જોડે રહેવાની મજા આવતી અને ઘણું બધું શીખવા મળતું એટલે હું પણ આંઠે પહોંચી જતો. સવારે આંઠ થી સાંજે પાંચ ટ્રેડીંગ ફ્લોર પર કામ કરવાનું, અને સાંજે છ થી નવ કોલેજમાં ક્લાસ ભરવાના. રાત્રે ઘરે પહોંચતા દસ થય જતા, એટલે તરત જ ફ્રોઝન શાક કે દાળ અને ફ્રોઝન રોટલી ગરમ કરી અને જમીને અગ્યાર ત્રીસે ઊંઘી જવાનું અને પાછુ સવારે છ વાગ્યે ઉઠીને દિવસ ચાલુ! અહિયાં એક સરસ વાક્ય યાદ આવે છે “He doesn’t remember the last time he consumed a home-cooked meal. Frozen, organic or starving were the only options. On most occasions, life was business, and business was life.” સોમ થી શુક્રનો આજ કાર્યક્રમ, શનિવારે અને રવિવારે કોલેજનું કામ એટલે કે પેપર, હોમવર્ક અને પરીક્ષાઓ દેવાની. આવું સતત પાંચ મહિના ચાલવાનું હતું.
  • કોઈ પણ ફાયનેનશ્ય્લ એન્જીન્યરીંગના વિદ્યાર્થીને મારા કામ વિષે વાત કરું તો માને જ નહિ કે મને ફ્રન્ટ ઓફીસમાં તક મળે!! ફીનેન્સનું બેક-એન્ડ સંપૂર્ણ રીતે યુનિક્સ સર્વર પર ચાલે અને ફ્રન્ટ-એન્ડ માટે બેંક દ્વારા જ બનાવેલ સોફ્ટવેર વપરાય. જે લોકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં પ્રો કેહવાય તે લોકોને અહિયાં કોઈ પણ બેંક સિક્સ ફિગર સેલેરી દેવા તૈયાર થય જાય છે. મારું છ મહિનાનું કામ માત્ર શેલ, પર્લ  અને માઈક્રોસોફ્ટ એક્સેલ પર થયું. મારી ડેસ્ક પર જો છ મોનીટર હોય તો ત્રણ પર માત્ર એક્સેલની શીટ ખોલેલી હોય અને બે પર યુનિક્સ અને એક પર આઉટલુક ઇમેલ. હાઇ ફ્રિકવન્સી ટ્રેડીંગ આજની તારીખે પણ વોલ સ્ટ્રીટ માટે નવું કામ છે, જેથી આના પર બહુ જ ઓછા લોકોને કામ કરવા મળે. જો તમે હાઇ ફ્રિકવન્સી ટ્રેડીંગ પર એક વખત કામ કરો તો પણ ન્યુ યોર્ક શહેરમાં કોઈ પણ બેંક તમને ઘરે આવીને જોબ દેવા તૈયાર થય જાય, આ એક એવી ટેકનોલોજી છે જેમાં લોકો માઈક્રો સેકન્ડનો ફાયદો ઉપાડી ખુબ જ પૈસા બનાવે છે. જેણે પણ આના વિષે વધુ વાંચવાની ઈચ્છા હોય તે લોકોએ ફ્લેશ બોય્ઝ જરૂર વાંચવી. મને હાઇ ફ્રિકવન્સી ટ્રેડર્સ જોડે કામ કરવાની તક પણ મળી, અને ખુબ જ મજા આવી અને સ્ટોક માર્કેટ વિષે ઘણું બધું શીખવા મળ્યું. ફીનેન્સ અને સ્ટોક માર્કેટમાં રેગ્યુલેટરી રીપોર્ટીંગ ખુબ મહત્વનું છે, જો તમે થોડી સેકેન્ડોથી પણ ચુકી ગયા તો ભરી ફાઈન ભરવાં પડે છે. આ બધામાં નવરાત્રી અને દિવાળી તો ક્યાં આવીને જતી રહી ખબર પણ ન પડી.
  • સાથે સાથે કોલેજમાં હું એડવાન્સ બીઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ શીખી રહ્યો હતો, જેમાં પ્રોસેસીઝ પર વધુ રસ પડ્યો જેથી કોલેજમાં શીખેલી ઘણી બધી ટેકનિક મારી ટીમ પર અમલ કરી. આ બધું જોયા બાદ મેનેજમેન્ટ પણ ઘણું ખુશ થયું અને અમે લોકો આડકતરી રીતે પૈસા અને સમય બચાવવા લાગ્યા. મને કોઈ દિવસ વોલ સ્ટ્રીટ પર કામ કરવાની ઈચ્છા નહોતી, તેમ છતાં હું કોર ટ્રેડીંગ પર કામ કરતો હતો! તો ઓક્ટોબરમાં મને અર્નસ્ટ એન્ડ યંગની ન્યુ યોર્ક ઓફિસમાં કન્સલ્ટીંગની જોબ માટે ઈન્ટરવ્યું કોલ આવ્યો! આ કંપની એ જ મારો રેઝ્યુમે આંઠ મહિના પહેલાં ઇન્ટર્નશીપ માટે જોયો પણ નહતો, અને મારે આ જ ક્ષેત્રે કામ કરવાની ખુબ જ ઈચ્છા હતી. પહેલું ઈન્ટરવ્યું સફળ રહ્યું ત્યારબાદ પાંચ થી છ ઈન્ટરવ્યું આપ્યા. કન્સલ્ટીંગમાં કેસ ઈન્ટરવ્યું ખુબ જ મહત્વના હોય, તેમાં તમને કોઈ પણ એક બીઝનેસ પ્રોબ્લેમ આપે અને તમારે એક લોજીકલ માર્ગથી તેનું નિવેદન કરવાનું હોય છે. આવા ઈન્ટરવ્યુંમાં કોઈ સાચો કે ખોટો જવાબ હોતો નથી, સામે વાળી વ્યક્તિ માત્ર ને માત્ર તમારું લોજીક અને વિચારવાની ક્ષમતા તપાસે છે.
  • તો નવેમ્બરમાં થયું એવું કે મારી જ બેન્કે મને ઇન્ટર્નશીપ થી ફૂલ-ટાઇમ જોડાવવા માટે ઓફર આપી અને એ જ દિવસે મને અર્નસ્ટ એન્ડ યંગમાંથી પણ ફૂલ-ટાઇમ જોબ માટે કોલ આવ્યો 🙂 મેં બંને જગ્યાએ જાણ કરી કે મને બંને જગ્યાથી સારી તક મળે છે તો મને થોડો વિચારવા માટે સમય જોઇશે. સપનામાં પણ ન વિચાર્યું હોય તેવા વિકલ્પો મારી સામે હતા, અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ vs કન્સલ્ટીંગનો વિકલ્પ માત્ર આયવી લીગનાં વિદ્યાર્થીઓને મળતો. બંને ટોચની કંપનીઓ, બંનેનું કામ ખુબ જ અલગ અને આશ્ચર્યની વાત એ કે મને હવે વોલ સ્ટ્રીટ વાળું કામ પણ ખુબ જ ગમવા લાગ્યું હતું. ઘણાં બધા લોકો જોડે વાત કર્યા પછી અને સહેજ દૂરનું વિચારીને મેં મારા મન ગમતાં ક્ષેત્રે કામ કરવાનું વિચારી અર્નસ્ટ એન્ડ યંગ સાથે જોડાવવાનું નક્કી કર્યું. સ્વાભાવિક રીતે બેન્કને ન ગમ્યું, તેઓ બધા જ પ્રયત્નો (this is wall street! everyone talks money here!) કરી લીધા મારો નિર્ણય ફેરવવા માટે, પણ મેં બેન્કને શાંતિથી સમજાવ્યું અને ખુબ જ સારી ટર્મ્સ પર વોલ સ્ટ્રીટને અલવિદા કહ્યું. 2016માં જાન્યુઆરી અથવા ફેબ્રુઅરિમા હું અર્નસ્ટ એન્ડ યંગની ટાઈમ્સ સ્ક્વેર ખાતેની ઓફીસમાં જોડાઇશ. કન્સલ્ટીંગમાં મને નવી જગ્યાઓ પર, નવા લોકો જોડે નવી સમસ્યાઓ પર અને નવા પ્રોજેક્ટો પર કામ કરવા મળે અને ટ્રાવેલિંગ પણ ખરા (where and how else do you get paid for traveling? 😉 )
  • તો આવું રહ્યું મારું 2015, આશા કરું કે તમારું 2015 પણ રોમાંચક રહ્યું હશે 🙂 તો હવે પછી મળીયે 2016માં!
2015 ફ્લેશબેક – પેલેસ રોડ ટુ પાર્ક એવન્યુ ટુ ટાઈમ્સ સ્ક્વેર