* તો આજે સ્ટીવન્સમાં લગભગ એક સેમેસ્ટર પૂર્ણ કર્યા બાદ અમેરિકન ભણતર કે અહિયાંની ભણવા અને ભણાવવાની પદ્ધતિ વિષે લખવાની ઈચ્છા થાય છે. અત્યારે હું માસ્ટર ઓફ સાયન્સ ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ નો વિદ્યાર્થી છું.
* ગ્રેજ્યુએશન પુણે વિદ્યાપીઠ થી કર્યા બાદ જ્યારે આગળની દુનિયા જોવાનો મોકો મળ્યો ત્યારે સ્વાભાવિક વાત છે કે બધી જ વસ્તુઓ જોડે સરખામણીઓ ચાલુ થઇ જાય.
* ભારતમાં મોટા ભાગની વિદ્યાપીઠમાં કોર્સ વર્ક કે ભણવાના વિષયો પહેલા થી જ નક્કી કરેલ હોય અને વિદ્યાર્થીઓને flexibility નાં નામે કઈ ન મળે ઉપરાંત કોલેજોમાં તો પ્રોફેસરો પણ વર્ષો સુધી એક કોર્સ એક જ ચોપડીમાં થી ભણાવ્યા કરે. જ્યારે અહિયાં આગળ વિદ્યાર્થીઓને ડગલે ને પગલે વિકલ્પો મળે, કોર્સ વર્ક ઘડવાની અમને લોકોને છૂટ હોય અને અમારું ટાઇમટેબલ અમારે જાતે જ નક્કી કરવાનું હોય. ક્યારેક તો એવું પણ બને કે એક જ વિષય ત્રણ અલગ અલગ પ્રોફેસર ભણાવતા હોય તો અમને જે પ્રોફેસર યોગ્ય લાગે તેની પાસે કોર્સ રજીસ્ટર કરાવવાની છૂટ અને સ્કુલ ચાલુ થયા બાદ પણ તમને add or drop નો સમય દેવામાં આવે, જો પ્રોફેસર કે ક્લાસ તમને મજા આવે એવો ન લાગે તો બદલવાની પણ છૂટ. હાર્વર્ડમાં આ પ્રક્રિયા ને શોપિંગ વિક કેહવાય છે 😉 😀
* ગ્રેજ્યુએટ સ્કુલમાં હોવાથી પહેલા સત્રમાં મારા ચાર વિષયો ત્રણ-ત્રણ ક્રેડીટનાં હતા, અહિયાં માસ્ટર્સનાં વિદેશી વિદ્યાર્થીઓએ વિઝા સ્ટેટ્સ જાળવી રાખવા એક સત્રમાં ઓછામાં ઓછા ત્રણ વિષયો લીધેલાં હોવા જોઈએ. મારું ટાઇમ ટેબલ એવી રીતે ગોઠવ્યું કે એક દિવસમાં માત્ર એક જ ક્લાસ કારણ કે અહિયાં ત્રણ ક્રેડીટના ક્લાસ લગભગ ત્રણ કલાક ચાલે 😉 અને ગ્રેજુએટ સ્કુલ હોવાથી તે ખુબ જ exhausting હોય અને સાથે પાર્ટ ટાઇમ જોબ પણ હોય જે થી બધું જ મેનેજ કરવું અઘરું પડી જાય.
* મારા ક્લાસનો સમય સાંજે છ થી નવનો હતો, જ્યારે ભારતમાં કોઈ સગા સબંધીઓને કે મિત્રો ને ખબર પડે કે મારે દિવસનો માત્ર એક જ ક્લાસ હોય ત્યારે તેમના હાવ ભાવ જોવા જેવા થઇ જાય અને તેમના મગજમાં માત્ર એક જ વિચાર દોડે કે આને તો બાકીનો સમય જલસા છે, પણ વાચક મિત્રો જ્યારે એક ક્લાસ ત્રણ કલાકનો જ હોય ત્યારે પ્રોફેસરની એટલી તૈયારી હોય કે તે અમને આવતા બે અઠવાડિયાનું કામ સોંપીને જ ઝંપે. અહિયાં પણ બધા જ પ્રોફેસરની ભણવવાની પદ્ધતિ અને સ્કોરિંગ પેટર્ન અલગ અલગ હોય. એક વસ્તુ જેના થી હું ખુબ જ પ્રભાવિત થયો એ કે અહિયાં પ્રોફેસર એટલે અંતિમ નિર્ણાયક, પ્રોફેસર એના ક્લાસમાં જેમ કહે તેમ જ થાય, એની ઉપર કોઈ પણ બીજા પ્રોફેસર કે એચ ઓ ડી કે પ્રિન્સિપલનું દબાવ ન હોય. ચોપડી અને સિલેબસ થી માંડીને છેલ્લો ગ્રેડ દેવાની જવાબદારી અને પદ્ધતિ તે પ્રોફસર જ નક્કી કરે. દરેક પ્રોફેસર પોતાની ગ્રેડિંગ પેટર્ન કે મેથડ સેમેસ્ટરના પહેલા જ દિવસે જાહેર કરી જ દે એટલે વિદ્યાર્થીઓએ કેવી રીતે અને કેટલી મહેનત કરવી તે ખબર પડી જાય. અહિયાં ભારતની જેમ ન હોય કે તમારું બધું જ ભવિષ્ય માત્ર એક ત્રણ કલાકની પરીક્ષા નક્કી કરે, અહિયાં અવિરત મૂલ્યાંકન કે continuous evaluation થતું રહે એટલે જો તમે એક પણ પેપર લેટ સબમિટ કરો કે પ્રેઝેન્ટેશન સરખી રીતે ન આપો તો તમારાં ફાઇનલ ગ્રેડ પર સીધી અસર પડે અને જે ઘણી વસ્મી હોય. ઘણા પ્રોફેસર હજુ પણ પરીક્ષા પદ્ધતિમાં માને તો કોઈક માત્ર પ્રેઝેન્ટેશન જ અપાવડાવે તો કોઈક ટેક હોમ પરીક્ષા નું કહે તો કોઈક ઓપન બુક પરીક્ષાનાં આગ્રહી હોય. કોઈક ગ્રેડ દેવામાં થોડા અઘરા હોય તો કોઈક ઇઝી ગ્રેડર હોય. મારી સ્કુલની જ વાત કરું તો કોઈક વીસ વર્ષથી ભણાવતું હોય અને કોઈક માત્ર બે વર્ષ થી જ, અમુક પ્રોફેસર તો વોલ સ્ટ્રીટ પર કામ કરે છે અને માત્ર શોખ માટે ભણાવવા આવે. ઘણા ક્લાસમાં અટેનડન્સ ન હોય તેમ છતાં તે ક્લાસમાં લગભગ પુરેપુરી હાજરી જોવા મળે.
* મારી દિનચર્યા વિષે વાત કરું તો સવારે દસ વાગ્યે હું તો લાઈબ્રેરી પહોંચી જ ગયો હોવ, દસ થી એક લાઈબ્રેરીમાં બેસી કોઈ પણ વિષય જેના પ્રેઝેન્ટેશન કે પેપર ની ડેડલાઇન હોય તેના પર કામ કરવાનું, એક વાગ્યે મારી ઓફીસનો સમય થાય, હું મારી સ્કુલમાં જ એક રીસર્ચ સેન્ટરમાં ગ્રેજ્યુએટ અસીસટન્ટ તરીકે કામ કરું છું. એક થી પાંચ એટલે ઓફીસ, પાંચ વાગ્યે છૂટીને જો વધુ પડતું કામ હોય તો ફરીથી લાઈબ્રેરી અથવા થોડો આરામ 😀 સાંજે છ વાગ્યે એટલે ક્લાસમાં જવાનું, અહિયાં ક્લાસમાં ખાવા પીવાનું લઇ જવાની છૂટ હોય અને ચાલુ ક્લાસે તમે નાશ્તો પણ કરી શકો. ગ્રેજ્યુએટ સ્કુલ હોવાથી ક્લાસમાં વિવધતા જોવા મળે, કોઈક છ સાત વર્ષ કામ કરીને આવ્યું હોય તો કોઈક ફ્રેશર હોય, કોઈક કોમર્સ ભણીને આવ્યું હોય તો કોઈક પેટ્રોલીયમ, કોઈક બ્રાઝીલથી આવ્યું હોઈ તો કોઈક ચાયના થી. કોઈક પ્રોફેસરનાં ક્લાસમાં ત્રણ કલાક તો ક્યાં નીકળી જાય ખબર પણ ન પડે તો કોઈક માં ન છૂટકે લેપટોપ ચાલુ કરી ઈયરફોન લગાવવી બેસવું પડે ( કાગળા બધે જ કાળા 😉 ) અહિયાં મોટા ભાગના પ્રોફેસર રિસ્પોન્સિવ ક્લાસ કે ચર્ચામાં વધુ માને જે મને પોતાને ભારતમાં ઘણું ઓછું જોવા મળ્યું છે, ત્રણ કલાકનો ક્લાસ એ ટીપીકલ ક્લાસ જેવો ઓછો અને discussion room જેવો વધું લાગે. આશરે નવ વાગ્યા આસ પાસ ક્લાસ પૂરો થાય એટલે ઘરે જવાનું, ઘરે જઇને પણ આપણી રસોઈ આપણે જાતે જ બનાવવાની આમ તો મને રસોઈનો ઘણો શોખ પણ બાર કલાકની દોડાદોડી વાળા દિવસનાં અંતે રસોઈ પણ એક ચેલેન્જ લાગે. રાત્રે બાર કે એક વાગ્યે થોડી શાંતિ મળે પણ જો કોલેજનું કઈ કામ હોય તો ફરીથી લેપટોપ ખોલી બેસી જવું પડે. અને ક્યારેક તો માત્ર ચાર કે પાંચ જ કલાક ઊંઘવા મળે અને ઘરે મમ્મી જોડે ત્રણ ચાર દિવસ સુધી વાત પણ ન થાય. ઘરે, માત્ર હું જ્યારે બસમાં કોલેજ જવા નીકળું ત્યારે જ વાત કરવાનો સમય મળે, સારું (કે ખરાબ ખબર નહિ) છે કે ભારતમાં (અને બીજે પણ ક્યાંય નહિ) આપણી કોઈ ગર્લફ્રેન્ડ નથી .. નહિતર ખબર નહિ શું થતે 😀 હવે ભારતમાં રહેતાં મિત્રો અને સગા સંબંધીઓને આ વિષે કંઈ ખબર જ ન હોય એટલે ક્યારેક ફોન કરીએ તો એમની તો એક જ વાત “જલસા તો તમને જ છે” પણ હવે હું પણ આ વસ્તુને મોટું મન રાખીને ઇગ્નોર કરું છું મોટા ભાગના દિવસો આવી જ રીતે પસાર થાય, વિકેન્ડ સિવાય 😉 મારી સ્કુલથી મેનહટન માત્ર દસ મિનીટની ટ્રેનરાઇડ દુર છે એટલે ફ્રાઇડે નાઈટ ઇન એન.વાય.સી વિષે કોઈક અલગ બ્લોગ પોસ્ટ લખીશ 😉 .
* અહિયાં વિષે વધુ કંઈ જાણવું હોય કે તો વિના સંકોચે નીચે કમેન્ટ કરવી 😀 .