કન્સલ્ટિંગ અહેવાલ

આ પોસ્ટ જ્યારે તમે વાંચી રહ્યા હશો ત્યારે હું કોઈક કેબમાં બેઠો, ફ્લાઇટમાં ઉડતો અથવા હોટલમાં ઊંઘતો હઈશ

એકાદ વર્ષથી કોઈ પોસ્ટ લખી નથી, સમય નહતો એવું તો ન કહી શકું પણ પ્રાથમિકતાઓ અલગ અલગ હતી એટલે લખવાનું ટાળ્યું હતું.

જે લોકો મને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ફ્લિકર પર ફોલો કરતા હશે એ લોકોને તો લાગતું હશે કે પાછલું આખું વર્ષ હું લગભગ ફર્યા જ કર્યો છું, એક મેનેજમેન્ટ કન્સલટન્ટની અડધી જિંદગી કદાચ પ્લેનમાં અને બાકીની રહેલી હોટેલોમાં જ પસાર થતી હશે.

ઘણાં સમયથી આ પોસ્ટ લખવાની ઈચ્છા હતી, અને આશરે બે મહિનાથી ડ્રાફ્ટમાં પડેલો લેખ છે. પણ છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયામાં થયેલા બનાવોથી આ લેખને વેગ મળ્યો છે.

આજે અર્ન્સ્ટ એન્ડ યંગમાં કામ ચાલુ કર્યાને લગભગ એક વર્ષ પૂરું થયું છે એટલે એહવાલ થોડો લાંબો રહેવાનો. મને અસંખ્ય લોકોએ પૂછ્યું છે કે હું કામ શું કરું છું? હું દર અઠવાડિયે અલગ અલગ શહેરોમાં કેમ જાવ છું? હું કન્સલ્ટન્ટ, ફ્રિલાન્સર, કે કોન્ટ્રાકટર કહેવાઉં? અહીંયા આ લેખ જોડે તમારા સાથે થોડી ઘણી માર કામ વિષે વાત કરીશ! મુખ્ય ભાગે કન્સલ્ટિંગ બે પ્રકારના હોય છે – મેનેજમેન્ટ અને ટેક્નોલોજી. મેનેજમેન્ટ કન્સલ્ટિંગની સેવાઓ આપવામાં મેક્કિનસી, બૈન, બીસીજી જેવા પ્રખ્યાત નામો છે. એ લોકો માત્ર ને માત્ર સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જ્યારે એક્સેનચર, ડેલોઈટ, કોગ્નિઝન્ટ જેવા નામો ટેક્નોલોજીને લાગતા બધા જ કામ કરતા હોય છે. બંને કન્સલ્ટિંગના ગુણદોષ રહેવાના જ, પણ અર્નસ્ટ એન્ડ યંગ થોડી અલગ કંપની છે, અહીંયા લોકો સ્ટ્રેટેજી અને ટેક્નોલોજીની વચ્ચેના સ્પેક્ટ્રમ પર કામ કરે. જે લોકો વૈશ્વીક નાણાકીય બજાર અનુસરતાં હશે એ લોકોને બિગ ફોર વિષે માહિતી હશે. આ કંપનીઓ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ તરફથી કન્સલ્ટિંગ ક્ષેત્રમાં કઈ રીતે આવી એ જાણવામાં રસ હોય તો એનરોન સ્કેન્ડલ વિષે જરૂર વાંચવું અને જોવું, અને જો વધુ માહિતી જોઈતી હોય અને ચર્ચા કરવી હોય તો બાય મી અ ડ્રિન્ક 😉 ઓવરઓલ કન્સલ્ટન્ટ્સ એમના કામને કારણે ઘણાં ઇન્ફ્લુએનશલ હોય છે, અમે લીધેલા નિર્ણયોની સીધી અસર સાધારણ વ્યક્તિઓ પર પડી શકે છે જેની વધુ ચર્ચા હું નીચે કરીશ.

કન્સલ્ટિંગનો એકદમ સરળ અર્થ સલાહ સૂચન દેવું થાય. એન્જીનીયરીંગ ભણ્યા બાદ કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ક્ષેત્રમાં શું કરવાને કામ કરે? ઉપયોગી સોફ્ટવેર બનાવવાને બદલે કોઈ પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન શું કરવા બનાવે? જે લોકોને પ્રોબ્લેમ સોલવિંગ અને ટ્રાવેલિંગનો શોખ હોય એ લોકો માટે આ ઉત્તમ ઇન્ડસ્ટ્રી છે. દર થોડા મહિને ક્લાઈન્ટ બદલાય, કામ બદલાય, ટિમ બદલાય અને કામ કરવાની જગ્યા પણ બદલાય. કોઈ પણ કંપની ખાસ કરીને ફાઇનૅન્શિયલ કંપનીઓ કોઈ પણ મુશ્કેલીમાં ગૂંચવાય ત્યારે તે લોકો કન્સલ્ટિંગ કંપનીઓ પાસે નિવારણ માટે જાય છે. દરેક કન્સલ્ટિંગ કંપની કોઈક રોટેશનલ પ્રોગ્રામ ચલાવે જેમાં તમે લોકો જે ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તે ઇન્ડસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, ક્લાઈન્ટ કે પ્રોજેક્ટ પર કામ કરી શકો, હું પણ આવા જ એક એડવાઈઝરી કન્સલ્ટન્ટ પ્રોગ્રામનો ભાગ છું.

અમારા લોકોનું કામ મુખ્ય ભાગે ક્લાઈન્ટ સાઈટ પર હોય અને આ ક્લાઈન્ટ સાઈટ દુનિયાના કોઈ પણ શહેરમાં હોય શકે, મારી હોમ ઓફિસ ન્યુ યોર્ક શહેર કહેવાય, પણ કામ માટે સતત ઉડતા અને રખડતા રહેવું પડે. એટલી હદે ફરવાનું થાય કે તમે ક્યારે ક્યા ટાઈમ ઝોનમાં છો, ક્યાં શહેરમાં છો એ પણ ભૂલી જવાય, મારી જ વાત કરું તો છેલ્લા આંઠ દસ મહિનાથી લગભગ દર અઠવાડિયે ઘરની બહાર જ હોવ છું, આટલા સમયમાં હું લગભગ બે લાખ હવાઈ માઈલ ઉડી ચુક્યો છું, મેરિયટ અને એસપીજીના લગભગ ચાર લાખ પોઈન્ટ્સ જમા કર્યા છે. આટલા માઇલ્સ અને પોઈન્ટથી હું દુનિયાના કોઈ પણ સ્થળે લેવિશલી વેકેશન માણી શકું અને એ પણ વગર કોઈ પૈસા ખર્ચે, અને હજુ તો મને કન્સલ્ટીન્ગમા એક વર્ષ જ થયું છે! ઘણાં લોકોને ખાલી આ બાહ્ય દેખાવ અને ફ્લેશી લાઇફસ્ટાઇલ – બિઝનેસ ક્લાસની ફ્લાઇટ અને ફાઈવ સ્ટાર હોટલોમાં રહેઠાણ જ દેખાય, પણ એની પાછળની થોડી ઘણી કડાકૂટ તમારા સાથે શેર કરવા માગું છું.

લગભગ દર સોમવારે વહેલી સવારે અમારે ન્યુ યોર્ક શહેરથી ક્લાઈન્ટ સાઈટ પરની ફ્લાઇટ હોય. પાંચ કે છ વાગ્યાની ફ્લાઇટ માટે લગભગ રાત્રે ત્રણ વાગ્યે ઉઠીને તૈયાર થય, એક અઠવાડિયાનો સામાન પેક કરી, ચાર વાગ્યે કેબ બોલાવી નીકળવું પડે. એરપોર્ટ પહોંચું ત્યાં સુધી વોલ સ્ટ્રીટ જર્નલ વાંચી લેવાનું અને ઇન્ડિયા કોઈ મિત્રો કે ફેમિલી જોડે વાત કરી લેવાની. ઘણા સમયથી એક જ એરલાઇન્સ જોડે ઉડતા હોય એટલે અમને ફ્રિકવન્ટ ફ્લાયરનું સ્ટેટ્સ મળે જેથી અમે બિઝનેસ ક્લાસમાં ઉડી શક્યે અને ચેક-ઈન અને સિક્યોરિટીમાં પણ પ્રાયોરિટી મળે. નવ થી દસની વચ્ચે અમે મુકામ એરપોર્ટ પહોંચ્યે ત્યાંથી રેન્ટ કરેલી ગાડી અથવા કેબથી સીધા ઓફિસ પહોંચ્યે. આવી જ રીતે આખા અમેરિકામાંથી દર સોમવારે મારી ટીમના લોકો અલગ અલગ શહેરથી એક જગ્યાએ આવે એટલે સ્વાભાવિક રીતે અમારો સોમવાર થોડો મોડો ચાલુ થાય. ક્લાઈન્ટ સાઈટ પર અમને લોકોને કોઈ ફેન્સી કોર્નર ઓફિસ ન મળે, અમને બધાને એક કોન્ફેરન્સ રૂમમાં ગોઠવવામાં આવે. આખા અઠવાડિયાનો એજંડા, મિટિંગ, કોલ અને ટાસ્ક નક્કી કરવામાં આવે, ત્યાર બાદ બધા લોકો પોતાનું કામ કરવા લાગે.

સોમવાર સાંજે સાત આઠ વાગ્યે બધા જ લોકો પોતાની હોટલમાં ચેક-ઈન કરે અને ત્યાર બાદ ટિમ ડિનર માટે ભેગા થાય. વેજિટેરિયન હોવા છતાં મને હજુ સુધી જમવામાં ક્યાંય તકલીફ નથી પડી, પણ સ્વાભાવિક રીતે જમવા માટે વિકલ્પો થોડા સીમિત થય જાય. સોમવારથી શુક્રવાર ડિનર માટે અલગ અલગ કવીઝીનની વાનગીઓ ટ્રાય કરીએ, મારી ટીમમાં ક્યારેક થોડા ઇન્ડિયન પણ હોય. મોટા ભાગના આ ઇન્ડિયન કોઈ દિવસ ટિમ જોડે ડિનર માટે ન આવે અને પોતાની હોટલ પર ઇન્ડિયન ફૂડ સિમલેસ કે ઓનલાઇન ઓર્ડર કરી એકલા જમે. ઇન્ડિયન્સની આ મેન્ટાલીટી મને હજુ સમજાતી નથી, તે લોકો બીજા કવીઝીન ટ્રાય પણ કરવા ન માગે, અને પૂછો તો મોઢું પણ બગાડે. બધા જ દેશોની જેમ અમેરિકમાં પણ દરેક પ્રાંતે વાનગીઓ બદલાય છે, અને અહીંયા ભારત કરતા વધુ ઇન્ટરનેશનલ કવીઝીન સરળતાથી મળે છે. માનવામાં ન આવે પણ લગભગ બધા જ કવીઝીનમાં વેજિટેરિયન વિકલ્પો હોય જ છે. કમ્ફર્ટ ફૂડની વાત કરું તો મને પણ ઇન્ડિયન કવીઝીન જ ગમે પણ મને લાગે કે ધેટ ડિફીટ્સ ધ પરપઝ ઓફ ટ્રાવેલિંગ એન્ડ એક્સપ્લોરિંગ, જયારે કમ્પની તમારો બધો જ ખર્ચો ઉપાડે છે તો વાય નોટ ટ્રાય સમથિંગ ન્યુ એઝ વેલ!! કોઈ પણ શહેરમાં જઈએ ત્યારે થોડા સમયમાં ત્યાંની દરેક અપસ્કેલ રેસ્ટ્રો અને બાર અમે લોકોએ ટ્રાય કરી જ લીધા હોય. મને કોઈ દિવસ વાઈનનો શોખ ન હતો પણ ટીમ જોડે ફાઈન વાઈન માણીને શાર્ડને સારી લાગવા લાગી છે. જો તમને પણ વાઈનનો શોખ હોય તો સાર ગ્રેપ્સ ડોક્યુમેન્ટરી જરૂર જોવી! અમારા લોકોના ડિનર ટેબલ કન્વર્ઝેશન ખુબ જ રસપ્રદ હોય, અલગ અલગ બેકગ્રાઉન્ડ અને અનુભવ વાળા લોકો ભેગા થાય એટલે વાતો કોઈ દિવસ ન ખૂટે.

મંગળવાર સવારે અમે લોકો ઓફિસ સાત થી આઠની વચ્ચે પહોંચી કામ ચાલુ કરીએ. અને સાંજે ફરીથી કોઈ નવી રેસ્ટ્રો કે બાર પર ભેગા થાય. ગુરુવાર કે શુક્રવાર સુધીનો બસ આ જ કાર્યક્રમ. ગુરુવારે સાંજની ફ્લાઈટથી પાછા ન્યુ યોર્ક આવી જવાનું. બધી જ કન્સલ્ટિંગ કંપનીમાં ઓલ્ટરનેટ ટ્રાવેલનો કન્સેપટ હોય છે. જો મારે વિકેન્ડ માટે ઘરે ન જવું હોય અને અમેરિકામાં બીજા કોઈ શહેર જવું હોય તો મને ત્યાંની ફ્લાઇટ બુક કરી દેવામાં આવે, અને જો મારે ક્લાઈન્ટ સાઈટ પર જ રહેવું હોય તો પણ હું વિકેન્ડ માટે હોટલ અને ગાડી બુક કરી શકું. આવી વ્યવસ્થા નવા યુવકોને આકર્ષવા માટે જ હોય છે બાકી મેનેજર, સિનિયર મેનેજર અને પાર્ટનરતો ગુરુવાર સાંજે ઘરે જ ભાગે. આ ઓલ્ટરનેટ ટ્રાવેલને કારણે મારે પણ ઘણું સરખું અમેરિકા જોવાય ગયું. આજકાલ તો હું પણ ગુરુવારે હવે ઘરે પાછો આવી જાવ છું. આખું અઠવાડિયું બહાર રહીએ એટલે એમ પણ સોશિયલ લાઈફ જેવું કઈ રહે નહિ, એટલે વિકેન્ડમાં તો એટ લિસ્ટ લોકલ મિત્રોને મળીયે. માનવામાં ન આવે પણ અમેરિકાનું ડોમેસ્ટિક ટ્રાવેલ એકદમ બકવાસ છે, ફ્લાઇટ દર વખતે લેટ જ હોય. ધાર્યા સમય કરતા દર અઠવાળીયે એરપોર્ટ પર પાંચ થી છ કલાક ખોટી બગડે જ છે.

આ ઇન્ડસ્ટ્રીમાં ટીમવર્ક ખુબ જ મહત્વનું છે, કોઈ કામ કોઈ દિવસ એકલ હાથે ન કરવાનું હોય, બધા લોકો ભેગા મળીને જ કામ કરે અમારા લોકો વચ્ચે ખુબ જ બ્રેન્સ્ટોર્મિંગ થાય, અને અમે લોકો વાઈટબોર્ડનો ભરપૂર ઉપયોગ કરીએ. કન્સલ્ટિંગમાં બધા જ પ્રોબ્લેમ ફ્રેમવર્ક કે એક નક્કી કરેલી પદ્ધતિથી ઉકેલવામાં આવે. દરેક ક્લાઈન્ટ અને દરકે પ્રોબ્લેમ જોડે આ ફ્રેમવર્ક બદલવામાં આવે. માઈક્રોસોફ્ટ એક્સેલ અને પાવરપોઈન્ટ અમારી જીવાદોરી કહેવાય! જ્યારે એક માત્ર પાવરપોઈન્ટ ડેકથી મિલિયન કે બિલિયન ડોલરના પ્રોજેક્ટો વહેંચતા હોય ત્યારે એક એક સ્લાઇડની કિંમત હજારો કે લાખો ડોલરની હોય છે, એટલે તમારા પર અસરકારક રીતે મેસેજ તારવવા માટે પ્રેશર ખુબ જ વધી જાય. આ ઇન્ડસ્ટ્રીમાં સોફ્ટ સ્કિલ્સ જેમકે કમ્યુનીકેશન, પ્રેઝેન્ટેશન, નેટવર્કિંગ, લીડરશીપ, ક્રિટિકલ થીંકીંગ, લોજિકલ થીંકીંગનું ખુબ જ મહત્વ હોય છે.

ટ્રાવેલિંગને કારણે અમારા લોકોનું ડાઉનટાઇમ ખુબ જ વધારે હોય એટલે જેટલી કલાક અમે ક્લાઈન્ટ સાઈટ પર હોય ત્યારે વધુમાં વધુ કલાકો ખેંચી કામ કરવું પડે એટલે અમને લોકોને એવરેજ દિવસે પંદર-સોળ કલાક કામ કરવાની આદત પડી જાય છે (વોટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ? 😉 ). કન્સલટિંગમાં ટિમ ખુબ નિકટતાથી કામ કરે, અમે લોકો સિગ્નિફિકન્ટ અધર્સ (જો હોય તો!!) કરતા વધુ સમય ટિમ જોડે પસાર કરીએ છે એટલે ઇન્ટરપર્સનલ સ્કિલ અને રિલેશનશિપ બિલ્ડીંગ અત્યંત જરૂરી હોય. કન્સલ્ટિંગમાં નેટવર્કિંગ ખુબ જ મહત્વનું હોય છે, તમે ઈચ્છા ધરાવતા સ્કેટરમાં કામ કરવા માંગતા હોવ તો તમારે સતત નવા લોકોને મળતા રેહવું પડે અને કોઈકને કોઈક રીતે તેમાં ઇન્વોલ્વ થવું જ પડે અને જાતે જ પોતાનું કરિઅર તે દિશામાં વાળવું પડે. એટલે એવું માનવામાં આવે છે કે કન્સલ્ટન્ટને કાયમ માટે એક્સ્ટ્રોવર્ટ કે આઉટગોઈંગ રહેવું પડે, પણ હું એ માનતો નથી. સુઝેન કેઇનનું કહેવું છે કે ઈન્ટ્રોવર્ટસ પણ ખુબ જ પ્રભાવશાળી લીડર બની શકે છે અને આ દુનિયામાં ઈન્ટ્રોવર્ટસની પણ એટલી જ જરૂર છે! એમની લખેલી કવાઇટ જરૂર વાંચવી!

ભારતમાં જે લોકો એન્જીનીયરીંગ કરીને ટીસીએસ, ઇન્ફોસિસ જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાય છે તે લોકોએ છેલ્લા થોડા વર્ષોમાં જોયું હશે કે આવી કંપનીઓ વારે ઘડીએ જોઈનીંગ ડેટ પર ઢીલ મૂકે છે અને પાંચ છ મહિના પછી જોઈન કરાવે છે. મારા હાલના પ્રોજેક્ટ પર અમે લોકો એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કના કોસ્ટ સેવિંગ અને સ્કેલીંગ માટે થોડા ઘણાં ઓપરેશન ભારત ઓફશોર કરીએ છે. અમે લોકોએ જ્યારે આ કામ ઉપાડ્યું ત્યારે નક્કી કરવામાં આવેલું કે ભારતમાં આશરે ૨૦૦-૩૦૦ લોકોની જરૂર પડશે એટલે ત્યાંની એક ઓફિસે આટલી સંખ્યા પુરી પાડવા રિક્રુટમેન્ટ અભિયાન ચાલુ કર્યું અને આશરે ૧૦૦ લોકો રીક્રુટ થયા બાદ અમને લોકોને લાગ્યું કે ઘણાં અગત્યના કારણોસર ભારતમાં પ્રોડક્શન થોડું મોડું ચાલુ થશે, તો ફરીથી એક્સેલ પર અલગ અલગ મોડેલિંગ કરીને જોયું તો આ ૧૦૦ લોકોનું જોઈનીંગ એક મહિના પછી કરવાનું બેન્ક માટે વધુ ફાયદાકારક હતું એટલે ફટાફટ અમે ૧૦૦ રિસોર્સીસનું જોઈનીંગ વિલંબિત કરવાનો નિર્ણય લીધો, બેન્કને તો એ લોકોના પૈસા બચે એટલે મજા જ પડી જાય. પણ આ વસ્તુ મને ઘણી ખટકી કે મારા બનાવેલા માત્ર ૧૦૦ કેબીના એક્સેલ મોડલ પર મેં ૧૦૦ લોકોની જોઈનીંગ ડેટ પાછળ કરાવી!! એ ૧૦૦ લોકોની જરૂરિયાત શું હશે તે લોકોની પરિસ્થિતિ કેવી હશે એનો તો મને કોઈ દિવસ અંદાજો જ નથી આવવાનો, મારા માટે એ લોકો નમ્બર અને રિસોર્સ શિવાય કઈ નથી એવું લાગ્યું. થોડું ગિલ્ટી ફીલ થયું પણ શું કરીએ? અમારા આ નિર્ણયને ક્લાઇન્ટે ખુબ જ એપ્રીશિએટ કર્યું (શું કરવા ન કરે? એ લોકોના તો મિલિયન ડોલર બચ્યા!!)

કામમાં વ્યસ્ત રહેવાને કારણે, બીજી કોઈ વસ્તુઓ પર ધ્યાન ન આપી શકતો હતો એટલે છેલ્લા થોડા સમયથી વોટ્સેપ વાપરવાનું બંધ કર્યું છે. ઘણી શાંતિ અનુભવાય છે 😀 લખવાનું ઘણાં સમયથી ઓછું થયું છે, પણ વાંચવાનું નહિ. ફ્લાઈટમાં કોઈ દિવસ કામ નહિ કરવાનો નિર્ણય લીધો છે, જેથી વાંચવા કે ઊંઘવા પર થોડો સમય આપી શકું. પોકેટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે! દરરોજ વોલ સ્ટ્રીટ જર્નલ, હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ, જૂના અને જાણીતા ગુજરાતી બ્લોગ વાંચું જ છું. બાકી મિલ્ટન ફ્રાઇડમેન, મેલકોમ ગ્લેડવેલ, એડમ ગ્રેન્ટ, ચંદ્રકાન્ત બક્ષી, કાજલ ઓઝા વૈદ્ય અને બીજા ઘણાં લેખકોની રચનાઓ વાંચવામાં આવી છે! મુવીઝની વાત કરું તો ૨૦૧૬માં થીએટરમાં માત્ર ત્રણ-ચાર મુવી જોયા. નેટફ્લિક્સનો ભરપૂર ઉપયોગ થાય છે! સૌથી વધુ કોઈ મુવી ગમ્યું હોય તો લા લા લેન્ડ – વૉટ આ મુવી!!! કરિઅરીસ્ટ મુવી એબાઉટ કરિઅરિઝમ! જય વસાવડાએ તેના જેટલા વખાણ કર્યા છે એટલા ઓછા!!

અત્યાર માટે આટલું જ, લખતો રહીશ કન્સલ્ટિંગનાં સંવાદો ક્યારેક ક્યારેક!

કન્સલ્ટિંગ અહેવાલ

4 thoughts on “કન્સલ્ટિંગ અહેવાલ

  1. Ronak Rathod says:

    કન્સલ્ટિંગ ના તમારા જીવનમાં રસપ્રદ insight. ગમ્યું! લખતા રહેજો!

  2. Shall I send my CV for the Indian operations project?
    I am ready to work from Jamnagar location at whatever time you decide.
    😉
    And yeah.. does the Indian way of doing things happen there?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s