મુંબઈ અહેવાલ

* તો ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાત લેવામાં આવી.

* ઉચ્ચ અભ્યાસ માટે અંકલ સેમનાં વિઝા મળી ગયા છે 😀

* છેલ્લાં છ મહિનાની દોડ-ધામ નું ફળ હવે મળ્યું છે !! પરીક્ષાઓ, કોલેજ સિલેકશન, એડમીશન પ્રોસેસ અને વિઝા માટે કાગળિયાં આ બધું તૈયાર કરતાં કરતાં તો પરસેવા છુટી ગયા અને એક સમયે તો બધું પડતું મૂકી દેવાની ઈચ્છા થઇ.

* પણ આશરે બે વર્ષ પેહલાં જોયેલું સપનું હવે જયારે પૂરું (ચાલુ) થવા જઇ રહ્યું છે ત્યારે મન ધીમું ધીમું મલકાય છે અને અંગ્રેજીમાં જેને “mixed feeling or emotions” કહેવાય તે પણ અનુભવી રહ્યો છું.

* મુંબઈમાં આ વખતે ઉનાળો થોડો વધુ કપરો લાગ્યો અને ભેજ નાં કારણે પણ બહુ મજા ન આવી. એમાય ત્રણ દિવસ સુધી સવારે કીડીયારા માફક ભરેલ લોકલ ટ્રેનમાં ભાયંદર થી બાન્દ્રા મુસાફરી કરવી પડી.

* વિઝા ઈન્ટરવ્યું એકંદરે સારું ગયું પણ કોન્સ્યુલેટમાં વિઝા લેવાં માટેની ભીળ પણ વધું હતી આ વખતે 😉

* પેલું બહુ વગોવાયેલું પૂજા ધીન્ગ્રાનું  લ 15 પેતીસરીની મુલાકાત લીધી, કપ કેક અને મેકૃન ઘણાં સારાં હતાં !

* એક સાંજે કાર્તિક ભાઈ જોડે મુલાકાત થઇ અને આખી દુનિયાની પંચાત કરી 😉 મજા આવી !!!

* બીજી સાંજે કોલેજ સીનીયર જીનેશ પટેલ સાથે પંચાત કરી 😉

* મને એમ લાગ્યું કે માત્ર જામનગરનાં જ રસ્તાઓ ખોદી કાઢ્યા છે પણ મુંબઈમાં મલાડ આસ પાસ એવી જ હાલત છે.

* તો ચાલો હવે ન્યુ યોર્ક શહેર માટે એક તરફી ટીકીટ અને ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ લાયસન્સ માટેની કામગીરી શરુ કર્યે 😉

… આમ તો ફેસબુક પર મેં જે સ્ટેટસ અપડેટ કર્યું એ પ્રાયવેટ હોવાથી અહિયાં નીચે શેર કરું છું

Two years ago my 1 week of stay in NYC influenced me and compelled me to take higher studies there.

The city where you can travel the world without leaving the boroughs. The city which offers you little version of another country just by taking a subway.

The city whose neighborhoods offer you varied interest from Technology to Theater, Finance to Fashion, Cheapest street food to Michelin Starred Restaurants.

The city where 800 tongues are spoken in five boroughs. It is the culture, the heart of which is Broadway, the soul Greenwich Village, the mind the general publishing industry, the body the TV networks, and the blood the financial industry.

Now that I know, next two years of my life are going to be spent around the city that never sleeps, words cannot describe my feeling. The excitement of new place, new beginning, new life. Along with the fear of leaving the loved ones behind.

Next two years, in and around New York City 😉 😎

અમેરિકા અને કોલેજ કરતાં હું ન્યુ યોર્ક શહેર આસ પાસ રહેવાનો છું તેનાં માટે વધુ ઉત્સાહિત છું 🙂

મુંબઈ અહેવાલ

ન્યુ યોર્ક દિવસ 5

*તારીખ 8 જુલાયનાં રોજ બધાજ મહેમાનો સવારના યુનાયટેડ નેશનનાં મુખ્ય મથકની મુલાકાત લેવાના હતા, મારે પણ તે લોકો સાથે જવું હતું પણ પાછલા 4 દિવસ જિંદગીમાં પણ ન ચાલ્યો એટલું ચાલ્યા હોવાથી ખુબ થાકી ગયો હતો અને પગ તો રીતસર સોજી ગયા હતા પણ મારે બની શકે તેટલું ફરવું હતું. રવિવાર હોવાને કારણે મેં બીજી ફલી માર્કેટ જવાનું નક્કી કર્યું અને પછી ત્યાંથી એકલો યુ.એન મથકે ગયો.

*મેં ગ્રીન ફલી માર્કેટ જે 77th સ્ટ્રીટ કોલંબસ એવન્યુ પર આવેલ ત્યાં જવાનું નક્કી કર્યું હતું, સવારનાં સહેજ વધારે આરામ કર્યો અને 103 અને બ્રોડવેથી ટ્રેન પકડી 79th સ્ટ્રીટ સ્ટેશન પર ઉતરી ગયો, દિશાઓની બહુ ખાસ ભાન નહોતી પડતી અને સ્માર્ટફોન પણ ન હતો એટલે જેમ તેમ બીજા લોકોને પૂછીને 76th સ્ટ્રીટ પર પહોંચી કોલંબસ એવન્યુ પર આવી ગ્રીન ફલી માર્કેટમાં પહોંચી ગયો. આ માર્કેટ હેલ્સ કિચન કરતાં મોટું અને વિશાળ હતું, માર્કેટમાં ફરવાની ખુબ મજા આવી પણ કંઈ ખરીદી ન કરી.

*માર્કેટથી મારે યુ એન મુખ્ય મથકે જવું હતું એટલે નકશામાં જોઈ બે ટ્રેન બદલીને જવાનું નક્કી કર્યું. માર્કેટથી ચાલીને હું 66 સ્ટ્રીટ લીન્કન સેન્ટર કે રિચર્ડ ટકર સ્ક્વેર સ્ટેશન પર પહોંચ્યો, રસ્તામાં મેં આશરે $2 માં એક સ્ટ્રોબેરીનું પેકેટ ખરીદ્યું, બહુ જ મોટી સ્ટ્રોબેરી અને ઘણી બધી, એટલી સ્ટ્રોબેરી કે એકલો ખૂટાડી પણ ન શક્યો અને ખુબ ગરમી હોવાને કારણે સાથે રાખવાનો પણ મતલબ ન હતો એટલે પેટ ભરીને સ્ટ્રોબેરી આરોગ્ય બાદ જેટલી વધી હતી એ ન છુટકે મારે ફેકી દેવી પડી 😦 સ્ટેશન પર પેહલા ટાઈમ્સ સ્ક્વેર ગયો અને ત્યાંથી 7નંબરની ટ્રેન પકડી ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ગયો. ત્યાંથી ચાલીને યુ એન બાજુ જવાનું નક્કી કર્યું, ખુબ જ ગરમી, ચાર દિવસનો થાક, સોજેલા પગ, પગનાં તળિયામાં ચાંઠા પડી ગયેલા અને લોહી પણ નીકળતું હતું તેમ છતાં મારે ન્યુ યોર્ક શહેર ચાલીને જ ફરવું હતું અને સમય પણ બહુ ન હતો જેમ તેમ મનમાં પોતાને દિલાસો આપીને કે આવો મોકો જિંદગીમાં બીજી વખત કદાચ ન મળે હું તો બિન્દાસ વિદેશ ભૂમિમાં વિદેશી બની એકલો ફરતો હતો. ટ્યુડોર સીટી પ્લાઝા જતા રસ્તામાં મેં ફાઈઝર કંપનીનું મુખ મથક જોયું અને ફોર્ડ ફાઉન્ડેશનનું બિલ્ડીંગ પણ જોયું.

*અને ત્યાર બાદ હું પહોંચી ગયો હતો યુ એન મુખ્ય મથકની સામે, એજ વિશાળ બહુમાળી બિલ્ડીંગ જે ત્યાર સુધી હું માત્ર ફોટાઓમાં જ નિહાળતો હતો એ દિવસે હું બરોબર તેની સામે દસ ફૂટ ની દુરી પર ઉભો હતો. મને યુ એનથી ખુબ જ નફરત છે તેના ભારત પાકિસ્તાનના મુદ્દા પરનાં રાજનૈતિક નપુંસકતાને કારણે પણ તેમ છતાંય મેં અંદર જવાનું નક્કી કર્યું. યુ એનમાં અંદર જવા સઘન સુરક્ષા ચકાસણીમાં થી પસાર થવું પડે જો તમારી પાસે બોટલ પાણી હોય તે પણ અંદર ન લઇ જવા દે, પાણી પણ બારે ઢોળી દેવાનું, પણ હા કેમેરા પર કોઈ પ્રતિબંધ નથી. અંદર ગેલેરી જોઈ, થોડા ઘણા ફોટાઓ પાડ્યા. યુ એનમાં પ્રવેશવા માટે કોઈ ચાર્જ નથી લાગતો પણ જો તમારે જે ગૃહમાં જનરલ અસેમ્બ્લી ભરાય છે તે જોવું હોય તો આશરે $10-12 ની ટીકીટ ખરીદવી પડે, મેં તે ટાળ્યું. અને હાં પેલી વળેલી રિવોલ્વર કે “(ક)નોટેડ ગન” પણ જોઈ 😀 યુ એન ગીફ્ટ શોપમાં થી થોડી ઘણી ખરીદી પણ કરી.

*ત્યાર બાદ ફરીથી ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ (સ્ટેશન નહિ !!!) જવાનું નક્કી કર્યું. અને હા ફરીથી ચાલીને 😉 એટલે હું તો નીકળી પડ્યો E 46th સ્ટ્રીટ પર પાર્ક એવન્યુ તરફ, રસ્તો શ્રીમંતોના વિસ્તારમાંથી કે જેને ઇસ્ટ વિલેજ પણ કહે છે ત્યાંથી પસાર થતો હતો એટલે બધા નજારા નિહાળવાની ખુબ મજા આવી 😛 રસ્તામાં હેમ્સ્લી બિલ્ડીંગ, મેટલાઈફ બિલ્ડીંગ પણ જોયા. હવે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલની વાત કરું તો એ છે દુનિયાનું મોટામાં મોટું સ્ટેશન જે ખાલી 48 એકરમાં પથરાયેલું છે 😀 જેમાં માત્ર 44 પ્લેટફોર્મ અને 67 ટ્રેક છે અને આ બધુજ ભૂગર્ભીય છે !!! આ એજ ટર્મિનલ છે જે તમે કદાચ ગોસ્સીપ ગર્લ, ધ એવેન્જ્ર્સ, મેન ઇન બ્લેક, વન ફાઈન ડે, ધ ટેકિંગ ઓફ ફેલ્હેમ 123, સુપરમેન, ધ મિડનાઈટ રનમાં જોયું હશે. સ્ટેશન તો એટલું મોટું કે તે આજુ બાજુના લગભગ ચાર પાંચ બિલ્ડીંગોનાં પાર્કીન્ગોમાં થી પણ ત્યાં જઇ શકો. આ ટર્મિનલ પર કુલ 100 કરતા પણ વધુ ટ્રેકો છે અને અહિયાં આગળ ટર્મિનલ પર જ બહુ પ્રખ્યાત એપ્પલ સ્ટોર પણ છે. આ ટર્મિનલ એક માનવ નિર્મિત અજાયબી જ છે !!

*ટર્મિનલથી હું તો ફરીથી ટ્રેન પકડી ટાઈમ્સ સ્ક્વેર ચાલ્યો ગયો. ટાઈમ્સ સ્ક્વેર પર પહોંચ્યો ત્યારે હજુ બપોર જ હતી તેમ છતાં ત્યાં આગળ નિયોન લાઈટો અને મોટી સ્ક્રીનો નો પ્રકાશ ખુબ જ તેજ હતો. ત્યાં આગળ જ્યાં દર વર્ષે જે બોલ ડ્રોપ થાય છે તે પગથીયા પર બેસી ઘણો સમય પસાર કર્યો અને દેશ વિદેશથી આવતા જતા ટોળાઓને નિહાળ્યા, તો ખબર પડી કે બાજુમાં એક મોટી સ્ક્રીનની નીચે એક કેમેરા લગાવ્યો હતો જે આવતા જતા લોકોને કેદ કરે અને સ્ક્રીન પર લાઇવ ફીડ પ્રસારિત કરે એટલે બધા જ લોકો ત્યાં ટોળું જમાવીને ઉભા રહી જાય. દુનિયાની સૌથી વ્યસ્ત જગ્યોમાની એકમાં 3 માળ ની આકારની સ્ક્રીન પર જ્યારે તમે આવી શકતા હોવ ત્યારે એવા મોકા મુકાય? એટલે હું તો જઇ ને ગોઠવાય ગયો કેમેરાની સામે અને થોડી જ વારમાં આપણે પણ એજ સ્ક્રીન પર !!! બહુ મજા આવી !!

*અને પછી મેં મેસીઝ (macy’s) સ્ટોર જે હેરાલ્ડ સ્ક્વેર પર સ્થિત છે ત્યાં જવાનું નક્કી કર્યું. આ સ્ટોર 1924 થી 2009 સુધી દુનિયાનો સૌથી મોટો સ્ટોર હતો અને આજે પણ તે સ્ટોર ની બહાર મોટા હોર્ડિંગ પર લખેલ છે “The World’s largest store”. ત્યાં જવા માટે ટાઇમ્સ સ્ક્વેરથી હું 7th એવન્યુ પર જ 44th સ્ટ્રીટથી 34th પર ચાલવા માંડ્યો, રસ્તો સહજે લાંબો હતો અને હું પણ ફરીને જતો હતો કારણ કે આ એવન્યુ ને ફેશન એવન્યુ પણ કહે છે 😛 . મેસીઝ પહોંચીને તો પહેલા વહેલા તો વિશ્વ પ્રખ્યાત કંપની બેન એન્ડ જેર્રીનો સરસ મજાનો આઈસ ક્રીમ ખાધો. મેસીઝ જ એક એવો સ્ટોર છે જે બે એવન્યુ અને બે સ્ટ્રીટ વચ્ચે આખી ને આખી જગ્યા માં પથરાયેલો છે અને આંઠ માળનું બિલ્ડીંગ છે.

*મેસીઝ્માં તમને મોંઘામાં મોંઘા મોજા, હેર પીનો, કપડા, પરફ્યુમ, જોડાઓ, ઘડિયાળો મળી જશે. જો તમારી પાસે પૂરતા પૈસા ઉર્ફે ડોલર હોય અને પુષ્કળ સમય હોય તો જ તમારે આ સ્ટોરમાં પગ મુકવાનો. અહિયાં આગળ જ મેં આંઠ થી દસ હજાર ડોલરનાં સૂટ પણ જોયેલા. આ બિલ્ડીંગમાં વર્ષો જૂની લાકડાની એસ્કેલેટરો છે તમે એક દિવસમાં આ સ્ટોરનાં બધા જ વિભાગો ક્યારેય નહિ જોઈ શકો. ગ્રાઉન્ડ ફ્લોર પર એક સેલ લાગેલ જેમાં થોડા સસ્તા શર્ટ દેખાતા હતા એટલે હું તો ત્યાં પહોંચી ગયો. અને તમને જો અહિયાં કોઈ પાંચ વર્ષનું નાનું બાળક જોર જોર થી કહેતું મળે કે “મમ્મી ચલ, ખરીદી નથી કરવી ભૂખ લાગી છે” તો નવાઇ નહિ પામતા કારણ કે ગુજરાતીયો તમને દુનિયાના કોઈ પણ છેડે મળી જશે જેમ કે મને અહિયાં આગળ. મારા કુકર્મે મને જે કપડા ગમ્યા તે કાં તો મારા માપનાં ન હતા અથવા મારા બજેટમાં ન હતા 😀 એટલે મેસીઝ થી આપણી ખરીદી કરવાનું સપનું જ રહી ગયું (વાંધો નહિ પછી ક્યારેક 😉 ) .

*મેસીઝથી માંડ માંડ બહાર નીકળ્યો ત્યારે સુરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો અને બરોબર મારી સામે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની લાઇટો ચાલુ થય રહી હતી, સહેજ આગળ ગયો તો હેરાલ્ડ સ્ક્વેર પર “વિક્ટોરિયાઝ સિક્રેટ”નો નવો સ્ટોર ખુલવાનો હતો તેના મોટા મોટા પોસ્ટરો અને જાહેરાતો નિહાળવા માંડ્યો 😀 એક એકરાર : વિક્ટોરિયાઝ સિક્રેટનાં સ્ટોર કરતા તેની જાહેરાતો અને પોસ્ટરો જોવાની વધારે મજા આવે 😀 (જો તમને વિક્ટોરિયાઝ સિક્રેટ શું છે તે નથી ખબર તો મહેરબાની કરી ટીવી ચાલુ કરી પોગો જોવા લાગો 😛 ), આશા કરું છે કે તે સ્ટોર હવે ખુલી ગયો હશે.

*મારી ન્યુ યોર્ક શહેરની છેલી રાત ઢળી રહી હતી અને તે જોગાનું જોગ રવિવાર હતો. શું કરવું એનો તો કોઈ પ્રશ્ન જ ન હતો, શું ન કરવું એ પ્રશ્ન હતો. પણ હું ઘરે થી જ એક એક દિવસનો પ્લાન અને કઈ કઈ રેસ્ટ્રો કે બારમાં જવું તે નક્કી કરીને આવેલો, એક સરસ મજાનું ગુગલ ડોક્સ પર યેલ્પ ની મદદથી એક લીસ્ટ પણ તૈયાર કરેલ જેમાં જોવા લાયક ખાવા પીવાની જગ્યાની માહિતી અને પાકું સરનામું લખેલ.

*એ જ યાદીમાં એક જગ્યા નક્કી કરેલ વી યુ રૂફટોપ બાર જે બરોબર એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની પાછળ 32 સ્ટ્રીટ વેસ્ટ પર સ્થિત છે એ બાર એક હોટલની છત પર ખુલ્લા માં છે અને ઈન્ટરનેટ પર ફોટાઓ અને યેલ્પ પર રીવ્યુ વાંચ્યા બાદ ત્યાં જવાનું નક્કી કર્યું હતું. 14th માં માળે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની નીચે અને ખુલ્લા માં તેના જેવી જગ્યા કદાચ આખા મેન્હેટ્ટનમાં ક્યાંય નહિ હોય. ઇએસબી નો ખુબ જ અદ્ભુત નજરો ત્યાંથી જોવા મળે. પર્યટકોને આ જગ્યા વિષે ખબર ન હોવાથી ભીડ ભાળ ન હોય ખાલી ત્યાંના લોકલ માણસો કે ન્યુ યોર્કર જ ત્યાં મોટે ભાગે આવે. જેટલું નાનું અને સુંદર તે બાર એટલી જ સુંદર, દેખાવડી, હોટ, બ્લોન્ડ ત્યાંની બારટેન્ડરેસ !!! 😉

*બારટેન્ડરેસ મને જોઈ અચરજ પામી કારણ કે તેને તરત જ ખબર પડી ગઈ કે હું તો વિદેશી પર્યટક છું અને તેને પૂછ્યું કે તને આ જગ્યા વિષે કઈ રીતે ખબર પડી તો મેં જ્યારે કહ્યું કે યેલ્પ પર વાંચી અને ગુગલ મેપ્સ વડે જગ્યા શોધીને છેટ ભારતથી આવ્યો છું તો તે માની જ નહોતી શક્તિ, થોડી ઘણી વાત ચિતો થયા બાદ તેને કહ્યું કે હું વિકિપીડિયાની એક પરિષદ માટે આવ્યો છું અને રખડવાનો શોખીન છું. ત્યાર બાદ તો એક બીયર, ક્લાસિક માર્ગરીટા (મેક્સિકન કોકટેલ) અને ઓન ધ રૂફ (કોકટેલ) પીધું. પીવા કરતા તે માહોલ જે હતો એ અદ્ભુત હતો રાત્રીના ખુલ્લા બાર થી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગનો સીધો નજરો અને ભયંકર ગરમ દિવસ બાદ વહેતો ઠંડો પવન અને સાથે ઠંડા કોકટેલ અને લાઈવ જેઝ. જેઝમાં કશુંય ખબર ન પડે પણ મ્યુઝીક સારું હતું અને ગમે એવું હતું. મિત્રોની યાદ પણ બહુ આવી, ત્યાંના લોકલ માણસો ઘણા ફ્રેન્ડલી હતાં, કોઈ ઓળખીતું ન હતું તેમ છતાય વાતો કરવાની ખુબ મજા આવી. બે કલાક તો બારટેન્ડરેસ સાથે વાત કરતા કરતા અને જેઝ સાંભળતા ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી, પછી જેમ તેમ ચાલી કરીને નજીકના સ્ટેશનથી હોસ્ટલ તરફ ચાલ્યો ગયો અને હોસ્ટલ ની બાજુના મેકડોનાલ્ડ્સમાં જઇ ડીનર આરોગ્યું.

*ન્યુ યોર્ક શહેરની પાંચ રાતો તો હું મારી આખી જીન્દગી ન ભૂલી શકું, આટલું ફર્યા બાદ પણ મને હજુય એમ લાગે છે કે મેં કઈ જોયું જ નથી. એ શહેર ખરેખર એક સ્વપ્ન નગરી જ છે. હું લંડન, પેરીસ કે ટોક્યો હજી નથી ગયો પણ તેમ છતાંય હું ખાત્રી આપીને કહી શકું કે ન્યુ યોર્ક શહેર જેવું દુનિયામાં બીજું કોઈ શહેર નથી. ન્યુ યોર્ક શહેર ખુબ ઓછા પૈસામાં પણ એકદમ સારી રીતે ફરી શકાય, જો તમે ગમ્મે ત્યારે ત્યાં જવાના હોવ તો એક વખત મારી સાથે વાત કરજો (I can help you out).

ન્યુ યોર્ક દિવસ 5

ન્યુ યોર્ક દિવસ 4

*ઘણાં સમયથી બાકી રહી ગયેલું કામ ફરી ચાલુ કરું છું 😀

*તારીખ 7 જુલાયનાં રોજ વિકીમેનીયા માટે વહેલા આવેલા લોકો વીકી વર્લ્ડ ફેર જે ગવર્નર ટાપુ પર યોજવાનું હતું તેમાં ભાગ લેવાના હતા. વીકી વર્લ્ડ ફેર ફરી કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે અને ગવર્નર આઇલેન્ડ દક્ષીણ મેન્હેટ્ટનથી બોટમાં જવાય છે.

*સાત જુલાય શનિવાર હોવાથી ન્યુ યોર્ક શહેરમાં પ્રખ્યાત ફલી માર્કેટ ઠેર ઠેર ભરાય છે, મારે હેલ્સ કિચન ફલી માર્કેટની મુલાકાત લેવી હતી. કોઈ શહેર જાણવું કરવું હોય, ત્યાંના લોકોને ઓળખવા હોય તો તે શહેરની લોકલ માર્કેટમાં અચૂક જવું !! ન્યુ યોર્ક શહેરની બજારો ખુબ જ ફેન્સી થઇ ગઇ છે, લગભગ બધી જ વસ્તુઓ ખુબ જ મોંઘી હોય છે એટલે જો તમે ન્યુ યોર્ક શહેરની મુલાકાત લેવાના હોવ તો ફલી માર્કેટ જરૂરથી માણવી.

*હોસ્ટલથી હેલ્સ કિચન જવા સવારે મેં 103 સ્ટ્રીટ પરનાં સ્ટેશનથી ડાઉનટાઉન તરફ 1 નંબરની ટ્રેન પકડી ટાઈમ્સ સ્ક્વેર પર ઉતરી ગયો, ટાઈમ્સ સ્ક્વેર પર સવારનો અને રાતનો માહોલ ખુબ જ અલગ હોય છે, સવારે ત્યાંથી ઓફીસ જનારા લોકોની ખુબ ભીડ હોય છે અને ટાઈમ્સ સ્ક્વેરની આજુ બાજુમાંજ લગભગ ચારથી પાંચ સ્ટારબક્સ છે જ્યાં ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. ટાઈમ્સ સ્ક્વેરથી હેલ્સ કિચન જવા મેં ગારમેન્ટ ડીસટ્રીકટમાં થી પસાર થવાય તેવો રસ્તો શોધ્યો.

*ગારમેન્ટ ડીસટ્રીકટ એટલે ન્યુ યોર્ક શહેરનાં મેન્હેટ્ટનમાં આવેલું એક પરુ કે જ્યાં કાપડ અને ફેશન ને લગતી વળગતી મોટી મોટી દુકાનો અને ઓફિસો છે, કેલ્વીન કલાઈન, નિકોલ મીલ્લ્ર, ડોના કેરેન જેવા ડીઝાયનરોની ઓફીસ ગારમેન્ટ ડીસટ્રીકટમાં સ્થિત છે. ગારમેન્ટ ડીસટ્રીકટ 5th એવેન્યુ થી 9th એવેન્યુ અને 34th સ્ટ્રીટ થી 42nd સ્ટ્રીટ પર ફેલાયેલ છે. ગારમેન્ટ ડીસટ્રીકટમાં લટાર મારતા હોઈએ ત્યારે તમને સુરતના બોમ્બે માર્કેટ અને ટેક્સટાઈલ માર્કેટ અને રઘુવંશી માર્કેટ જેવો એહસાસ આવે. રંગ રંગના કાપડ અને દોરાના મોટા મોટા તાકાઓ બહુ મોટી સંખ્યામાં જોવા મળે.

*હેલ્સ કિચન ફલી માર્કેટ ધાર્યા કરતાં થોડું નાનું હતું અને લોકો પણ ઓછાં હતા, પણ ઘણું સારું માર્કેટ હતું. ફલી માર્કેટ હોવાને કારણે મને એક વસ્તુનો તો અંદાજો હતો કે ત્યાં પૂરે પૂરું બાર્ગેનિંગ એટલે કે ભાવ તોલ થાય છે, હું હજી તેમાં કાચો પડું અને હતો પણ એકલો એટલે કઈ વધારે ખરીદી નહોતી કરવી. તેમ છતાય કબેલાના ઈટાલીયન લેધરના મારા માટે શુઝ લીધા અને મમ્મી અને બહેન માટે નાની મોટી વસ્તુઓ લીધી, ભાવ તોલ પણ કરાવ્યો 😀 એ માર્કેટમાં છોકરીયો માટે ખુબ બધી વસ્તુઓ મળે પણ આપણે કોની માટે લેવું? 😛 વિચાર આવ્યો કે મારી મમ્મી કે બહેન જો સાથે હોત તો કદાચ આખો દિવસ ત્યાં માર્કેટમાં જ પસાર કરી નાખે !!! ફરી ગારમેન્ટ ડીસટ્રીકટમાં પસાર થઈ, ટાઈમ્સ સ્ક્વેર પરથી સાઉથ ફેર્રી જવા ટ્રેન પકડી.

*સાઉથ ફેર્રી એ દક્ષીણ મેન્હેટ્ટન પર સૌથી નીચે નદી કિનારે સ્થિત છે, જો તમારે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી જવું હોય તો અહિયાંથી બોટ મળે. મારે તો સ્ટેટન આઈલેન્ડ નહિ પણ ગવર્નર આઈલેન્ડ જવું હતું એટલે બેટરી મેરીટાઇમ બિલ્ડીંગથી બોટમાં જવું પડે અને ગવર્નર આઈલેન્ડ જવા બોટ સેવા તદન મફત !!! બોટમાં લગભગ 10 મિનીટ લાગે બીજા કિનારે જતા અને દક્ષીણ મેન્હેટ્ટનની સ્કાયલાઇન, મેન્હેટ્ટન બ્રીજ, બ્રુકલીન બ્રીજનો અદ્ભુત નજરો જોવા મળે !!

*ગવર્નર આઈલેન્ડ પર કોઈ વાહનો ન હતા, બેગમાં વજન પણ ખુબ હતું અને ખુબ ગરમી હોવાથી અને ઘણું ચાલવાથી પરસેવાથી નીત્રી રહ્યો હતો છતા બીજા વિકિપીડિયનોને મળવાનો ઉત્સાહ ખુબ હતો. અહિયાં આગળ મેં પહેલી વાર ન્યુ યોર્ક સ્ટાઈલ પિઝ્ઝા ખાધા જે માત્ર ટમેટો સોસ અને મોઝરેલ્લા ચીઝના બનેલા હોય અને હા સાથે કોક તો હોય હોય ને હોય જ !!! આ પિઝ્ઝા બહુ જ મોટા હોય અને સમૂહમાં ખાવા માટે જ બનતા હોય છે !! ત્યાંથી બધાજ લોકો મેન્હેટ્ટન તરફ પરત વળ્યા અને દક્ષીણ મેન્હેટ્ટન કે ફાય્નેન્સ ડીસ્ટ્રીકટ ફરવાનું નક્કી કર્યું.

*બેટરી પાર્કથી અમે બધા ફાય્નેન્સ ડીસ્ટ્રીકટ ગયા જ્યાં આગળ વોલ સ્ટ્રીટ પર ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ, નેસ્ડેક, ડોયચે બેન્ક જેવી અધ્યતન બિલ્ડીંગો જોઈ. અત્યારે વોલ સ્ટ્રીટ પર કોઈ પણ પ્રકારના વાહનો નથી જવા દેતા અને પોલીસ સુરક્ષા પણ ખુબ જ કડક છે. અને હા પેલો વિશ્વ પ્રખ્યાત આખલો પણ જોયો !!!

*પછી બધા જ લોકો વિશ્વ (કુ)પ્રખ્યાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરીયલ જોવા ગયા, ત્યાં આગળ અત્યારે ગગનચુમ્બીય વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર લગભગ બની જ ગયું છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જોઇને મને તો યુએસ પર બહુ જ ગુસ્સો આવે, તેઓની નીતિઓ ને કારણે જ હજારો નિર્દોષ લોકો મર્યા છે અને હું તો આજે પણ પેલી કોન્સ્પીરસી થીયરીમાં માનું છું કે જે કહે છે કે 9/11 એ યુ એસ નો જ પ્લાન હતો. ત્યાંથી બધા લોકો ન્યુ યોર્ક શહેરમાં સ્થિત બધીજ મોટી ન્યાયાલયો ની મુલાકાત લીધી તે જગ્યા વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી ખુબ જ નજીક છે.

*ત્યાર બાદ સૌએ ચાયનાટાઉનની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ચાયનાટાઉન એટલે કે જ્યાં આગળ બધા ચાયનીઝો ભેગા થઈ રહે અને ધંધો કરે તે વિસ્તારનું નામ ચાયનાટાઉન થઈ જાય અને એમાંય ન્યુ યોર્ક શહેરનું ચાયનાટાઉન તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અંદર ઘૂસો તો ભૂલી જ જવાય કે તમે યુ એસ માં છો, બધું જ ચાયનીઝ, લોકો થી માંડી ને ઘર, મકાનો, રેસ્ટ્રો, ગાડીઓ, છોકરીયો 😀 કોઈ પણ દુકાનમાં એક રોલેકસ માગો તો ઢગલો આગળ કરે.

*બધા જ મહેમાનોએ ચાયનીઝ ખાવાનું નક્કી કર્યું એટલે એક રેસ્ટ્રોમાં ઘુસ્યા. ચાયનીઝ ફૂડ ખુબ જ સસ્તું હોય છે અને એટલું જ ગોબરું દેખાય !! અને એ કોઈ ભારતની ચાયનીઝ રેસ્ટ્રો થોડી કે તમને ગોબી મંચુરિયન પણ આપે? એ તો પરમ્પરાગત ચાયનીઝ રેસ્ટ્રો જ્યાં તમને કદાચ જે પ્રકારનું માસ જોઈતું હોય તે મળી આવે રેસ્ટ્રોની હાલત જોઇને આપણી તો કઈ ખાવાની ઈચ્છા નહોતી થતી પણ જ્યારે વીસ લોકો સાથે હોય ત્યારે ચુપ ચાપ મોઢું બંધ રાખી બેસવું પડે. ન્યુ યોર્કનો મારો મિત્ર લેનને ખબર કે હું શાકાહારી અને મારા ચહેરાના ચિત્ર વિચિત્ર હાવ ભાવ જોઈ તે સમજી ગયો કે અહિયાં આને મજા નહિ આવે એટલે કોઈનું ધ્યાન ન પડે એમ અમે છટકવાની કોશિશ કરી તો અમારી સાથે યુરોપના બીજા પાંચ મહેમાનો પણ ઉભા થય ગયા 😀 \m/

*અને એ રીતે અમે બહારવટિયાઓએ નક્કી કર્યું કે લીટલ ઇટલી જઈએ. જે શહેરનાં વિસ્તારમાં ઈટાલીયનો વસે એને લીટલ ઇટલી કહેવાય, અને જો તમે લોકો એ મારિયો પુઝો અને ગોડફાધર વિષે જાણતા હોવ તો તમારે જિંદગીમાં એક વખત તો ન્યુ યોર્ક શહેરના લીટલ ઈટલીમાં જરૂર થી જરૂર આવવું. ચાયનાટાઉન અત્યારે લીટલ ઇટલી પર ધીરે ધીરે કબજો કરી રહ્યા છે એટલે તે દિવસે ને દિવસે નાનું થતું જાય છે. લીટલ ઇટલીમાં પણ તમે રખડતા હોવ તો તમને ઇટલી જ અનુભવાય ઘણા બધા નાનાં નાનાં રેસ્ટ્રો અને કેફે પણ છે, અમે લોકો એવા જ એક રેસ્ટ્રોમાં ઘુસ્યા અને બૃશેતા, કેલ્ઝોન, રેવીયોલી અને તીરામીસું આરોગ્યું. રેસ્ટ્રો થોડું મોંઘુ હતું આશ્રેય $28 બીલ આવ્યું (ટીપ સાથે) પણ જમવાની ખુબ જ મજા આવી, પછી લીટલ ઇટલીમાં જીલાટો ખાધાં વગર જવાય 😛 ? એટલે પરંપરાગત પીસ્તા જીલાટો પણ ખાધું.

*કહેવાય છે કે ન્યુ યોર્ક શહેર એ થીયેટર પ્રેમીઓ માટે જન્નત છે અને શહેરમાં અસંખ્ય થીયેટરો પણ છે. ભોજન બાદ ઘણા મહેમાનો એક પ્લે જોવા જવાના હતા પણ મને કોઈ પ્લે કે થીયેટરમાં બહુ રસ ન હોવાથી જવાનું ટાળ્યુ. અને નક્કી કર્યું હતું કે રોકફેલ્લર સેન્ટરની ટોચ પર આવેલ ઓબ્ઝર્વેશન ડેક ની મુલાકાત રાતનાં સમયે લઈશ. રોકફેલ્લર સેન્ટર એટલે એ જ કે જ્યાં આગળ નાતાલ વખતે ક્રિસમસ ટ્રી મુકવાની વિધિ અને તેને લાઈટોથી ઉજ્વલિત કરવાની વિધિ એ યુ એસ માટે એક રાષ્ટ્રીય તહેવારની જેમ મનાવાય છે.

*રોકફેલ્લર સેન્ટરના એંસી માં માળે સ્થિત ઓબ્ઝર્વેશન ડેક કે ટોપ ઓફ ધ રોકની મુલાકાત સહેજ મોંઘી પડે, તેની ટીકીટ $25માં ખરીદવી પડે, પૈસા કરતા તે ટીકીટ મેળવવી અઘરી છે, બહુ ભીડ હોય એટલે લાઇનમાં ખુબ રાહ જોવી પડે. અને 80 માં માળે થી રાત્રીના સમયે ન્યુ યોર્ક શહેર જોવાની મજા જ અલગ છે !!! સઘન સિક્યોરીટી ચેકિંગ બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવે. ત્રીજા માળે થી લીફ્ટ તમને ઉપર લઇ જાય. મને યાદ છે ત્યાં સુધી એ બિલ્ડીંગમાં ઓછામાં ઓછી 30-35 લીફ્ટો હતી. એક લીફ્ટમાં વીસ લોકો આવે અને ત્રીજા માળે થી ઉપડતી લીફ્ટ સીધી જ 79 માં માળે જાય લીફ્ટમાં અંદર નીચે અને ઉપર ની સર્ફેસ કાંચની હોય અને સ્ક્રીન હોય જેમાં એક 25-30 સેકેંડની ફીલમ બતાવે. તમને પ્રશ્ન થશે 25 સેકેંડ જ કેમ? કારણ કે ત્રીજા માળે થી ટોંચ પર પહોંચતા ખાલી ત્રીસ સેકેંડ લાગે 😛 આટલી ઝડપી લીફ્ટ તો મેં હજી સુધી ક્યાંય નહોતી જોઈ.

*ઓબ્ઝર્વેશન ડેક એટલે કે એકદમ વિશાળ અગાસી અને રાતનાં સમયે તો દુર દુર તમારી નજર જાય ત્યાં સુધી લાઈટો જ લાઈટો દેખાય, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ક્રાયસ્લર બિલ્ડીંગ, જી ઈ બિલ્ડીંગ જેવા મોટા મોટા બિલ્ડીગોના સરસ નાજારાઓ જોવા મળે, જો તમારે સેન્ટ્રલ પાર્ક અને મેન્હેટ્ટન જોવું હોય તો દિવસનાં સમયે જવું રાતના બહુ ચોખું ન દેખાય, પણ હું તો માત્ર ને માત્ર લાઇટો જોવા ગયેલો. એંસીમાં માળે ભીડ ભાળ વચે હું એકલો આંટા મારી રહ્યો હતો ત્યારે ઘરનાઓની અને નજીકના મિત્રોની ખુબ જ યાદ આવે, સાથે કોઈ વાત કરવા માટે પણ ન હતું, એકાદ બે કલાક આંટા મારી હું તો નીકળી ગયો પણ તે ટોંચ પર રહેવાનો અનુભવ ખુબ જ અનોખો હતો !!!

ન્યુ યોર્ક દિવસ 4

ન્યુ યોર્ક 3

*તા 6 જુલાય 2012 નાં રોજ વિકીમેનીયા ટેક્સ મેન્હેટ્ટન માટે આવેલ મહેમાનો માટે વિકિમીડિયા ન્યુ યોર્ક ચેપ્ટરે મેન્હેટ્ટનનાં થોડા સંગ્રહાલયો સાથે વાત કરી અમારી ગાઈડેડ ટુર આયોજિત કરેલ, સવારના સમયે બધા મહેમાનોએ અમેરિકન મ્યુઝ્યમ ઓફ નેચરલ હિસ્ટ્રી પર મળવાનું નક્કી કરેલ. આ મ્યુઝ્યમ 81 સ્ટ્રીટ વેસ્ટ પર આવેલ છે, હોસ્ટલ થી ચાલીને પણ જય શકાય, મારી સાથે ઓસ્ટ્રેલીયાનાં બે મિત્ર જો ફોકસ, સ્ટીવન ઝેન્ગ કોલમ્બિયા નો મિત્ર ઓસ્કાર અને હજુય કોઈક યુરોપીય પ્રદેશ ના લોકો સબવે દ્વારા આવ્યા, બરોબર મ્યુઝ્યમની સામેજ સબવે સ્ટેશન, રસ્તો ટપીને જાઉ એટલે સીધા મ્યુઝ્યમના દ્વારે.

*અમેરિકન મ્યુઝ્યમ ઓફ નેચરલ હિસ્ટ્રીની વાત કરું તો આ એજ મ્યુઝ્યમ છે જેમાં સુપ્રસિધ અંગ્રેજી ધારાવાહિક ફ્રેન્ડસનું પાત્ર રોસ ગેલર કામ કરે છે, હાઉ આઈ મેટ યોર મધરનો નેચરલ હિસ્ટ્રી નામક એપિસોડ પણ અહીંજ બનાવવામાં આવ્યો છે. સંગ્રહાલય પાસે આશરે 3 કરોડ 20 લાખ વસ્તુઓ છે અને એક વર્ષમાં લગભગ પચાસ લાખ લોકો તેની મુલાકાત લે છે. મ્યુઝ્યમમાં હોલ ઓફ મીટ્યોરાઇટ્સ, હોલ ઓફ ઓશિયન લાઈફ, ફોસ્સિલ હોલ અને તરગ્ર્હ જોવા લાયક જગ્યાઓ છે. મ્યુઝ્યામ્માં ક્યાંય ફોટા પડવાની મનાઈ નહિ, જ્યાં જેટલા ફોટાઓ પાડવા હોય તેની છુટ !!!

*તારાગૃહ ખુબજ મોટી અને વિશાળ જગ્યામાં પાથરેલું, આખા બ્રહ્માંડ ની માહિતી કદાચ ત્યાંથી મળી જાય. બીગ બેંગ, મીલ્કીવે અને સૌર મંડળ વિષે ખુબજ ઊંડાણમાં ત્યાં અભ્યાસ કરવા મળે, લાઈટો અને સરસ મજાના ઓડિયો સીસ્ટમ વડે માહિતીઓ પણ ખુબજ મળે. તારાગૃહ બાદ અમે લોકો હોલ ઓફ મિત્યોરાઈટ કે ઉલ્કાઓના વિભાગમાં ગયા, ઉલ્કાઓ, જુના (3 કરોડ વર્ષ) જાળ, પથરો, લાવા આઇસ્લેન્ડમાં ત્રણ હજાર મીટર ઊંડે થી ખોદેલો બરફ જોઈ આપણી તો આંખો ચકચકિત થય ગયેલી !!!

*મ્યુઝ્યમનું સૌથી લોકપ્રિય એક્ઝીબીશન જેને કહી શકાય તે જર્ની ટુ ધ સ્ટાર્સ છે, અડધી કલાકનો શો કે 3 ડી મુવી જેના માટે તમારે $24 દેવા પડે અને અમારે… થેન્ક્સ ટુ વિકીમીડ્યા ન્યુ યોર્ક 😀 એક બહુ જ વિશાળ ગોળ આકારનો હોલ, જેની અંદર લગભગ 200 માણસ બેસી શકે, તમારી સીટ સેમી સ્લીપર જેવી હોય આડા પડીને ઉપરની બાજુ જુઓ તો ગોળ ગુંબજ આકાર ની જીંદગીમાં કોઈ દિવસ ન જોઈ હોય તેટલી મોટી સ્ક્રીન !!! અને એ પણ 3 ડી, અને એ પણ ચશ્માં પહેર્યા વગર !!! શો ચાલુ થતા પહેલા બધાએ ફોન અને કેમેરા બંધ કરી દેવાના અને એકદમ અંધારું થયા બાદ જ શો ચાલુ થાય। સૂર્ય કઈ રીતે બન્યું અને તારાઓ નો જન્મ અને વિનાશ કઈ રીતે થાય તેના પરનું આ ચલચિત્ર, બાળકો હોય કે મોટાઓ જેને વિજ્ઞાનમાં થોડો ઘણો પણ રસ હોય તો તેઓએ જિંદગીમાં એક વખત તો અહિયાં જરૂર થી જરૂર આવવાનું, મુવી નું નિર્માણ નાસા અને ટેક્સાસ વિશ્વાવીધ્યાલાયે કર્યું છે। શો ચાલુ થયાના 2 મિનીટ બાદ તો તમે કદાચ ભૂલીજ જાવ કે પૃથ્વી પર છો કે બ્રહ્માંડ માં સૌર મંડળમાં ઉડી રહ્યા છો, કદાચ આનાથી સારું 3 ડી મુવી મેં ક્યાંય નથી જોયુ. શો જોય બાદ અમે લોકો ફોસ્સિલ કે જીવાવ્શેશ હોલ જોયા, બહુમાળીય આકાર ના ડાયનાસોર અને ટી રેક્સનાં હાડ પીન્જરો જોવાની મજા આવી.

*ન્યુ યોર્ક શહેર આવો અને બર્ગર ખાધા વગર રહેવાય? બપોરના ભોજન માટે અમે બધા મ્યુઝ્યમ ની બહાર શેક ષેક રેસ્ટ્રો જે બર્ગર માટે પ્રખ્યાત છે ત્યાં ગયા. આપણે તો રહ્યા શુદ્ધ શાકાહારી એટલે (મ)શરૂમ બર્ગર, ચીઝ ફ્રાય અને ચોકલેટ શેક મગાવ્યા. ચીઝ ફ્રાય ખુબજ સ્વાદિષ્ટ હતા, અલગ અલગ આકારમાં બટેટા ની ચિપ્સ તળી તેમાં ઓગળેલ ચીઝ નાખી આપે, એકદમ ટીપીકલ અમેરિકન અનહેલ્ધી ફૂડ 😀 !!!

*ભોજન આરોગી અમે બધા સેન્ટ્રલ પાર્ક તરફ ચાલતા ગયા, અમારે મેટ્રોપોલીટીયન મ્યુઝ્ય્મ ઓફ આર્ટ જવાનું હતું જે અપ્પર વેસ્ટ સાઇડ પર આવેલ છે, ત્યાં જવા માટે અમે લોકોએ સેન્ટ્રલ પાર્ક ક્રોસ કરી ચાલીને જવાનું નક્કી કર્યું. સેન્ટ્રલ પાર્કમાં અમે પશ્ચિમ બાજુ થી અંદર ગયા અને નાની નાની પગદંડી પર ચાલી ચાલી પૂર્વ બાજુ જવા લાગ્યા, કોઈ પાસે નકશાઓ ન હતા, અને નાના નાના સમૂહમાં બધા વહેંચાય ગયેલા, જેમ તેમ કરી સેન્ટ્રલ પાર્કમાં ભટકી કોઈ તળાવ પાસે પોન્ચ્યા તો બેકગ્રાઉન્ડમાં બહુ પ્રખ્યાત સેન રીમો અપાર્ટમેન્ટ આવે તેવા ફોટા પડાવ્યા. તે બિલ્ડીંગમાં સ્ટીવ જોબ્સનો એક ફ્લેટ હતો, અને બ્રુસ વિલ્લીસ, સ્ટીવન સ્પીલબર્ગ, ડેમી મુર, બોનો, ડસટીન હોફમેન પણ ત્યાં રહે છે અથવા રહેતા. માંડ માંડ ખોવાતા ભટકતા અમે લોકો મેટ પહોંચ્યા.

*મેટ અથવા તો ધ મેટ્રોપોલીટીયન મ્યુઝ્યમ ઓફ આર્ટની વાત કરીએ તો એક લાખ નેવું હાજર ચોરસ મીટરમાં ફેલાયેલું અને ચારસો મીટરની લંબાઈ વાળું અદ્ભુત સંગ્રહાલય, મેટ પાસે એટલી વસ્તુઓ છે કે તે લોકોને જગ્યા ના અભાવે ઘણી બધી વસ્તુઓ દેખાડી પણ નથી સકતા. મેટ નો આગળનો ભાગ કે એન્ટ્રન્સ બહુ લોકપ્રિય જગ્યા છે, ઘણા ફિલ્મોમાં અને ધારાવાહિકોમાં અવાર નવાર દેખાડવામાં આવે છે. ખાસ કરીને ગોસીપ ગર્લમાં તે વારંવાર દેખાડવામાં આવે છે. મેટમાં અંદર જવા માટે ટીકીટ લેવી પડે, ટીકીટ લેવા જાવ ત્યારે તમને કહે કે $25 ની ટીકીટ છે, પણ તમારે તમારી મરજી હોય તેટલા ડોલર ચૂકવી શકો $1, $2, $5, $500 ગમે તેટલા. ટીકીટ લીધા બાદ અંદર ગયા તો આપણું મગજ કામ કરતુ બંધ થય ગયું, એટલી બધી ચીજ વસ્તુઓ કે તમે બધી વસ્તુઓ તો કદાચ છ મહીને પણ ન જોઈ શકો !! ત્યાં ઈજીપ્તથી આયાત કરેલ મમ્મીઓ, સેમ્યુલ કોલ્ટની રિવોલ્વર, ભારતીય બખ્તરો જોવાની ખુબ મજા આવી.

*મેટના છત પર એક સરસ મજાનું અત્યંત મોંઘુ કેફે છે. ત્યાં ખુલ્લામાં મેન્હેટ્ટનની સ્કાયલાઇનનો ક્યાંયે જોવા ન મળે તેવો નઝારો દેખાય છે, અપ્પર ઇસ્ટ સાઇડના શ્રીમંતો ના અપાર્ટમેન્ટ, દક્ષીણ મેન્હેટ્ટનનાં ગગનચુમ્બીય ઈમારતો, સેન્ટ્રલ પાર્ક, અપ્પર વેસ્ટ સાઇડ જોવાની ખુબ મજા આવે. ત્યાંના કેફેમાં કોરોના બીયરની એક પાઈન્ટ $9-$10 માં આપે 😮 અને ત્યાંના બારટેન્ડરો પણ બે કે ત્રણ ડોલર ટીપ ના નામે કાપી ને છુટ્ટા આપે !!! કોરોનામાં લીંબુ ની એક ચીર નાખીને આપે. નેવું ફેરનહાઈટની ગરમીમાં, ટોપ ઓફ ધ મેટ પર ઠંડી મજાની કોરોના વિથ લાઈમ મેન્હેટ્ટનની સ્કાયલાઇન સાંજ પડ્યે નિહાળતા નિહાળતા પીવાની મજા કૈંક અનોખીજ હોય છે. કહેવાય છે કે ટોપ ઓફ ધ મેટ એ ન્યુ યોર્ક શહેરનું પ્રખ્યાત પીક અપ સ્પોટ છે, પણ આપણા ભાગે તો કશુંય ન આવ્યું :D.

*ત્યાર બાદ ચાલીને બધા લેક્સિંગટન એવન્યુ પર 78 સ્ટ્રીટ પર પાસ્ત્રામી ક્વીન કોશેર રેસ્ટ્રોમાં ગયા, પાસ્ત્રામી એટલે બીફ કે ગાયનું માંસ, ઘણા દેશોમાં પાસ્ત્રામી પોર્ક તરીકે પણ અપાય છે, પણ અહિયાં તો તે ગાયનું માંસ જ આપતા હતા, બહુ સારા રેટિંગ વાડી અને કોશેર હોવાને કારણે બહુ પ્રખ્યાત જગ્યા હતી, આપણે તો કઈ ખાવું ન હતું એટલે સરસ મજાનું ઠંડુ પાણી પીને પેટ ભર્યુ.  જમી કરીને બધા છુટ્ટા પડ્યા અને હું તો ફરીથી ટાઈમ્સ સ્ક્વેર ચાલ્યો ગયો. ટાઈમ્સ સ્ક્વેર પરથી પાછો હોસ્ટલ ગયો રાતના મોડું થય ગયું હતું અને ભૂખ બહુ લાગી હતી. 103 સ્ટ્રીટ પર સ્ટેશન પાસે જ એક ઇન્ડિયન રેસ્ટ્રો હતી, ત્યાં ગયો તો સાલાએ મોઢું બગાડી વાત કરી અને કીધું કે રેસ્ટ્રો બંધ થય ગયું છે અને કઈ નહિ મળે, તેનું વર્તન જોઈ બહુ ગુસ્સો આવ્યો, પછી આગળ ના મેક ડોનાલ્ડ્સ પર જય ફ્રાય્ઝ ખાય અને કોક પીને પેટ ભર્યું. અમેરિકામાં મેક ડોનાલ્ડ્સ, સબવે, ટાકો બેલ જેવી ચૈનોમાં $1 માં અનલીમીટેડ ઠંડા પીણા મળે, તમારે ખાલી $1 આપવાનો તો તમને એક ગ્લાસ અપાશે, તમારે તમારી જાતે વેન્ડિંગ મશીન પર જય જેટલો બરફ જોઈતો હોય અને જે પીણું પીવું હોય તે લઇ લેવાનું !!!! મજા પડી ગય હતી !!!

ન્યુ યોર્ક 3

ન્યુ યોર્ક 2

*તા 5 જુલાય 2012 નાં રોજ વિકીમેનીયાની કોઈ પ્રવૃત્તિ નાં હોવાથી મારી પાસે આખો દીવાસ ફરી હતો. મારા હોસ્ટલ રૂમમાં 6 પલંગ હતા અને ખુબજ ચોખો રૂમ અને પલંગ દીઠ એક કબાટ હતો. હોસ્ટલ રૂમમાં આવવા જવા માટે બધાને પોતાના સ્માર્ટ કાર્ડ આપે, તેનાથી કોઈને પણ હેરાણ કર્યા વગર ગમે ત્યારે રૂમમાં આવ-જા કરી શકાય. એક માળ પર ન્હાવા માટે 2 બાથરૂમના હોલ હતા જેમાં નાના નાના શાવર ના ક્યુબીક્લ્સ લાગેલા હોય અને બારે એક બાસ્કેટમાં હોસ્ટલમાં રહેતા બધાજ પ્રવીસ્યો પોતાના શેમ્પુ અને સાબુ રાખે જેને બધાજ શેર કરી શકે, મારા ન્યુ યોર્કના 6 દિવસના રોકાણમાં લગભગ હું દરરોજ દેશ વિદેશના સાબુ શેમ્પુ થી ન્હાયો 😀 બહુ મજા આવી, અને હું પણ મારા ભારત થી લઇ ગયેલ સાબુ શેમ્પુ ત્યાં છોડતો આવ્યો.

*પાંચમી જુલાય નાં મેં પાંચમાં એવન્યુ પર જવાનું નક્કી કર્યું હતું. હોસ્ટલ 103 સ્ટ્રીટ અને એમ્સટર્ડેમ એવન્યુ પર હતી, 103 સ્ટ્રીટ પર 2 સ્ટેશનો હતા, એક સ્ટેશન બ્રોડવે પર હોસ્ટલથી 2 મિનીટ ચાલીને જવાય તેટલું દુર અને બીજું સેન્ટ્રલ પાર્ક વેસ્ટમાં હોસ્ટલથી 10 મિનીટ ચાલી ને જવાય તેટલું દુર. હોસ્ટલમાં નીચે એક સરસ મજાનું નાનકડું કેફેટેરીયા હતું, ત્યાંથી એક ચોકલેટ વેલ્વે નામક પેસ્ટ્રી લઇ હું તો સેન્ટ્રલ પાર્ક વેસ્ટ તરફ જવા ચાલ્યો. હોસ્ટલથી સ્ટેશનનો રસ્તો એક રહેવાસી વિસ્તારમાંથી પસાર થતો હતો, અને અપ્પર વેસ્ટ સાઇડ હોવાના કારણે ખુબજ પોષ કહી શકાય તેવા મકાનો હતા, ત્યાના અપાર્ટમેન્ટ અંગ્રેજી ફિલમો જેવાજ હતા, નીચે દરવાજા પાસે એક કોલિંગ બોર્ડ હોય અને ત્યાં ફ્લેટ દીઠ એક એક સ્વીચ લાગેલ હોય, તમારે જેના ઘરે જવું હોય તેને બેલ દબાવી ઇન્ટરકોમ દ્વારા વાત કરો એટલે તે વ્યક્તિ તેના ઘરમાં બેઠા બેઠા બિલ્ડીંગનો દરવાજો ખોલે.

*103 સ્ટ્રીટ સ્ટેશન પર જવા મારે લગભગ 2 એવન્યુ ક્રોસ કરવા પડે, વિસ્તાર શ્રીમંતોનો હોવાના કારણે તેમના ઘરની બહાર ડસ્ટબીનની આજુ બાજુ દુનિયાની દસમી અને અગ્યારમી અજાયબીઓ જોવા મળે, નવા નક્કોર ટી વી સેટ, સોફા, ફ્રીજ, કાંચના વાસણો, સૂટકેસો, કપડા લોન મોવર જેવી વસ્તુઓ જેનાથી તેઓ ત્રાસી ગયા હોય તે બીજા ને લઇ જવા માટે ત્યાં રાખી દેતા, અને ઘણા બધા ભારતીયો અને એશ્યનો રાત્રે આવે વિસ્તારોમાં જઈ આવી ચીજ વસ્તુઓ થી પોતાનું ઘર ભરી દે અથવા તો ઇન્ડિયા તેમના ભાઈ ભાન્ડ્રુઓ ને મોકલી આપે :D.

*ન્યુ યોર્ક સીટી નો નકશો કદાચ દુનીયામાં સૌથી સહેલો કહી શકાય, લાંબા લાંબા દેખાતા રસ્તાઓ ને એવેન્યુ અને આડા રસ્તાઓને સ્ટ્રીટ કહે છે, ન્યુ યોર્ક શહેર પાંચ વિભાગોમાં વેચાયેલ છે જેમકે બ્રોન્ક્સ, બ્રુકલીન, મેન્હેટ્ટન, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડ. મેન્હેટ્ટનની વચે એક સેન્ટ્રલ પાર્ક નામક અદ્ભુત માનવનિર્મિત કીચડ પર બનાવેલ 843 એકર નું ગાર્ડન છે, આખા શહેરને ઈસ્ટ, વેસ્ટ, અપટાઉન, ડોઉનટાઉન માં વહેંચી દીધું છે. મેંહેટ્ટનના નકશાઓ પર એક એક સ્ટ્રીટ અને ત્યાં આવેલા બધાજ મેટ્રો સ્ટેશનો ની માહિતી આપેલ હોય છે. અને ત્યાંના લોકો પણ ખુબ જ મદદનીશ હોય છે, કોઈને પણ ઉભા રાખી ને તમે તેમને રસ્તાઓ વિષે પૂછી શકો, તેઓ રાજી ખુશી થી તમારી મદદ કરશે. અમેરિકામાં લોકોને વાતાવરણ અને તાપમાનની ખુબજ ચિંતા, કોઈ પણ ઘરમાંથી દિવસનું તાપમાન જોયા વગર ન નીકળે, અને એમાય ગરમીમાં તો આખું ન્યુ યોર્ક શહેર મેટ્રોમાં તાપમાન પર જ વાત ચિત કરતા હોય, સ્વાભાવિક છે, મેં અમદાવાદ ની ગર્મી પણ માણી છે પણ ન્યુ યોર્કમાં તે વખતની ગર્મી તો કદાચ બધાને હંફાવી દે તેવી હતી, એર કંડીશન વગર તો સહેજ પણ ન રહી શકાય, બધી ટ્રેનો વાતાનુકુલિત પણ સ્ટેશનો ભૂગર્ભીય હોવાથી ખુબ જ ગરમ અને બફારો થાય તેવા.

*મારા મતે કોઈ પણ શહેર ફરવું હોય ત્યાંના રીતી રીવાજ જોવા હોય ત્યાંના લોકોને ઓળખવા હોય તો તે શહેરમાં ચાલીને અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવું,આનાથી તમે, લોકોને ખુબ જ નજીકથી નિહાળી શકો છો. મને તો એકલા ન્યુ યોર્ક શહેરમાં ચાલીને ફરવાની ખુબજ મજા આવી, ગમે ત્યાં મરજી પડે તેમ ગમે ત્યારે ચાલીને નીકળી જતો, અને પછી જ્યાં ભૂલો પડતો ત્યાં નકશો કાઢી જોઈ લેતો નજીકનું સ્ટેશન કઈ બાજુ. હું ફિફ્થ એવન્યુ, મેડીસન એવન્યુ, પાર્ક એવન્યુ અને લેક્સિંગટન એવન્યુ પર 50 સ્ટ્રીટ થી 60 સ્ટ્રીટ ચાલીને ફર્યો। મેડીસન અને પાર્ક એવન્યુ પરના ફેશન ડીઝાયનરોના મોંઘા મોંઘા શોરૂમો પણ જોયા.

*મેડીસન એવન્યુ પરના વિક્ટોરિયા સિક્રેટનાં શોરૂમ ની બાજુના લકોસ્ટેનાં શોરૂમમાં સેલ લાગેલ, પણ ખુબજ મોંઘા શર્ટ હતા, છતાય ખીસાં પર ઢીલ મૂકી એક સરસ મજાનું શર્ટ લીધું (ભાવ નહિ પૂછવા વિનંતી 😀 ). અને પછી હું પણ મારી જાતને એક ન્યુ યોર્કર અને ખાસ કરીને અપ્પર ઈસ્ટ સાઇડર માની શોપિંગ બેગ લઇ પાર્ક એવન્યુ પર આંટા મારવા લાગ્યો 😀 ત્યાં મારી નજર એક સોની ના બહુમાળીય મકાન પર પડી, તેમાં અંદર જતાજ વાતાનુકુલિત સ્ટારબક્સમાં ઘુસ્યો। અને આ મારું પહેલું સ્ટારબક્સ, અને ઈંગ્લીશ વિન્ગ્લીશના શ્રીદેવી જેવીજ મારી હાલત થય, બપોર નો લંચ ટાઇમ હતો, ખુબ જ ભીડ હતી લાઇનમાં ઘુસ્યો પણ શું લેવું તે ખબર નાં પડે, જેમ તેમ ફાં ફાં માર્યા અને ફોટો જોઈ શું મંગાવું તે નક્કી કર્યું, ઓર્ડર આપ્યો અને સરસ મજાનું સ્ટ્રોબેર્રી અને ક્રીમ નું પીણું આવ્યું, છુટ્ટા પૈસા લઇ બારે સોની ના ટેબલ પર જઈ બેસી ગયો. પછી ખબર પડી કે આ તો સોની કંપની નું સંગ્રહાલય છે જેને તેઓ સોની વન્ડર ટેકનોલોજી લેબ કહે છે, અને તરત જ મેં ટીકીટ માટે પૂછ પરછ કરી તો ખબર પડી કે એન્ટ્રી મફત છે પણ રીઝર્વેશન જરૂરી છે, તો મેં તરત જ મારો સ્લોટ બુક કર્યો અને 15-20 મીનીટમાં જ હું તેની અધ્યતન ટેકનોલજી લેબ ની અંદર. સોની ના ટેપ, ટેલીવિઝન, વોકમેન થી માંડી ને બધાજ ઉપકરણો નો ઈતિહાસ અને ઉપયોગ ખુબજ ઇન્ટરેક્ટીવ પદ્ધતિમાં સમજાવે અને બાળકોને તો બહુ મજા પડે, એક 3D મુવી પણ માણ્યું પણ ખાસ મજા ન આવી.

*પછી ચાલતા ચાલતા હું પહોંચ્યો 59 સ્ટ્રીટ અને ફિફ્થ એવન્યુ પર જેને એપ્પલ અને સ્ટીવ જોબ્સ પ્રેમિયો માટે મંદિર કહી શકાય તેવા ફિફ્થ એવન્યુ પરના એપ્પલ સ્ટોરમાં, તે સ્ટોર ની બરોબર સામે પુલિત્ઝર ફુવારો છે અને તેની સામે બહુ પ્રખ્યાત અને લોક પ્રિય હોટલ પ્લાઝા છે। આપણે તો મંદિર ના દર્શન કરવા ગયા હતા 😀 . એપ્પલ સ્ટોર ની બહાર કાંચના એક ટાવર પર હવામાં લટકાય એમ દેખાતો એપ્પલ કંપની નો લોગો ખુબજ સુંદર દેખાય છે, અને સ્ટોર તો ભૂગર્ભીય છે, રસ્તા પરથી નીચે જવા તેની ગોળ વણાંક વાડા કાંચના પગથીયા સ્ટીવ જોબ્સ્ના નામે પેટન્ટ છે, આ ઘણા લોકોને નથી ખબર હોતી, પણ હું તો તે પગથીયાઓ જોઇને મનમાં હસતો હતો અને લગભગ દસેક મિનીટ ખાલી પગથીયાઓનું નિરીક્ષણ કર્યું 🙂 ખુબજ ભીડ ભાળ વાડી જગ્યા, અને લોકો એપ્પલ આઈ પોડ અને મેક બુક તો એમ ખરીદતા હતા કે જાણે શાક ભાજી લેવા નીકળયા હોય !! અશ્રેય હું ત્યાં બે અઢી કલાક રહ્યો અને પછી ત્યાંથી ફિફ્થ એવન્યુ પરના પ્રાડા, બર્ગડોફ ગુડમેન, હેર્રી વિન્સ્ટન, હેન્રી બન્ડેલ, અરમાની, એબર્ક્રોમ્બી એન્ડ ફિચ, ગેપ, ફેન્ડી ડીઝલ જેવા મોટા મોટા શોરૂમો બહારથી નિહાળી હોસ્ટલ ભેગો થયો। એબર્ક્રોમ્બી એન્ડ ફિચના સ્ટોર ની બહાર એક પુરુષ મોડેલ શર્ટ કાઢીને ઉભો હતો અને તેની સાથે ફોટો પડાવવા માટે લગભગ પચાસેક છોકરીયો ની લાઇન લાગેલ જોઈ મને તો ચક્કર આવી ગયા !!!

*હોસ્ટલ પર સાંજે બધા વિકીમેનીયાના મહેમાનો ભેગા થય ફરવા અને જમવા જવાના હતા, સમયસર અમે લોકો અપ્પર વેસ્ટ સાઈડ બાજુ ફરવા નીકળ્યા, અમારી સાથે ન્યુ યોર્કના જ વિકિપીડિયન રિચર્ડ અને લેન આવેલા, તેઓ અમને સેન્ટ્રલ પાર્ક લઇ ગયા ત્યાર બાદ અમે કથીડરલ ઓફ સેન્ટ જોન ધ ડિવાઈન જોયું, ખુબજ પૌરાણિક અને અત્યંત મોટું ગિરજાઘર. ત્યાર બાદ અમે લોકો કોલમ્બિયા વિશ્વવિધ્યાલય ગયા, અપ્પર વેસ્ટ સાઇડ પર તો જાણે એક પોતાનું જ શહેર બનાવી લીધું હોય એટલી મોટી તે આ આઈવી લીગ યુનીવર્સીટી. પછી અમે બધા રીવર સાઇડ પાર્કમાં જઇ માનવનિર્મિત ન્યુ યોર્ક શહેરમાં કુદરતી અજાયબી એટલેકે ફાયરફ્લાય (પ્રકાશ વાળા ઉડતાં જીવો) જોયા !!!! સૂર્યાસ્તનો સમય અને અંધકાર માં તારાઓ ની માફક થોડી થોડી વારે ઝબુકતા આવા જીવો અને તેના બેકગ્રાઉન્ડમાં ન્યુ યોર્ક સ્કાયલાઇનનો પ્રકાશ નો નજરો તો કદાચ હું આખી જીંદગી ન ભૂલી શકું.

*ડીનર આરોગવા અમે લોકો સીમ્પોઝીયમ નામક એક ગ્રીક રેસ્ટ્રો ગયા, ત્યાં મારી મુલાકાત વિકિપીડિયા ફેમ “ફ્લ્ફરનટ્ટર” સાથે થય, ઇન્ડિયા એજ્યુકેશન પ્રોગ્રામ વખતે તેની સાથે આઈ આર સી(internet relay chat) પર ખુબ જ વાતો થતી, તેને મારી ખુબ મદદ કરેલ અને સારી એવી મિત્ર બની ગયેલ, આઈ આર સી પર ઘણી વાતો થયા બાદ મને ખબર પડી કે તે એક ન્યુ યોર્ક શહેરમાં રેહનાર છોકરી છે !!!! પહેલા તો વિશ્વાસ જ ન આવે કે કોઈ છોકરી આઈ આર સી પર આવે, અને પછી તેની સાથે ઘણી વાત કર્યા બાદ જ્યારે તમે તેને વિદેશમાં મળો તો જે આનંદ અને જે મજા આવે તે ફીલિંગ ને હું ગુજરાતી કે અંગ્રેજીમાં ક્યારેય ન લખી શકું !!! તે પણ મને મળીને ખુશ થય, તેની સાથે ઓસ્ટ્રેલીયા ના બે વિકિપીડિયનો આવેલ, તે બંને સાથે પણ આવનારા દિવસો માં સારી એવી મિત્રતા થય ગયેલ. જમવામાં અમને પીટા બ્રેડ કોમ્પ્લીમેન્ટરી આપેલ, સ્ટાર્ટરમાં ડોલમાંડાકિયા જે દ્રાક્ષની છાલમાં ભાત અને વિવિધ શાકભાજી ભરીને આપે તે ખાધા, બહુ સરસ હતા, તે ઠંડા સર્વ કરવામાં આવે અને ખાવામાં સહેજ ખાટા અને પાણીદાર હોય, સાથે ગ્રીક ઓલીવ્સ પણ લીધા અને મેઈન કોર્સમાં વેજીટેરિયન પ્લેટર લીધું તે કઈ ખાસ ન લાગ્યું, અલગ અલગ શાક ભાજીઓ કાચા પાકા, બફેલ, ફ્રીજમાં થી કાઢેલ ભેગા કરી આપી દીધા હતા અને સાથે લગભગ 250 ગ્રામ પકાવેલું ચીઝ આપી દીધું !!! ન્યુ યોર્ક શહેરમાં એક વાત બહુ વિચિત્ર લાગી કે તમે ગમે તે હોટલમાં જમવા જાઓ ત્યાં તમારે ફરજીયાત બીલના રકમની 15-20 ટકા ટિપ મુકવી પડે :O, ઘણી સરખી હોટલોમાં તો તેઓ બીલ પર જ સર્વિસ ચાર્જ લગાવી દે એટલે ન છુટકે તમારે 15-20 ટકા ટીપ મુક્વાનીજ મુકવાની, તેની સરખામણીએ આપણને ભારત ની હોટલો ગમી :D.

ન્યુ યોર્ક 2

ન્યુ યોર્ક 1

જે પોસ્ટ મારે 6 મહિના પહેલા લખવાની હતી તે હું આજે લખી રહ્યો છું !!!

*3 જુલાય 2012ના રોજ રાજકોટ થી મુંબઈ ની સાંજની જેટ લાઈટની ઉડાન હતી, મુંબઈ એરપોર્ટ પર ઇન્ટર ટર્મિનલ બસ ટ્રાન્સફરની સેવા લઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પોન્ચ્યો, ત્યાં ગેટ પાસે મામા મળવા આવેલા અને થોડું ઘણું ખાવાનું લાવ્યા હતા, થોડી ઘણી વાત ચિત થયા બાદ મેં મારી જિંદગીમાં પહેલી વાર ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર પગ મુક્યા, ચારેય બાજુ ખુબજ ભીડ હતી, મેં સાંભળેલી બધીજ એરલાઈન્સની ઓફિસો અને અને કાઉન્ટરસ હતા। આપણે તો યુનાયટેડ એરલાઈન્સમાં જવાનું હતું તો તેની વિન્ડો પાસે પોંચી ગયા અને જે બાજુ સૌથી નાની લાઈન હતી ત્યાં જાય ઉભો રહી ગયો, ત્યારે ખબર પડી કે તે તો પ્રીમીયમ ક્લાસ ના મુસાફરો માટેની લાઈન હતી. ઈકોનોમી ક્લાસની લાઈનમાં ઉભા રહીને બોર્ડીંગ પાસ લીધો અને સામાન ચેક-ઇન કરાવ્યો, વજન માપસર હતું એટલે તેઓએ ભીખ માગી નહિ 😀 પછી ઈમ્મીગ્રેશન માટે બધાજ મુસાફરો ની સરખી બહુ મોટી લાઈન હતી, તેમાં ઉભા રહ્યા બાદ અને ફોર્મ ભર્યા પછી ઈમ્મીગ્રેશન ઓફિસરે થોડા ઘણા સવાલ પૂછ્યા અને પાસપોર્ટ પર મુંબઈ સી એસ ટી નો થપ્પો લગાવ્યો, ત્યાર બાદ સિક્યોરીટી ચેકિંગ થયું, ન તો મારી પાસે કોઈ બોમ્બ હતો ન તો અણીદાર હથ્યાર, બોર્ડીંગ પાસ પર થપ્પા લગાવ્યા બાદ મારી પાસે આશરે 2-3 કલાક નો સમય હતો, એટલે પહેલા તો આપણે ઘરેથી આવેલું ભોજન આરોગ્યું, અને પછી ડ્યુટી ફરીમાં લટાર મારવા નીકળ્યા.

*ડ્યુટી ફરી એ તો માત્ર ને માત્ર છેતરપીંડીનું બજાર છે, કોઈ પણ વસ્તુ તેના માર્કેટ પ્રાય્ઝ કરતા લગભગ મોંઘી જ હતી, મારા પપ્પા લગભગ 20 વર્ષ થી વિદેશ નોકરી કરે છે એટલે ઘણી એવી વસ્તુઓનો ભાવ મને ખબર, પણ ડ્યુટી ફરી માંથી લોકોને શોપિંગ કરતા જોઈ આપણને પણ નવય લાગે. ત્યાં ખાલી સિગરેટ અને દારુ સસ્તું મળે, દારૂ ની બોટલો પર ઘણી બધી ઓફરો પણ હોય છે, સિગરેટનું એક કાર્ટન અશ્રેય $17 નું હતું, જયારે મેન્હેટ્ટનમાં સિગરેટનું એક પેકેટ 9-12 ડોલર નું પડે !!!! સમય થતા હું મારા ગેટ તરફ વળ્યો અને ત્યાં વધુ એક ચેક પોસ્ટ !!! અને તે અમેરિકાની ઉડાનો માટે ટી એસ એ દ્વારા સંચાલિત હતી, ત્યાંતો બધાનીજ હેન્ડ બેગમાંથી ટુથ પેસ્ટ, શેવિંગ ક્રીમ, જેલ, ડીઓડરન્ટ, પાણી કાઢી કાઢી ને ફેકી દેતા હતા, મને આ વસ્તુ ની ખબર હોવાથી આવી કોઈ વસ્તુઓ સાથે રાખીજ નાં હતી. પ્લેનમાં પગ મુક્યા બાદ અમેરિકન એરહોસ્ટેસે સ્વાગત કરી મારી સીટ તરફ ઈશારો કરી મને આગળ ધકેલ્યો, મારી આયલ સીટ હતી, અને કુકર્મે મારી બાજુની બંને સીટો પર પચાસેક વર્ષના વર્ષોથી USમાં મજુરી કરનાર અને ગુજરાત પરત ફરી ખોટા ડંફાસો મારનાર જેને અંગ્રેજી નો A પણ નાં આવડે એવા આઈ ફોન અને US પાસપોર્ટ વાળા એન.આર.જી. ઉડાન ચાલુ થયા બાદ ઘણું બધું ખાવા પીવાનું આપેલ, પણ કઈ મજા ન આવે, આગળની સીટ પર લાગેલા એન્ટરટેઇન્મેન્ટ બોક્ષમાં ઘણા એવા મુવીઝ અને ગાયનો હતા, પણ હું તો વારે ઘડીએ તેમાં નકશો જોઈ પ્લેનની હાલની ઉચાઇનાં અંક્ડાઓ જોઈ હરખાતો હતો 😀 . પ્લેનમાં સૌએ પોતાની બારી પરનું ઢાકણું નીચું પાડી દેવાથી, દિવસ છે કે રાત કઈ ખબર નતી પડતી. પણ હું તો થોડી થોડી વારે પ્લેનના આગળ થી લઇને છેડે સુધી એક આંટો મારી લેતો 😉 પગ પણ ખુલી જતા અને દિવસ કે રાતની પણ ખબર પડી જતી. નવાયની વાત તો એ લાગે કે મુંબઈ થી ઉપડ્યા ત્યારે રાત હતી, થોડા આગળ વધ્યા તો દિવસ, પછી પાછી રાત, પછી પાછુ થોડું અજવાળું અને ફરી પાછી રાત !! નેવાર્ક ઉતરવાને થોડી વાર હતી તે પેહલા અમને સી બી પી ફોર્મ અપાયા, કઈ રીતે ભરવું તે ખબર ન હતી એટલે બાજુ વાળાઓને પૂછી જેમ તેમ કરી તે ફોર્મ ભર્યું, અને ટચડાઉન ક્યારે થયું ખબર પણ નાં પડી, હજુ પણ બધાની બારીઓ પર ઢાકના જ લાગેલા.

*વિમાન થી ટર્મિનલ પર જવા એક બ્રીજ લગાડેલ, તેમાં પણ કોઈ બારીઓ ન હોવાથી કઈ દેખ્યા વગર હું સીધો બહુમાળી કાંચની ઈમારતમાં પોંચી ગયો, જ્યાં જ્યાં ભીડ જતી હતી હું તેની સાથે જતો હતો, ઈમ્મીગ્રેશન ઓફિસરે મારો કોરે કોરો પાસપોર્ટ તપાસી મને પૂછ્યું, કે પહેલી વાર બારે આવ્યો છો, ડર નથી લાગતો? તો મેં પૂછ્યું “અહી ડરવા જેવું કઈ છે?” અને તેને હંસીને મને થપ્પા લગાવી જવા દીધો, સામાન લેવાના બેલ્ટ પાસે બહુજ ભીડ હતી, આપણે તો આરામ થી એક બાજુ ઉભા રહી બધાની દોડમ દોડ અને સામાન સોથી પહેલા કાઢી લેવાની હરીફાય માણતા હતા, હજુએય મને મેન્હેટ્ટનની સ્કાયલાઈન દેખાણી ન હતી। નેવાર્ક એરપોર્ટ પર ટ્રોલી લેવાના $5 લાગે :o, મારી બેગ ટ્રોલી વાડી હોવાથી $5 બચાવ્યા 😀 કસ્ટમ પણ આરામથી ક્લીયર થાય ગયું, અને ફાય્નલ્લી હું અંકલ સેમની જમીન પર હતો !!!

*જામનગરનો મારો સ્કૂલનો મિત્ર પ્રતિક પટેલ ન્યુ યોર્કમાં એમ એસ કરે છે, તેની સાથે 5-6 વર્ષથી કોઈ મુલાકાત નોતી થાય, પણ ઈન્ટરનેટ પર બહુ ટચમાં હતા, તે મને લેવા અવાનો હતો અને બપોર સુધી હું તેની સાથે રહેવાનો હતો અને પછી મારી હોસ્ટલ તરફ જવાનો હતો. તે સમયસર પોંચી ગયો હતો, એરપોર્ટ થી જર્સી સીટી તરફ જવા એક ટેક્સી મગાવી. ટેક્સી ડ્રાયવર સ્પેનીશ બોલતો હતો, અને એક ફોર્ડ ની ગાડી લઇ તે માંડ માંડ અમને ગોતી શક્યો. ટેક્સીએ 2-3 વણાંક માર્યા બાદ જ્યારે એરપોર્ટની બહાર નીકળ્યા અને હાયવે પર આવ્યા ત્યારે મને પહેલી વાર દુર દુર મેન્હેટ્ટન સ્કાયલાઈન દેખાણી, જેવું ધારેલ તેવાજ ઊંચા ઊંચા મકાનો, દરિયા કાંઠો, તેમાં હું માત્ર એક બે જ બિલ્ડીંગ ઓળખી સકતો હતો, નવું ચણાતું વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ. મેં આ પ્રવાસ ચાલુ થયા પહેલા ગુગલ મેપ્સ વડે આખું મેન્હેટ્ટન લગભગ ખુંદી નાખી મગજમાં એક નકશો બનાવી લીધેલ, ધાર્યા પ્રમાણે ટેક્સીએ પુલાસકી સ્કાય્વે વટાવી જર્સી સીટી માટે વડી. પ્રતિકનું ઘર જર્સી સિટીમાં બરોબર ઘણા બધા ભારતીયો ની વચે હતું, વહેલી સવાર હતી એટલે હજુ કોઈ ઉઠ્યું નાં હતું, ન્હાઈ ને હું તો ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી, જેટ લેગ જેવું કઈ લાગતું ના હતું. બપોરના 1-2 વાગે ઉઠી અમે લોકો મારી હોસ્ટલ તરફ જવા નીકળ્યા.

*તેના ઘેરથી એક બે ગલી મૂકીને વળ્યા તો એક બાજુ વડા પાવ ની દુકાન, રસ્તાની બંને બાજુ ઢોસા અને ઈડલી ની દુકાન, બંગાળી મીઠાઈ ની દુકાન, પંજાબી ફૂડ માટે 2-3 હોટલો। પહેલા વહેલા તો વિચાર આવ્યો કે હું ભારતમાં તો નથી હજુ? પછી એક ઉડુપ્પી હોટલમાં જઈ ભારતમાં પણ કદાચ એટલા સારા મેંદુ વડા નહિ ખાધા હોય જે મેં ત્યાં ખાધા !! અમેરિકામાં આવ્યાને લગભગ 8-10 કલાકો વીતી ગયા હતા અને હજુએય મેં ભારતીયો, લેટિનો, મેક્સિકનો, એશ્યનો સિવાય કોઈ જોયા ન હતા. ભોજન કાર્ય બાદ અમે એક મોબાઈલ શોપમાં એક લોકલ સીમ કાર્ડ લેવા ગયા, તો ત્યાં તો બધાજ ગુજરાતીમાં વાત કરતા હતા :o, મેં પણ ગુજરાતીમાં વાત કરી એક ટી મોબાઈલનું સીમ કાર્ડ લીધું, કોઈ પણ પ્રકાર ના કાગળો આપ્યા વગર, મજા આવી ગયી। તે સીમ કાર્ડ આખી ટ્રીપમાં બહુ ઉપયોગી થયું.  પછી જર્નલ સ્ક્વેર સ્ટેશનથી મેન્હેટ્ટન જવાનું નક્કી કર્યું, સ્ટેશનો પર બધાજ લોકો એમ ટી એ દ્વારા અપાયેલ સ્માર્ટ કાર્ડ વાપરે. મેં $29 નું સ્માર્ટ કાર્ડ ખરીદ્યું, જેના થી આખા ન્યુ યોર્ક સીટીમાં એક અઠવાડિયા માટે કોઈ પણ સબવે, બસમાં ગમ્મે એટલી વાર પ્રવાસ કરી શકાય એટલે કે એક વિક માટે અનલીમીટેડ રાઈડસ. અને કાર્ડ લેવા માટે પણ વેન્ડિંગ મશીન!!! અને તે કેશ પણ સ્વીકારે, તેનું યુઝર ઇન્ટરફેસ પણ ખુબ જ સરળ, કોઈ પણ વ્યક્તિ તે ખુબજ સહેલાઇથી તે વાપરી શકે. સબવે ટ્રેન એકદમ ચોખી અને સેન્ટ્રલી એરકંડીશનડ. અમે મેન્હેટ્ટન જવા ટ્રેનમાં બેઠા, જેમ જેમ જર્સી સીટી ક્રોસ કરતા હતા તેમ તેમ અમેરિકનો ની સંખ્યા વધતી જતી દેખાતી હતી. અમે હોબોકેન થય 59 સ્ટ્રીટ કોલંબસ સર્કલ પોન્ચ્યા.

*કોલંબસ સર્કલ સ્ટેશન પર જયારે તમે સબવેની રાહ જોઈ બેઠા હોવ ત્યારે તમારી સામે એક 20-21 વર્ષીય 5.8 ફૂટના લાંબા કદ અને સુડોળ અને ભરાવદાર શરીર વાડી ગોરી સ્ત્રી જેને લગભગ 6 ઇંચના હિલ વાળા સ્ટીલેટોસ અને લગભગ એટલીજ ટુંકી ખાખી શોર્ટ્સ અને સફેદ રૂમાલ થી પણ પાતળા એવા કાપડ જેવો સદરા જેવું એક બાંય વગરનું ટોપ નાખ્યું હોય અને જેની આંખો પરની એક એક પાપણ કે લેશીઝ તમે ગણી શકો, તેના હોઠ પર લાલ ઘાટા રંગીય ગુલાબ જેવી લીપ્સ્ટીક હોય અને ભૂરા લાંબા વાળ હોય જેને બ્લોન્ડ કહી શકાય અને જયારે તે પોતાના લાંબા હાથની લાંબીએવી આંગળીયો પરના તેજ નખ પર રંગ બેરંગી નેલ આર્ટ લગાવી અને હાથમાં હાથ નાખી બથોબથ એક એટલી જ સુંદર કન્યા સાથે ચાલતી હોય ત્યારે તમને લાગે કે તમે ન્યુ યોર્ક સીટી માં પ્રવેશી ચુક્યા છો અને એક નાનકડો એવો કલ્ચર શોક લાગે અને એજ વખતે તમને કુદરત પર સમલેઈન્ગીકોને બનાવવા માટે ગુસ્સો આવે !!!

*હોસ્ટલ પોન્ચ્યા બાદ પ્રતિક તેના કામે ચાલ્યો ગયો અને હું 4 જુલાય ના સેલિબ્રેશન માટે વિકીમેનીયામા વહેલા આવેલા મહેમાનો સાથે મુલાકાત હતી. અમે લોકો એક પીયો પીયો (pio pio) નામક પેરુવિયન રેસ્ટ્રોમાં મળવાના હતા. સ્માર્ટફોનના અભાવે અને નકશાની મદદથી હું 42 સ્ટ્રીટ પી એ બી ટી સ્ટેશન પર ઉતરી 10 અવેન્યું તરફ ચાલવા માંડ્યો, અત્યંત ઊંચા બિલ્ડીંગ, 4 જુલાયની અતીશ્બાજી જોવા આવેલા લોકોની ભીડ જોઈ કોઈક બીજી જ દુનિયામાં આવી ગયા હોય તેવું લાગતું હતું, જેમ તેમ કરી 10 એવન્યુ પર પોન્ચોયો, પણ પીયો પીયો નું કોઈ ઠેકાણું જ ન દેખાય. આજુ બાજુ ઉભેલા પોલીસ કર્મીયોને પૂછી પૂછી ને પીયો પીયો પોન્ચ્યો, ખુબ જ પોષ અને ઊંચા માઈલ નું રેસ્ટ્રો લાગતું હતું અને હું તો એક ચડ્ડો અને વિકિપીડીયાનું ટી શર્ટ પહેરી નીકળેલો. ત્યાં રેસ્ટ્રોમાં અન્ય 7-8 વીકીપીડ્યનો સાથે મુલાકાત થય, થોડી વાર બેઠા ખાધું-પીધું અને પછી બારે નીકળ્યા.

*10 એવન્યુ પર અતીશ્બાજી જોઈ અમે લોકોએ એક બારમાં જવાનું નક્કી કર્યું, તો રૂડીઝ બાર અને ગ્રીલ જે 9 એવન્યુ પર બધા ભેગા થયા. આ મારું કોઈ સૌથી પહેલું અમેરિકન બાર હતું, એકદમ અંધકાર અને ખુબ જ ભીડ-ભાડ ભર્યું સસ્તું બાર હતું, ત્યાં આવેલા લગભગ બધાની ઉમર 20-25 જ હતી, ખુબ જોર જોર થી મ્યુઝીક વાગતું હતું, બાર ટેન્ડરો અત્યંત ઝડપથી બધાને ડ્રીન્કસ સર્વ કરતા હતા, ત્યાં હોટ ડોગ ફ્રીમાં મળતા હતા. આપણને ત્યાની એક વસ્તુ ખુબજ ગમી, કે ભલે 10-20 લોકો ભેગા ગયા હોય પણ બધા જ પોત પોતાનો ખર્ચો પોતે કાઢે, એટલે આ બારમાં બધાને જે જોઈતું હોય તે ઉભો થયને લઇ આવે અને પૈસા (ડોલર) આપી ટેબલ પર આવી બેસી જાય, હિસાબ ની કોઈ માથાકૂટ જ નહિ, એજ તે લોકોનો રીવાજ છે, જેને જે જોઈતું હોય તે સ્વખર્ચે લઇ આવાનું. ત્યાં પહેલી વાર રેડ બીયર ચાખી.

*થોડા સમય બાદ બધાજ હોસ્ટલ તરફ પાછા વળ્યા, ત્યારે અમે લોકો ટાઈમ્સ સ્ક્વેર પરથી સબવે લેવાનું નક્કી કર્યું, ટાઈમ્સ સ્ક્વેર પર ચાલતા પોન્ચ્યા, ચારેય બાજુ નિયોન લાઈટોથી ચમકતી અને 10 માળ ઊંચા હોર્ડીંગો વાડી આ જગ્યા એક માનવનિર્મિત અજાયબી છે, ત્યાંથી પસાર થતા કોઈ પણ વ્યક્તિ પાસે જાણે સમય જ નથી તેવું લાગે, સ્ક્વેર પર ઉભા રહો તો એમ લાગે કે આખી દુનિયા તમારી આજુ બાજુ ગોળ ગોળ ફરી રહી છે અને તમે ત્યાં સ્થિર છો। ક્યારેય સપનમાં પણ નહિ વિચાર્યું હોય કે હું કોઈ દિવસ ટાઈમ્સ સ્ક્વેર જઈશ, અને જયારે હું ત્યાં ગયો, તો તે સ્વપ્ન જ લાગતું હતું। મોડું થય ગયા હોવાથી અમે લોકો ફટાફટ ટ્રેન પકડી હોસ્ટલ ભેગા થય ગયા. પણ હું જેટલા દિવસ ન્યુ યોર્ક રહ્યો, દરરોજ રાતે ટાઈમ્સ સ્ક્વેર જતો અને કોઈ પણ એક જગ્યાએ ઉભો રહી કે બેસી ત્યાંની મજા માણતો. મારી હોસ્ટલ અપ્પર વેસ્ટ સાઈડ પર 103 સ્ટ્રીટ પર હતી, બહુ જ મોટું બિલ્ડીંગ, લગભગ 650 પલંગ અને એકદમ ચોખી અને અત્યાધુનિક ફેસેલીટી સાથેની કો-એડ હોસ્ટલ હતી. 😉

*ન્યુ યોર્કની પછીની વાતો આવતી પોસ્ટમાં 🙂 !!

ન્યુ યોર્ક 1