ન્યુ યોર્ક દિવસ 5

*તારીખ 8 જુલાયનાં રોજ બધાજ મહેમાનો સવારના યુનાયટેડ નેશનનાં મુખ્ય મથકની મુલાકાત લેવાના હતા, મારે પણ તે લોકો સાથે જવું હતું પણ પાછલા 4 દિવસ જિંદગીમાં પણ ન ચાલ્યો એટલું ચાલ્યા હોવાથી ખુબ થાકી ગયો હતો અને પગ તો રીતસર સોજી ગયા હતા પણ મારે બની શકે તેટલું ફરવું હતું. રવિવાર હોવાને કારણે મેં બીજી ફલી માર્કેટ જવાનું નક્કી કર્યું અને પછી ત્યાંથી એકલો યુ.એન મથકે ગયો.

*મેં ગ્રીન ફલી માર્કેટ જે 77th સ્ટ્રીટ કોલંબસ એવન્યુ પર આવેલ ત્યાં જવાનું નક્કી કર્યું હતું, સવારનાં સહેજ વધારે આરામ કર્યો અને 103 અને બ્રોડવેથી ટ્રેન પકડી 79th સ્ટ્રીટ સ્ટેશન પર ઉતરી ગયો, દિશાઓની બહુ ખાસ ભાન નહોતી પડતી અને સ્માર્ટફોન પણ ન હતો એટલે જેમ તેમ બીજા લોકોને પૂછીને 76th સ્ટ્રીટ પર પહોંચી કોલંબસ એવન્યુ પર આવી ગ્રીન ફલી માર્કેટમાં પહોંચી ગયો. આ માર્કેટ હેલ્સ કિચન કરતાં મોટું અને વિશાળ હતું, માર્કેટમાં ફરવાની ખુબ મજા આવી પણ કંઈ ખરીદી ન કરી.

*માર્કેટથી મારે યુ એન મુખ્ય મથકે જવું હતું એટલે નકશામાં જોઈ બે ટ્રેન બદલીને જવાનું નક્કી કર્યું. માર્કેટથી ચાલીને હું 66 સ્ટ્રીટ લીન્કન સેન્ટર કે રિચર્ડ ટકર સ્ક્વેર સ્ટેશન પર પહોંચ્યો, રસ્તામાં મેં આશરે $2 માં એક સ્ટ્રોબેરીનું પેકેટ ખરીદ્યું, બહુ જ મોટી સ્ટ્રોબેરી અને ઘણી બધી, એટલી સ્ટ્રોબેરી કે એકલો ખૂટાડી પણ ન શક્યો અને ખુબ ગરમી હોવાને કારણે સાથે રાખવાનો પણ મતલબ ન હતો એટલે પેટ ભરીને સ્ટ્રોબેરી આરોગ્ય બાદ જેટલી વધી હતી એ ન છુટકે મારે ફેકી દેવી પડી 😦 સ્ટેશન પર પેહલા ટાઈમ્સ સ્ક્વેર ગયો અને ત્યાંથી 7નંબરની ટ્રેન પકડી ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ગયો. ત્યાંથી ચાલીને યુ એન બાજુ જવાનું નક્કી કર્યું, ખુબ જ ગરમી, ચાર દિવસનો થાક, સોજેલા પગ, પગનાં તળિયામાં ચાંઠા પડી ગયેલા અને લોહી પણ નીકળતું હતું તેમ છતાં મારે ન્યુ યોર્ક શહેર ચાલીને જ ફરવું હતું અને સમય પણ બહુ ન હતો જેમ તેમ મનમાં પોતાને દિલાસો આપીને કે આવો મોકો જિંદગીમાં બીજી વખત કદાચ ન મળે હું તો બિન્દાસ વિદેશ ભૂમિમાં વિદેશી બની એકલો ફરતો હતો. ટ્યુડોર સીટી પ્લાઝા જતા રસ્તામાં મેં ફાઈઝર કંપનીનું મુખ મથક જોયું અને ફોર્ડ ફાઉન્ડેશનનું બિલ્ડીંગ પણ જોયું.

*અને ત્યાર બાદ હું પહોંચી ગયો હતો યુ એન મુખ્ય મથકની સામે, એજ વિશાળ બહુમાળી બિલ્ડીંગ જે ત્યાર સુધી હું માત્ર ફોટાઓમાં જ નિહાળતો હતો એ દિવસે હું બરોબર તેની સામે દસ ફૂટ ની દુરી પર ઉભો હતો. મને યુ એનથી ખુબ જ નફરત છે તેના ભારત પાકિસ્તાનના મુદ્દા પરનાં રાજનૈતિક નપુંસકતાને કારણે પણ તેમ છતાંય મેં અંદર જવાનું નક્કી કર્યું. યુ એનમાં અંદર જવા સઘન સુરક્ષા ચકાસણીમાં થી પસાર થવું પડે જો તમારી પાસે બોટલ પાણી હોય તે પણ અંદર ન લઇ જવા દે, પાણી પણ બારે ઢોળી દેવાનું, પણ હા કેમેરા પર કોઈ પ્રતિબંધ નથી. અંદર ગેલેરી જોઈ, થોડા ઘણા ફોટાઓ પાડ્યા. યુ એનમાં પ્રવેશવા માટે કોઈ ચાર્જ નથી લાગતો પણ જો તમારે જે ગૃહમાં જનરલ અસેમ્બ્લી ભરાય છે તે જોવું હોય તો આશરે $10-12 ની ટીકીટ ખરીદવી પડે, મેં તે ટાળ્યું. અને હાં પેલી વળેલી રિવોલ્વર કે “(ક)નોટેડ ગન” પણ જોઈ 😀 યુ એન ગીફ્ટ શોપમાં થી થોડી ઘણી ખરીદી પણ કરી.

*ત્યાર બાદ ફરીથી ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ (સ્ટેશન નહિ !!!) જવાનું નક્કી કર્યું. અને હા ફરીથી ચાલીને 😉 એટલે હું તો નીકળી પડ્યો E 46th સ્ટ્રીટ પર પાર્ક એવન્યુ તરફ, રસ્તો શ્રીમંતોના વિસ્તારમાંથી કે જેને ઇસ્ટ વિલેજ પણ કહે છે ત્યાંથી પસાર થતો હતો એટલે બધા નજારા નિહાળવાની ખુબ મજા આવી 😛 રસ્તામાં હેમ્સ્લી બિલ્ડીંગ, મેટલાઈફ બિલ્ડીંગ પણ જોયા. હવે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલની વાત કરું તો એ છે દુનિયાનું મોટામાં મોટું સ્ટેશન જે ખાલી 48 એકરમાં પથરાયેલું છે 😀 જેમાં માત્ર 44 પ્લેટફોર્મ અને 67 ટ્રેક છે અને આ બધુજ ભૂગર્ભીય છે !!! આ એજ ટર્મિનલ છે જે તમે કદાચ ગોસ્સીપ ગર્લ, ધ એવેન્જ્ર્સ, મેન ઇન બ્લેક, વન ફાઈન ડે, ધ ટેકિંગ ઓફ ફેલ્હેમ 123, સુપરમેન, ધ મિડનાઈટ રનમાં જોયું હશે. સ્ટેશન તો એટલું મોટું કે તે આજુ બાજુના લગભગ ચાર પાંચ બિલ્ડીંગોનાં પાર્કીન્ગોમાં થી પણ ત્યાં જઇ શકો. આ ટર્મિનલ પર કુલ 100 કરતા પણ વધુ ટ્રેકો છે અને અહિયાં આગળ ટર્મિનલ પર જ બહુ પ્રખ્યાત એપ્પલ સ્ટોર પણ છે. આ ટર્મિનલ એક માનવ નિર્મિત અજાયબી જ છે !!

*ટર્મિનલથી હું તો ફરીથી ટ્રેન પકડી ટાઈમ્સ સ્ક્વેર ચાલ્યો ગયો. ટાઈમ્સ સ્ક્વેર પર પહોંચ્યો ત્યારે હજુ બપોર જ હતી તેમ છતાં ત્યાં આગળ નિયોન લાઈટો અને મોટી સ્ક્રીનો નો પ્રકાશ ખુબ જ તેજ હતો. ત્યાં આગળ જ્યાં દર વર્ષે જે બોલ ડ્રોપ થાય છે તે પગથીયા પર બેસી ઘણો સમય પસાર કર્યો અને દેશ વિદેશથી આવતા જતા ટોળાઓને નિહાળ્યા, તો ખબર પડી કે બાજુમાં એક મોટી સ્ક્રીનની નીચે એક કેમેરા લગાવ્યો હતો જે આવતા જતા લોકોને કેદ કરે અને સ્ક્રીન પર લાઇવ ફીડ પ્રસારિત કરે એટલે બધા જ લોકો ત્યાં ટોળું જમાવીને ઉભા રહી જાય. દુનિયાની સૌથી વ્યસ્ત જગ્યોમાની એકમાં 3 માળ ની આકારની સ્ક્રીન પર જ્યારે તમે આવી શકતા હોવ ત્યારે એવા મોકા મુકાય? એટલે હું તો જઇ ને ગોઠવાય ગયો કેમેરાની સામે અને થોડી જ વારમાં આપણે પણ એજ સ્ક્રીન પર !!! બહુ મજા આવી !!

*અને પછી મેં મેસીઝ (macy’s) સ્ટોર જે હેરાલ્ડ સ્ક્વેર પર સ્થિત છે ત્યાં જવાનું નક્કી કર્યું. આ સ્ટોર 1924 થી 2009 સુધી દુનિયાનો સૌથી મોટો સ્ટોર હતો અને આજે પણ તે સ્ટોર ની બહાર મોટા હોર્ડિંગ પર લખેલ છે “The World’s largest store”. ત્યાં જવા માટે ટાઇમ્સ સ્ક્વેરથી હું 7th એવન્યુ પર જ 44th સ્ટ્રીટથી 34th પર ચાલવા માંડ્યો, રસ્તો સહજે લાંબો હતો અને હું પણ ફરીને જતો હતો કારણ કે આ એવન્યુ ને ફેશન એવન્યુ પણ કહે છે 😛 . મેસીઝ પહોંચીને તો પહેલા વહેલા તો વિશ્વ પ્રખ્યાત કંપની બેન એન્ડ જેર્રીનો સરસ મજાનો આઈસ ક્રીમ ખાધો. મેસીઝ જ એક એવો સ્ટોર છે જે બે એવન્યુ અને બે સ્ટ્રીટ વચ્ચે આખી ને આખી જગ્યા માં પથરાયેલો છે અને આંઠ માળનું બિલ્ડીંગ છે.

*મેસીઝ્માં તમને મોંઘામાં મોંઘા મોજા, હેર પીનો, કપડા, પરફ્યુમ, જોડાઓ, ઘડિયાળો મળી જશે. જો તમારી પાસે પૂરતા પૈસા ઉર્ફે ડોલર હોય અને પુષ્કળ સમય હોય તો જ તમારે આ સ્ટોરમાં પગ મુકવાનો. અહિયાં આગળ જ મેં આંઠ થી દસ હજાર ડોલરનાં સૂટ પણ જોયેલા. આ બિલ્ડીંગમાં વર્ષો જૂની લાકડાની એસ્કેલેટરો છે તમે એક દિવસમાં આ સ્ટોરનાં બધા જ વિભાગો ક્યારેય નહિ જોઈ શકો. ગ્રાઉન્ડ ફ્લોર પર એક સેલ લાગેલ જેમાં થોડા સસ્તા શર્ટ દેખાતા હતા એટલે હું તો ત્યાં પહોંચી ગયો. અને તમને જો અહિયાં કોઈ પાંચ વર્ષનું નાનું બાળક જોર જોર થી કહેતું મળે કે “મમ્મી ચલ, ખરીદી નથી કરવી ભૂખ લાગી છે” તો નવાઇ નહિ પામતા કારણ કે ગુજરાતીયો તમને દુનિયાના કોઈ પણ છેડે મળી જશે જેમ કે મને અહિયાં આગળ. મારા કુકર્મે મને જે કપડા ગમ્યા તે કાં તો મારા માપનાં ન હતા અથવા મારા બજેટમાં ન હતા 😀 એટલે મેસીઝ થી આપણી ખરીદી કરવાનું સપનું જ રહી ગયું (વાંધો નહિ પછી ક્યારેક 😉 ) .

*મેસીઝથી માંડ માંડ બહાર નીકળ્યો ત્યારે સુરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો અને બરોબર મારી સામે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની લાઇટો ચાલુ થય રહી હતી, સહેજ આગળ ગયો તો હેરાલ્ડ સ્ક્વેર પર “વિક્ટોરિયાઝ સિક્રેટ”નો નવો સ્ટોર ખુલવાનો હતો તેના મોટા મોટા પોસ્ટરો અને જાહેરાતો નિહાળવા માંડ્યો 😀 એક એકરાર : વિક્ટોરિયાઝ સિક્રેટનાં સ્ટોર કરતા તેની જાહેરાતો અને પોસ્ટરો જોવાની વધારે મજા આવે 😀 (જો તમને વિક્ટોરિયાઝ સિક્રેટ શું છે તે નથી ખબર તો મહેરબાની કરી ટીવી ચાલુ કરી પોગો જોવા લાગો 😛 ), આશા કરું છે કે તે સ્ટોર હવે ખુલી ગયો હશે.

*મારી ન્યુ યોર્ક શહેરની છેલી રાત ઢળી રહી હતી અને તે જોગાનું જોગ રવિવાર હતો. શું કરવું એનો તો કોઈ પ્રશ્ન જ ન હતો, શું ન કરવું એ પ્રશ્ન હતો. પણ હું ઘરે થી જ એક એક દિવસનો પ્લાન અને કઈ કઈ રેસ્ટ્રો કે બારમાં જવું તે નક્કી કરીને આવેલો, એક સરસ મજાનું ગુગલ ડોક્સ પર યેલ્પ ની મદદથી એક લીસ્ટ પણ તૈયાર કરેલ જેમાં જોવા લાયક ખાવા પીવાની જગ્યાની માહિતી અને પાકું સરનામું લખેલ.

*એ જ યાદીમાં એક જગ્યા નક્કી કરેલ વી યુ રૂફટોપ બાર જે બરોબર એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની પાછળ 32 સ્ટ્રીટ વેસ્ટ પર સ્થિત છે એ બાર એક હોટલની છત પર ખુલ્લા માં છે અને ઈન્ટરનેટ પર ફોટાઓ અને યેલ્પ પર રીવ્યુ વાંચ્યા બાદ ત્યાં જવાનું નક્કી કર્યું હતું. 14th માં માળે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની નીચે અને ખુલ્લા માં તેના જેવી જગ્યા કદાચ આખા મેન્હેટ્ટનમાં ક્યાંય નહિ હોય. ઇએસબી નો ખુબ જ અદ્ભુત નજરો ત્યાંથી જોવા મળે. પર્યટકોને આ જગ્યા વિષે ખબર ન હોવાથી ભીડ ભાળ ન હોય ખાલી ત્યાંના લોકલ માણસો કે ન્યુ યોર્કર જ ત્યાં મોટે ભાગે આવે. જેટલું નાનું અને સુંદર તે બાર એટલી જ સુંદર, દેખાવડી, હોટ, બ્લોન્ડ ત્યાંની બારટેન્ડરેસ !!! 😉

*બારટેન્ડરેસ મને જોઈ અચરજ પામી કારણ કે તેને તરત જ ખબર પડી ગઈ કે હું તો વિદેશી પર્યટક છું અને તેને પૂછ્યું કે તને આ જગ્યા વિષે કઈ રીતે ખબર પડી તો મેં જ્યારે કહ્યું કે યેલ્પ પર વાંચી અને ગુગલ મેપ્સ વડે જગ્યા શોધીને છેટ ભારતથી આવ્યો છું તો તે માની જ નહોતી શક્તિ, થોડી ઘણી વાત ચિતો થયા બાદ તેને કહ્યું કે હું વિકિપીડિયાની એક પરિષદ માટે આવ્યો છું અને રખડવાનો શોખીન છું. ત્યાર બાદ તો એક બીયર, ક્લાસિક માર્ગરીટા (મેક્સિકન કોકટેલ) અને ઓન ધ રૂફ (કોકટેલ) પીધું. પીવા કરતા તે માહોલ જે હતો એ અદ્ભુત હતો રાત્રીના ખુલ્લા બાર થી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગનો સીધો નજરો અને ભયંકર ગરમ દિવસ બાદ વહેતો ઠંડો પવન અને સાથે ઠંડા કોકટેલ અને લાઈવ જેઝ. જેઝમાં કશુંય ખબર ન પડે પણ મ્યુઝીક સારું હતું અને ગમે એવું હતું. મિત્રોની યાદ પણ બહુ આવી, ત્યાંના લોકલ માણસો ઘણા ફ્રેન્ડલી હતાં, કોઈ ઓળખીતું ન હતું તેમ છતાય વાતો કરવાની ખુબ મજા આવી. બે કલાક તો બારટેન્ડરેસ સાથે વાત કરતા કરતા અને જેઝ સાંભળતા ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી, પછી જેમ તેમ ચાલી કરીને નજીકના સ્ટેશનથી હોસ્ટલ તરફ ચાલ્યો ગયો અને હોસ્ટલ ની બાજુના મેકડોનાલ્ડ્સમાં જઇ ડીનર આરોગ્યું.

*ન્યુ યોર્ક શહેરની પાંચ રાતો તો હું મારી આખી જીન્દગી ન ભૂલી શકું, આટલું ફર્યા બાદ પણ મને હજુય એમ લાગે છે કે મેં કઈ જોયું જ નથી. એ શહેર ખરેખર એક સ્વપ્ન નગરી જ છે. હું લંડન, પેરીસ કે ટોક્યો હજી નથી ગયો પણ તેમ છતાંય હું ખાત્રી આપીને કહી શકું કે ન્યુ યોર્ક શહેર જેવું દુનિયામાં બીજું કોઈ શહેર નથી. ન્યુ યોર્ક શહેર ખુબ ઓછા પૈસામાં પણ એકદમ સારી રીતે ફરી શકાય, જો તમે ગમ્મે ત્યારે ત્યાં જવાના હોવ તો એક વખત મારી સાથે વાત કરજો (I can help you out).

ન્યુ યોર્ક દિવસ 5

4 thoughts on “ન્યુ યોર્ક દિવસ 5

    1. ફોટાઓ એટલા બધા છે કે એક સાથે ફ્લીકર પર અપલોડ થય શકે એમ નથી થોડા ઘણા ફોટાઓ મારા ફ્લીકર પર છે જે તમે અહિયાં થી જ જોઈ શકો છો, જમણી બાજુમાં ઉપરના વિજેટથી અને બીજા થોડા ફોટાઓ ફેસબુક પર છે. અને એડ્રીઆના લીમા 😛

  1. વિદેશ પ્રવાસમાં સાથે સ્માર્ટ ફૉન અને સારૂ ઇન્ટરનૅટ હોવું ખુબ જરૂરી છે જેથી સમયની બચત અને ઝડપી માહિતી મળે છે.
    જાહેર વાહન વ્યવહારનો પ્રકાર, ટિકીટ અથવા પાસ વિશે સ્થાનિક વિદ્યાર્થીને અવશ્ય પુછી લેવું તેમને રાહત દરે કેવી રીતે ફરવું તેનો ખ્યાલ હોય છે.
    બ્રિસ્બેનમાં એક આખો દિવસ સાયકલ પર જાતે ફરવું હોય તો માત્ર ૩ ડોલર થાય.
    ફાઇઝરનું મુખ્ય મથક જોઇને બધાય ને બધા રહસ્યો ખબર પડી જાય છે 🙂 સમુદ્રમાં અસંખ્ય રહસ્યો સમાયેલા છે. વિદેશી દરિયા કિનારે લટાર મારવાથી પણ ઘણા રહસ્યો જાણવા મળે છે.

    1. મારી પાસે ન્યુ યોર્ક શહેરની સફરે સ્માર્ટ ફોન ન હતો. એટલે ઈન્ટરનેટનો અભાવ હતો જેથી દરરોજ રાત્રે અને સવારે હોસ્ટલનાં ઈન્ટરનેટથી ગુગલ મેપ્સ વડે માસ્ટર પ્લાન બનાવી લેતો, લોકલ સીમ કાર્ડ પણ હતું જેથી ક્યાંય અટકાય જતો ત્યાં લોકલ મિત્રોને ફોન કરી દિશા પૂછી લેતો. અમેરિકા પ્રવાસ દરમ્યાન મારી પાસે સાયકલ પર ફરવાનો વિકલ્પ હતો પણ મેં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવાનો નિર્ણય લીધો હતો.

Leave a reply to અમિત પટેલ Cancel reply