ન્યુ યોર્ક દિવસ 4

*ઘણાં સમયથી બાકી રહી ગયેલું કામ ફરી ચાલુ કરું છું 😀

*તારીખ 7 જુલાયનાં રોજ વિકીમેનીયા માટે વહેલા આવેલા લોકો વીકી વર્લ્ડ ફેર જે ગવર્નર ટાપુ પર યોજવાનું હતું તેમાં ભાગ લેવાના હતા. વીકી વર્લ્ડ ફેર ફરી કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે અને ગવર્નર આઇલેન્ડ દક્ષીણ મેન્હેટ્ટનથી બોટમાં જવાય છે.

*સાત જુલાય શનિવાર હોવાથી ન્યુ યોર્ક શહેરમાં પ્રખ્યાત ફલી માર્કેટ ઠેર ઠેર ભરાય છે, મારે હેલ્સ કિચન ફલી માર્કેટની મુલાકાત લેવી હતી. કોઈ શહેર જાણવું કરવું હોય, ત્યાંના લોકોને ઓળખવા હોય તો તે શહેરની લોકલ માર્કેટમાં અચૂક જવું !! ન્યુ યોર્ક શહેરની બજારો ખુબ જ ફેન્સી થઇ ગઇ છે, લગભગ બધી જ વસ્તુઓ ખુબ જ મોંઘી હોય છે એટલે જો તમે ન્યુ યોર્ક શહેરની મુલાકાત લેવાના હોવ તો ફલી માર્કેટ જરૂરથી માણવી.

*હોસ્ટલથી હેલ્સ કિચન જવા સવારે મેં 103 સ્ટ્રીટ પરનાં સ્ટેશનથી ડાઉનટાઉન તરફ 1 નંબરની ટ્રેન પકડી ટાઈમ્સ સ્ક્વેર પર ઉતરી ગયો, ટાઈમ્સ સ્ક્વેર પર સવારનો અને રાતનો માહોલ ખુબ જ અલગ હોય છે, સવારે ત્યાંથી ઓફીસ જનારા લોકોની ખુબ ભીડ હોય છે અને ટાઈમ્સ સ્ક્વેરની આજુ બાજુમાંજ લગભગ ચારથી પાંચ સ્ટારબક્સ છે જ્યાં ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. ટાઈમ્સ સ્ક્વેરથી હેલ્સ કિચન જવા મેં ગારમેન્ટ ડીસટ્રીકટમાં થી પસાર થવાય તેવો રસ્તો શોધ્યો.

*ગારમેન્ટ ડીસટ્રીકટ એટલે ન્યુ યોર્ક શહેરનાં મેન્હેટ્ટનમાં આવેલું એક પરુ કે જ્યાં કાપડ અને ફેશન ને લગતી વળગતી મોટી મોટી દુકાનો અને ઓફિસો છે, કેલ્વીન કલાઈન, નિકોલ મીલ્લ્ર, ડોના કેરેન જેવા ડીઝાયનરોની ઓફીસ ગારમેન્ટ ડીસટ્રીકટમાં સ્થિત છે. ગારમેન્ટ ડીસટ્રીકટ 5th એવેન્યુ થી 9th એવેન્યુ અને 34th સ્ટ્રીટ થી 42nd સ્ટ્રીટ પર ફેલાયેલ છે. ગારમેન્ટ ડીસટ્રીકટમાં લટાર મારતા હોઈએ ત્યારે તમને સુરતના બોમ્બે માર્કેટ અને ટેક્સટાઈલ માર્કેટ અને રઘુવંશી માર્કેટ જેવો એહસાસ આવે. રંગ રંગના કાપડ અને દોરાના મોટા મોટા તાકાઓ બહુ મોટી સંખ્યામાં જોવા મળે.

*હેલ્સ કિચન ફલી માર્કેટ ધાર્યા કરતાં થોડું નાનું હતું અને લોકો પણ ઓછાં હતા, પણ ઘણું સારું માર્કેટ હતું. ફલી માર્કેટ હોવાને કારણે મને એક વસ્તુનો તો અંદાજો હતો કે ત્યાં પૂરે પૂરું બાર્ગેનિંગ એટલે કે ભાવ તોલ થાય છે, હું હજી તેમાં કાચો પડું અને હતો પણ એકલો એટલે કઈ વધારે ખરીદી નહોતી કરવી. તેમ છતાય કબેલાના ઈટાલીયન લેધરના મારા માટે શુઝ લીધા અને મમ્મી અને બહેન માટે નાની મોટી વસ્તુઓ લીધી, ભાવ તોલ પણ કરાવ્યો 😀 એ માર્કેટમાં છોકરીયો માટે ખુબ બધી વસ્તુઓ મળે પણ આપણે કોની માટે લેવું? 😛 વિચાર આવ્યો કે મારી મમ્મી કે બહેન જો સાથે હોત તો કદાચ આખો દિવસ ત્યાં માર્કેટમાં જ પસાર કરી નાખે !!! ફરી ગારમેન્ટ ડીસટ્રીકટમાં પસાર થઈ, ટાઈમ્સ સ્ક્વેર પરથી સાઉથ ફેર્રી જવા ટ્રેન પકડી.

*સાઉથ ફેર્રી એ દક્ષીણ મેન્હેટ્ટન પર સૌથી નીચે નદી કિનારે સ્થિત છે, જો તમારે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી જવું હોય તો અહિયાંથી બોટ મળે. મારે તો સ્ટેટન આઈલેન્ડ નહિ પણ ગવર્નર આઈલેન્ડ જવું હતું એટલે બેટરી મેરીટાઇમ બિલ્ડીંગથી બોટમાં જવું પડે અને ગવર્નર આઈલેન્ડ જવા બોટ સેવા તદન મફત !!! બોટમાં લગભગ 10 મિનીટ લાગે બીજા કિનારે જતા અને દક્ષીણ મેન્હેટ્ટનની સ્કાયલાઇન, મેન્હેટ્ટન બ્રીજ, બ્રુકલીન બ્રીજનો અદ્ભુત નજરો જોવા મળે !!

*ગવર્નર આઈલેન્ડ પર કોઈ વાહનો ન હતા, બેગમાં વજન પણ ખુબ હતું અને ખુબ ગરમી હોવાથી અને ઘણું ચાલવાથી પરસેવાથી નીત્રી રહ્યો હતો છતા બીજા વિકિપીડિયનોને મળવાનો ઉત્સાહ ખુબ હતો. અહિયાં આગળ મેં પહેલી વાર ન્યુ યોર્ક સ્ટાઈલ પિઝ્ઝા ખાધા જે માત્ર ટમેટો સોસ અને મોઝરેલ્લા ચીઝના બનેલા હોય અને હા સાથે કોક તો હોય હોય ને હોય જ !!! આ પિઝ્ઝા બહુ જ મોટા હોય અને સમૂહમાં ખાવા માટે જ બનતા હોય છે !! ત્યાંથી બધાજ લોકો મેન્હેટ્ટન તરફ પરત વળ્યા અને દક્ષીણ મેન્હેટ્ટન કે ફાય્નેન્સ ડીસ્ટ્રીકટ ફરવાનું નક્કી કર્યું.

*બેટરી પાર્કથી અમે બધા ફાય્નેન્સ ડીસ્ટ્રીકટ ગયા જ્યાં આગળ વોલ સ્ટ્રીટ પર ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ, નેસ્ડેક, ડોયચે બેન્ક જેવી અધ્યતન બિલ્ડીંગો જોઈ. અત્યારે વોલ સ્ટ્રીટ પર કોઈ પણ પ્રકારના વાહનો નથી જવા દેતા અને પોલીસ સુરક્ષા પણ ખુબ જ કડક છે. અને હા પેલો વિશ્વ પ્રખ્યાત આખલો પણ જોયો !!!

*પછી બધા જ લોકો વિશ્વ (કુ)પ્રખ્યાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરીયલ જોવા ગયા, ત્યાં આગળ અત્યારે ગગનચુમ્બીય વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર લગભગ બની જ ગયું છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જોઇને મને તો યુએસ પર બહુ જ ગુસ્સો આવે, તેઓની નીતિઓ ને કારણે જ હજારો નિર્દોષ લોકો મર્યા છે અને હું તો આજે પણ પેલી કોન્સ્પીરસી થીયરીમાં માનું છું કે જે કહે છે કે 9/11 એ યુ એસ નો જ પ્લાન હતો. ત્યાંથી બધા લોકો ન્યુ યોર્ક શહેરમાં સ્થિત બધીજ મોટી ન્યાયાલયો ની મુલાકાત લીધી તે જગ્યા વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી ખુબ જ નજીક છે.

*ત્યાર બાદ સૌએ ચાયનાટાઉનની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ચાયનાટાઉન એટલે કે જ્યાં આગળ બધા ચાયનીઝો ભેગા થઈ રહે અને ધંધો કરે તે વિસ્તારનું નામ ચાયનાટાઉન થઈ જાય અને એમાંય ન્યુ યોર્ક શહેરનું ચાયનાટાઉન તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અંદર ઘૂસો તો ભૂલી જ જવાય કે તમે યુ એસ માં છો, બધું જ ચાયનીઝ, લોકો થી માંડી ને ઘર, મકાનો, રેસ્ટ્રો, ગાડીઓ, છોકરીયો 😀 કોઈ પણ દુકાનમાં એક રોલેકસ માગો તો ઢગલો આગળ કરે.

*બધા જ મહેમાનોએ ચાયનીઝ ખાવાનું નક્કી કર્યું એટલે એક રેસ્ટ્રોમાં ઘુસ્યા. ચાયનીઝ ફૂડ ખુબ જ સસ્તું હોય છે અને એટલું જ ગોબરું દેખાય !! અને એ કોઈ ભારતની ચાયનીઝ રેસ્ટ્રો થોડી કે તમને ગોબી મંચુરિયન પણ આપે? એ તો પરમ્પરાગત ચાયનીઝ રેસ્ટ્રો જ્યાં તમને કદાચ જે પ્રકારનું માસ જોઈતું હોય તે મળી આવે રેસ્ટ્રોની હાલત જોઇને આપણી તો કઈ ખાવાની ઈચ્છા નહોતી થતી પણ જ્યારે વીસ લોકો સાથે હોય ત્યારે ચુપ ચાપ મોઢું બંધ રાખી બેસવું પડે. ન્યુ યોર્કનો મારો મિત્ર લેનને ખબર કે હું શાકાહારી અને મારા ચહેરાના ચિત્ર વિચિત્ર હાવ ભાવ જોઈ તે સમજી ગયો કે અહિયાં આને મજા નહિ આવે એટલે કોઈનું ધ્યાન ન પડે એમ અમે છટકવાની કોશિશ કરી તો અમારી સાથે યુરોપના બીજા પાંચ મહેમાનો પણ ઉભા થય ગયા 😀 \m/

*અને એ રીતે અમે બહારવટિયાઓએ નક્કી કર્યું કે લીટલ ઇટલી જઈએ. જે શહેરનાં વિસ્તારમાં ઈટાલીયનો વસે એને લીટલ ઇટલી કહેવાય, અને જો તમે લોકો એ મારિયો પુઝો અને ગોડફાધર વિષે જાણતા હોવ તો તમારે જિંદગીમાં એક વખત તો ન્યુ યોર્ક શહેરના લીટલ ઈટલીમાં જરૂર થી જરૂર આવવું. ચાયનાટાઉન અત્યારે લીટલ ઇટલી પર ધીરે ધીરે કબજો કરી રહ્યા છે એટલે તે દિવસે ને દિવસે નાનું થતું જાય છે. લીટલ ઇટલીમાં પણ તમે રખડતા હોવ તો તમને ઇટલી જ અનુભવાય ઘણા બધા નાનાં નાનાં રેસ્ટ્રો અને કેફે પણ છે, અમે લોકો એવા જ એક રેસ્ટ્રોમાં ઘુસ્યા અને બૃશેતા, કેલ્ઝોન, રેવીયોલી અને તીરામીસું આરોગ્યું. રેસ્ટ્રો થોડું મોંઘુ હતું આશ્રેય $28 બીલ આવ્યું (ટીપ સાથે) પણ જમવાની ખુબ જ મજા આવી, પછી લીટલ ઇટલીમાં જીલાટો ખાધાં વગર જવાય 😛 ? એટલે પરંપરાગત પીસ્તા જીલાટો પણ ખાધું.

*કહેવાય છે કે ન્યુ યોર્ક શહેર એ થીયેટર પ્રેમીઓ માટે જન્નત છે અને શહેરમાં અસંખ્ય થીયેટરો પણ છે. ભોજન બાદ ઘણા મહેમાનો એક પ્લે જોવા જવાના હતા પણ મને કોઈ પ્લે કે થીયેટરમાં બહુ રસ ન હોવાથી જવાનું ટાળ્યુ. અને નક્કી કર્યું હતું કે રોકફેલ્લર સેન્ટરની ટોચ પર આવેલ ઓબ્ઝર્વેશન ડેક ની મુલાકાત રાતનાં સમયે લઈશ. રોકફેલ્લર સેન્ટર એટલે એ જ કે જ્યાં આગળ નાતાલ વખતે ક્રિસમસ ટ્રી મુકવાની વિધિ અને તેને લાઈટોથી ઉજ્વલિત કરવાની વિધિ એ યુ એસ માટે એક રાષ્ટ્રીય તહેવારની જેમ મનાવાય છે.

*રોકફેલ્લર સેન્ટરના એંસી માં માળે સ્થિત ઓબ્ઝર્વેશન ડેક કે ટોપ ઓફ ધ રોકની મુલાકાત સહેજ મોંઘી પડે, તેની ટીકીટ $25માં ખરીદવી પડે, પૈસા કરતા તે ટીકીટ મેળવવી અઘરી છે, બહુ ભીડ હોય એટલે લાઇનમાં ખુબ રાહ જોવી પડે. અને 80 માં માળે થી રાત્રીના સમયે ન્યુ યોર્ક શહેર જોવાની મજા જ અલગ છે !!! સઘન સિક્યોરીટી ચેકિંગ બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવે. ત્રીજા માળે થી લીફ્ટ તમને ઉપર લઇ જાય. મને યાદ છે ત્યાં સુધી એ બિલ્ડીંગમાં ઓછામાં ઓછી 30-35 લીફ્ટો હતી. એક લીફ્ટમાં વીસ લોકો આવે અને ત્રીજા માળે થી ઉપડતી લીફ્ટ સીધી જ 79 માં માળે જાય લીફ્ટમાં અંદર નીચે અને ઉપર ની સર્ફેસ કાંચની હોય અને સ્ક્રીન હોય જેમાં એક 25-30 સેકેંડની ફીલમ બતાવે. તમને પ્રશ્ન થશે 25 સેકેંડ જ કેમ? કારણ કે ત્રીજા માળે થી ટોંચ પર પહોંચતા ખાલી ત્રીસ સેકેંડ લાગે 😛 આટલી ઝડપી લીફ્ટ તો મેં હજી સુધી ક્યાંય નહોતી જોઈ.

*ઓબ્ઝર્વેશન ડેક એટલે કે એકદમ વિશાળ અગાસી અને રાતનાં સમયે તો દુર દુર તમારી નજર જાય ત્યાં સુધી લાઈટો જ લાઈટો દેખાય, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ક્રાયસ્લર બિલ્ડીંગ, જી ઈ બિલ્ડીંગ જેવા મોટા મોટા બિલ્ડીગોના સરસ નાજારાઓ જોવા મળે, જો તમારે સેન્ટ્રલ પાર્ક અને મેન્હેટ્ટન જોવું હોય તો દિવસનાં સમયે જવું રાતના બહુ ચોખું ન દેખાય, પણ હું તો માત્ર ને માત્ર લાઇટો જોવા ગયેલો. એંસીમાં માળે ભીડ ભાળ વચે હું એકલો આંટા મારી રહ્યો હતો ત્યારે ઘરનાઓની અને નજીકના મિત્રોની ખુબ જ યાદ આવે, સાથે કોઈ વાત કરવા માટે પણ ન હતું, એકાદ બે કલાક આંટા મારી હું તો નીકળી ગયો પણ તે ટોંચ પર રહેવાનો અનુભવ ખુબ જ અનોખો હતો !!!

ન્યુ યોર્ક દિવસ 4

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s